પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સ્વચ્છતા ડ્રાઇવ સહિતના આયોજન વિશે માહિતી આપતા જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા*
*પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સ્વચ્છતા ડ્રાઇવ સહિતના આયોજન વિશે માહિતી આપતા જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા*
---------------------
*સ્વચ્છતા, દબાણ, રખડતા ઢોર, ભયજનક હોર્ડિંગ્સ વગેરે મુદ્દાઓ પર આગામી ત્રણ મહિનાના સુદ્રઢ આયોજન વિશે માહિતગાર કર્યા*
---------------------
*વેરાવળ શહેરમાં વોર્ડ-વાઈઝ સફાઈમાં નાગરિકોને પણ સહભાગી બનવા આહ્વાન*
---------------------
ગીર સોમનાથ, તા.૩૦: શહેરમાં કાયમી ધોરણે ઉત્તમ સફાઇ થતી રહે અને નગરપાલિકાની કામગીરીનો સુનિયોજિત લાભ શહેરીજનોને મળતો રહે તે માટે જિલ્લા કલેકટરશ્રી દ્વારા સ્વચ્છતા, દબાણ, રખડતા ઢોર, ભયજનક હોર્ડિંગ્સ વગેરે મુદ્દાઓ પર આગામી ત્રણ મહિનાનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ઉપલક્ષમાં જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ નગરપાલિકા સભાખંડ ખાતે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી નાગરિકલક્ષી મુદ્દાઓના આયોજન વિશે માહિતગાર કર્યા હતાં.
જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનું આ પવિત્ર સ્થાન છે. અહીં આવતા પર્યટકો અને શ્રદ્ધાળુઓ શહેરની સ્વચ્છ છબી પોતાના મનમાં લઈને જાય તેવી સફાઈ આવશ્યક છે. નાગરિકોના સાથ-સહકારથી આ સફાઈ કાર્ય શક્ય બનશે તેમજ સફાઈને કાયમની ટેવમાં પરિવર્તિત કરવી જોઈએ. વધુમાં કલેક્ટરશ્રીએ દરેક નાગરિકો સફાઈ અભિયાનમાં સહભાગી બની અને શ્રમદાન કરે એવી અપીલ પણ કરી હતી.
વધુમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, શહેરમાં સફાઈ પરત્વે ઘણી જ મહેનત કરવામાં આવે છે. સોમનાથ તીર્થ એ મોટું પ્રવાસન સ્થળ હોવાથી અહીં અચૂક સ્વચ્છતા જાળવવી જ જોઈએ. કોઈપણ વિદેશના પ્રવાસીઓ અથવા મહાનુભાવો સોમનાથ તેમજ વેરાવળ શહેર અને પ્રભાસતીર્થના ગીતામંદિર, ત્રિવેણી, ભાલકા વગેરે આસપાસના તીર્થ સ્થળની મુલાકાત લે તો હરહંમેશ શહેર ચોખ્ખું ચણાક હોવું જોઈએ એવું જનમાનસ વલણ હોવું જોઈએ.
શહેર ચોખ્ખું રહે અને સફાઈમાં કોઈ જ પ્રકારની બાંધછોડ નહીં ચલાવી લેવામાં આવે એવું જણાવી સ્વચ્છતા અંગે આગામી ત્રણ મહિનાના આયોજનનો ચિતાર આપતા કલેક્ટરશ્રીએ નિયમ પ્રમાણે ડોર ટૂ ડોર કચરાનું કલેક્શન, અયોગ્ય કચરાના પોઇન્ટ બંધ કરાવવા કચરો ડમ્પ કરવાની પરમિશન દબાણ વાળી જગ્યાઓ ખુલ્લી કરાવવી સહિતના મુદ્દે વિસ્તારથી આયોજનની સમજૂતી આપવામાં આવી હતી.
વધુમાં એસ.ટી.પી, ટેન્ડર, જરૂરી કામ માટે એજન્સી સાથે તારીખો નક્કી કરવી, આરોગ્ય વિષયક કામો, સફાઈ માટે યોગ્ય મશીનરી, સ્ટ્રીટ સફાઈના મશીનો, ડી.એમ.એફના ફંડ વડે જરૂરી સહાય, કાયમી સફાઈના સાધનો હાથવગા રહે તેવી સગવડતા, પાર્કિંગ માટેની જગ્યા, જાહેરમાં ચારો નાખવાથી થતી ગંદકી, ચોક્કસ સ્થળોએ ચારો નાખવાની વ્યવસ્થા, બંદરોની સફાઈ, રખડતા ઢોરની સમસ્યા, ભયજનક હૉર્ડિંગ્સ, સ્ટ્રીટ વેન્ડર માટે યોગ્ય પોઇન્ટ નક્કી કરવા, વેરાવળ ચોપાટીની સુંદરતા વધે એવા પ્રયત્નો કરવા સહિતના વિવિધ નાગરિકલક્ષી મુદ્દે કલેક્ટરશ્રીએ ઝીણવટભરી માહિતી આપી હતી.
આ દરમિયાન કલેકટરશ્રીએ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ સાથે શહેરના નાગરિકોની સુખાકારી માટે વિગતવાર ચર્ચા કરી હતી.
વેરાવળ અને પ્રભાસ પાટણની ઓળખ જોડિયા શહેરની છે ત્યારે સફાઇ કામગીરી માટે તમામ વોર્ડ વાઇઝ સફાઈ કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેની સમગ્ર રૂપરેખા ચીફ ઓફિસર શ્રી ચેતન ડુડિયાએ જણાવી હતી.
ઉપરાંત તાજેતરમાં પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ચિંતન શિબિર યોજાઈ હતી. આ ચિંતન દરમિયાન ઉત્તમ કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓ બાબુભાઈ તેમજ દિનેશભાઈ જેઠવાની કામગીરી બિરદાવવામાં આવી હતી.
આ પ્રેસ કોન્ફરન્સમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવી બહેન જાની, નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
૦૦ ૦૦૦૦ ૦૦૦ ૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.