પુત્રની સારવાર માટે લીધેલા 10 લાખના 30 લાખ પડાવવા વ્યાજખોર બેલડીની પઠાણી ઉઘરાણી - At This Time

પુત્રની સારવાર માટે લીધેલા 10 લાખના 30 લાખ પડાવવા વ્યાજખોર બેલડીની પઠાણી ઉઘરાણી


કૈલાસપાર્કમાં રહેતા પટેલ યુવાનને ઘરે જન્મેલા બિમાર પુત્રની સારવાર માટે રાજાણી બંધુ પાસેથી લીધેલા 10 લાખના 12 લાખ ચુકવી દીધા બાદ વધુ રૂા.30 લાખની પઠાણી ઉઘરાણી કરી બે પ્રોમીસરી નોટ, પાંચ કોરા ચેક અને એકટીવા રાજાણી બંધુએ પડાવી લીધા હતા. જે બાદ યુવાને શહેરમાં યોજાયેલા વ્યાજખોર વિરુદ્ધના લોકદરબારમાં પોતાની રજુઆત કરતા પોલીસ કમિશ્ર્નરે અંગત રસ લઈ તપાસ કરી ગુન્હો નોંધાવ્યો હતો. બનાવ અંગે યુનિ. પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે યુનિ.રોડ પર કૈલાસપાર્ક શેરી નં.6માં રહેતા આદીત્યકુમાર ગોવિંદભાઈ વસોયા (ઉ.34) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મૌલિક ભરત રાજાણી અને મોહિત ભરત રાજાણીનું નામ આપતા યુનિ. પોલીસે મનીલેન્ડ એકટ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેઓ પત્ની, એક પુત્ર અને માતા-પિતા સાથે રહે છે. તેમજ પોતે સોપારી કાપવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈ તા.7-1-2021ના તેમના ઘરે દિકરાનો જન્મ થયેલ ત્યારથી તેમના પુત્રને માનસીક બિમારી તથા હૃદયની તકલીફ હોય જેથી ખાનગી હોસ્પિટલમાં પાંચ માસ સારવાર માટે દાખલ કરેલ હતો ત્યારે નાણાંકીય જરૂરિયાત ઉભી થતા સગાસંબંધીઓ તેમજ કુટુંબીઓ પાસેથી નાણાની મદદ મેળવી તેમ છતાં વધારે નાણાની જરૂરિયાત થતા તેમના મિત્ર મૌલિક રાજાણીને ફોન કરી પૈસાની જરૂરિયાત અંગે જણાવેલ હતું.
જેથી મૌલિક દવાખાને આવેલ અને દવાખાનાનું દોઢ લાખ રૂપિયા બિલ ભરેલ હતું. જેનું વ્યાજદર અઠવાડિયામાં રૂા.15 હજાર દેવાનું નકકી થયેલ હતું ત્યારબાદ વધુ નાણાની જરૂર પડતા કટકે કટકે રૂા.5થી7 લાખ લીધેલ હતા જેનું માસીક વ્યાજ સાત ટકા નકકી થયેલ હતું. વ્યાજ સમયસર ભરવામાં ન આવે તો વ્યાજ જેટલી જ પેનલ્ટી લગાવવામાં આવતી હતી. આમ વ્યાજની રકમ વધતા વધતા રૂા.23 લાખ સુધી પહોંચેલ હતી.
ત્યારબાદ વ્યાજખોર મૌલિક અને મોહિતે 15-15 લાખની બે પ્રોમીસરી નોટો તથા બે કોરા ચેક લખાવેલ જે ચેક બેલડીએ બાઉન્સ કરાવી નેગોશીએબલ નોટીસ ફટકારેલ હતી. જેમના વિરુદ્ધ અરજી કરેલ છે તે બાબતે કોર્ટમાં જવાબ પણ કરેલ છે.રાજાણી બંધુએ ગઈ તા.19-2-24ના સાંજના સમયે ફરિયાદીના ઘરે આવેલ અને જણાવેલ કે અમે ગામ પાસેથી વ્યાજે પૈસા લાવીને તમને વગર વ્યાજે આપેલ છે જે અમને તાત્કાલીક પૈસા આપી દો. જેથી તેમને કહેલ કે દુનિયામાં વ્યાજે પૈસા લઈ અન્યને વગર વ્યાજે પૈસા આપે તેવો કોઈ મુર્ખ માણસ હોતો નથી. જેથી વ્યાજખોર બેલડી પાસેથી ફરિયાદીએ તેમના પુત્રની બિમારીની સારવાર માટે લીધેલ રૂા.10 લાખના રૂા.12 લાખ ચુકવી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરી રૂા.30 લાખની માંગણી કરે છે તેમજ પાંચ કોરા ચેક અને એકટીવાની આરસી બુક પણ વ્યાજખોરોએ લઈ લીધેલ છે જેથી તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિ. પોલીસે ગુનો નોંધી વ્યાજખોર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે ફરિયાદી આદીત્યકુમાર પટેલે વ્યાજખોર વિરુદ્ધ યોજાયેલા લોકદરબારમાં પણ પોતાની વ્યથા ઠાલવી હતી જે બાદ પોલીસ કમિશ્ર્નર બ્રજેશ ઝાએ અંગત રસ લઈ વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.
ભોગ બનનાર યુવાને લોકદરબારમાં ઉઠાવેલા પ્રશ્ર્ન બાદ પોલીસ કમિશ્ર્નરે અંગત રસ લઈ તપાસ કરાવી ગુન્હો નોંધાવ્યો: યુનિ. પોલીસે તપાસ હાથ ધરી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.