વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ માદુરોની જીત બાદ હિંસા:પ્રદર્શનકારીઓનું પોલીસ સાથે ઘર્ષણ, ટીયર ગેસના સેલ છોડ્યા; અમેરિકાએ કહ્યું- ચૂંટણી પરિણામમાં ગોટાળા કરાયા
દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની જીત બાદ મોટા પાયે દેખાવો શરૂ થઈ ગયા છે. વિપક્ષના નેતાઓના આરોપ છે કે ચૂંટણી પરિણામોમાં ગોટાળા કરવામાં આવ્યા હતા, જેના પછી દેશની જનતા રસ્તા પર ઉતરી આવી છે. CNNના અહેવાલ મુજબ દેશના જુદા જુદા ભાગોમાં હજારો ભીડ વિરોધ પ્રદર્શન કરી રહી છે. અનેક જગ્યાએ આગચંપી પણ જોવા મળી છે. રાજધાની કરાકસમાં હજારો લોકો રાષ્ટ્રપતિ ભવન પાસે પહોંચી ગયા છે. કેટલાક પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન તરફ જવાનો પ્રયાસ કર્યો, જેને રોકવા પોલીસે રબરની ગોળીઓ વરસાવી અને પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા હતા. રાજધાનીથી 400 કિમી દૂર કુમાનામાં માદુરોની યુનાઈટેડ સોશ્યલિસ્ટ પાર્ટીની ઓફિસ પર ઘણા લોકોએ કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોર્સે તેને નિષ્ફળ બનાવી દીધો હતો. વેનેઝુએલામાં 28 જુલાઈએ ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પહેલા કરવામાં આવેલા સર્વેમાં વિપક્ષી ઉમેદવાર એડમન્ડો ગોન્ઝાલેઝ માટે સરળ જીતની આગાહી કરવામાં આવી હતી. જો કે, ચૂંટણીના પરિણામો ઉલટા આવ્યા. નિકોલસ માદુરો ચૂંટણી જીત્યા. જો કે વિપક્ષે આ જીતને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. વિપક્ષનો દાવો છે કે ચૂંટણી પંચે પરિણામોમાં ગડબડી કરી છે. વેનેઝુએલામાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની તસવીરો... માદુરોની જીતની જાહેરાત બાદ વિરોધ પ્રદર્શન શરૂ થયા
ચૂંટણી પરિણામો અનુસાર, રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને 51.2% મત મળ્યા, જ્યારે વિપક્ષ નેતા ગોન્ઝાલેઝને 44.2% મત મળ્યા. માદુરોની જીત બાદ વિપક્ષ અને જનતા નારાજ થઈ ગઈ છે. રસ્તા પર ઉતરી આવેલા વિરોધીઓએ નિકોલસ માદુરોના બેનરો ફાડી નાખ્યા હતા. તેઓએ હ્યુગો ચાવેઝની ઘણી પ્રતિમાઓ તોડી નાંખી છે, જેઓ માદુરો પહેલા રાષ્ટ્રપતિ હતા. આને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં લોકો હ્યુગો ચાવેઝના પૂતળાનું માથું બાઇક સાથે બાંધીને ઢસડીને લઈ જઈ રહ્યા છે. હ્યુગો ચાવેઝે એક દાયકાથી વધુ સમય સુધી વેનેઝુએલાની આગેવાની કરી અને નિકોલસ માદુરોને તેમના અનુગામી તરીકે નિયુક્ત કર્યા. માદુરો છેલ્લા 11 વર્ષથી સત્તામાં છે. હાલની ચૂંટણીમાં જીત બાદ માદુરો હવે 2025 થી 2030 સુધી સત્તામાં બની રહેશે. માદુરોએ કહ્યું- વેનેઝુએલામાં બળવો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે
સોમવારે તેમના ટેલિવિઝન સંબોધનમાં, રાષ્ટ્રપતિ માદુરોએ દાવો કર્યો હતો કે વેનેઝુએલામાં બળવો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે તેમને પહેલેથી જ અંદાજ હતો કે ચૂંટણી પછી આવું થશે, પરંતુ તેઓ તેમની યોજનાઓને સફળ થવા દેશે નહીં. CNNના અહેવાલ મુજબ વેનેઝુએલા ઘણા વર્ષોથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. અમેરિકા અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે તેલ માટે પ્રખ્યાત આ દેશ દુનિયામાં અલગ પડી ગયો છે. વિપક્ષે હાર સ્વીકારવાનો ઈન્કાર કર્યો
નિકોલસ માદુરોને હટાવવા માટે વિરોધી પક્ષો ગોન્ઝાલેઝ સાથે એકજુથ થયા. સોમવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં વિપક્ષી નેતા મારિયા મચાડોએ દાવો કર્યો હતો કે તેમના ગઠબંધનને જાહેર સમર્થન છે. સત્તાધારી પક્ષે ચૂંટણીમાં ગોટાળા કર્યા છે જેના કારણે એડમન્ડો ગોન્ઝાલેઝ જીતી શક્યા નથી. મચાડો વેનેઝુએલામાં વિપક્ષ ગઠબંધનના વરિષ્ઠ નેતા છે. જો કે, સુપ્રીમ કોર્ટના પ્રતિબંધને કારણે તે ચૂંટણી લડી શક્યા નહીં. આ પછી તેમણે ગોન્ઝાલેઝને પોતાનું સમર્થન આપ્યું. પરિણામો જાહેર થયા બાદ ગોન્ઝાલેઝે કહ્યું કે વેનેઝુએલામાં શું થયું છે તે માત્ર દેશ જ નહીં પરંતુ આખી દુનિયા જાણી રહી છે. તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામોમાં ગેરરીતિઓ જોવા મળી હતી. તેમણે સમર્થકોને હિંસાનો આશરો ન લેવા અને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાની અપીલ કરી હતી. UNએ ચૂંટણી પંચ પાસેથી ડેટાની માંગ કરી
અમેરિકાએ માદુરોની જીત પર કહ્યું કે તેઓ ચૂંટણી પરિણામોમાં વિશ્વાસ નથી કરતા. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ પરિણામ વેનેઝુએલાની નજતા સ્વીકારવા તૈયાર નથી. સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપિયન યુનિયન સહિત ઘણા દેશોએ વેનેઝુએલામાં પારદર્શક રીતે પરિણામો જાહેર કરવાની માંગ કરી છે. તેમણે ચૂંટણી અધિકારીઓને દરેક મતદાન મથકના મતદાનના રેકોર્ડ જાહેર કરવા અપીલ કરી છે. નિકોલસ માદુરોને ચીન, રશિયા અને ક્યુબા જેવા સાથી દેશોનું સમર્થન મળ્યું છે. તેમણે રાષ્ટ્રપતિને સતત ત્રીજી જીત પર અભિનંદન પાઠવ્યા છે. જોકે, પાડોશી દેશોએ આવું કર્યું નથી. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડીસિલ્વાએ હજુ સુધી અભિનંદન પાઠવ્યા નથી. કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ પણ આવું જ કર્યું છે. આ બંને દેશોમાં વેનેઝુએલા જેવી ડાબેરી વિચારધારાની સરકાર છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.