ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી, ડાઉનલોડ કરવી POCSO હેઠળ ગુનો:સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો; કોર્ટ પણ ચાઈલ્ડ પોર્નોગ્રાફી શબ્દનો ઉપયોગ ન કરે, સરકાર તેમાં ફેરફાર કરે
સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જોવી એ POCSO અને IT એક્ટ હેઠળ ગુનો છે. CJI DY ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પાદરીવાલાની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને ફગાવીને ચુકાદો સંભળાવ્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે જો કોઈ ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરીને જુએ છે, તો તે અપરાધ નથી જ્યાં સુધી તેનો ઈરાદો પ્રસારિત કરવાનો ન હોય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટે પોતાના નિર્ણયમાં ગંભીર ભૂલ કરી છે. અમે તેને ફગાવી કાઢીએ છીએ અને કેસ પાછો સેશન્સ કોર્ટમાં મોકલીએ છીએ. જસ્ટિસ જે.બી. પાદરીવાલાએ સંસદને સૂચન કર્યું અને કહ્યું- ચાઈલ્ડ પોર્નોગ્રાફીને બદલે 'ચાઈલ્ડ સેક્સ્યૂઅલ એક્સપ્લોઈટેટિવ એન્ડ અબ્યુસિવ મટિરિયલ' શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. કેન્દ્ર સરકારે વટહુકમ લાવીને ફેરફાર કરવો જોઈએ. અદાલતોએ પણ ચાઈલ્ડ પોર્નોગ્રાફી શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ. કેરળ અને મદ્રાસ હાઈકોર્ટના આદેશો ફગાવી દીધા
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કેરળ હાઈકોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયોને ફગાવી દીધા છે. કેરળ હાઈકોર્ટે 13 સપ્ટેમ્બર 2023ના રોજ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ અશ્લીલ ફોટા કે વીડિયો જોતો હોય તો તે ગુનો નથી, પરંતુ જો તે અન્ય લોકોને બતાવતો હોય તો તે ગેરકાયદેસર ગણાશે. કેરળ હાઈકોર્ટના નિર્ણયના આધારે મદ્રાસ હાઈકોર્ટે 11 જાન્યુઆરીએ ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. આ પછી એનજીઓ જસ્ટ રાઈટ્સ ફોર ચિલ્ડ્રન એલાયન્સ અને નવી દિલ્હીની એનજીઓ બચપન બચાવો આંદોલને આ નિર્ણયો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે 12 ઓગસ્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. પોર્નોગ્રાફી અંગે કેરળ અને મદ્રાસ હાઈકોર્ટના 2 નિર્ણયો પર વિવાદ.... કેરળ હાઈકોર્ટે કહ્યું- પોર્ન જોવું એ વ્યક્તિની અંગત પસંદગી, દખલ ન કરી શકાય આ આદેશ કેરળ હાઈકોર્ટના જસ્ટિસ પીવી કુન્હીકૃષ્ણનની બેન્ચે આપ્યો હતો. જસ્ટિસ કુન્હીકૃષ્ણને કહ્યું હતું કે પોર્નોગ્રાફી સદીઓથી પ્રચલિત છે. આજે ડિજિટલ યુગમાં એ સરળતાથી સુલભ છે. એ બાળકો અને પુખ્ત વયના લોકોની આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. સવાલ એ છે કે જો કોઈ વ્યક્તિ તેના પ્રાઈવેટ ટાઈમમાં અન્યને બતાવ્યા વિના પોર્ન જોવે છે, તો એ ગુનો છે કે નહીં? જ્યાં સુધી કોર્ટનો સંબંધ છે એને અપરાધ તરીકે વર્ગીકૃત કરી શકાય નહીં, કારણ કે તે વ્યક્તિની અંગત પસંદગી હોઈ શકે છે. આમાં દખલગીરી તેની ગોપનીયતામાં ઘૂસણખોરી સમાન હશે. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું- ફોનમાં ચાઈલ્ડ પોર્ન ડાઉનલોડ કરવું ગુનો નથી કેરળ હાઈકોર્ટની આ ટિપ્પણીને આધાર તરીકે ટાંકીને મદ્રાસ હાઈકોર્ટે 11 જાન્યુઆરી, 2024એ POCSO એક્ટ હેઠળ એક આરોપી સામેનો કેસ રદ કર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે પોતાની ડિવાઈસ પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી કે ડાઉનલોડ કરવી એ ગુનાના દાયરામાં નથી આવતું. કોર્ટે આ ટિપ્પણી 28 વર્ષીય વ્યક્તિ વિરુદ્ધ ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન કરી હતી. ચાઇલ્ડ પોર્નોગ્રાફીના આરોપમાં તે વ્યક્તિ વિરુદ્ધ POCSO (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યૂઅલ ઑફેન્સ) એક્ટ અને IT એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી સામે ચાલી રહેલા કેસને રદ કર્યો હતો. 3 પોઈન્ટમાં જાણો ભારતમાં પોર્ન વીડિયો જોવા અંગેના કાયદા શું છે ભારતમાં ઝડપથી વધી રહ્યું છે પોર્ન વીડિયોનું માર્કેટ
2026 સુધીમાં મોબાઈલ ફોન યુઝર્સની સંખ્યા 120 કરોડ સુધી પહોંચવાની આશા છે. એટલું જ નહીં, વિશ્વની ટોચની વેબસાઈટ 'પોર્ન હબ' એ જણાવ્યું હતું કે એક ભારતીય પોર્ન વેબસાઈટ પર એક સમયે સરેરાશ 8 મિનિટ 39 સેકન્ડ વિતાવે છે. આટલું જ નહીં, પોર્ન જોનારા યુઝર્સમાંથી 44% 18થી 24 વર્ષની ઉંમરના છે, જ્યારે 41% યુઝર્સ 25થી 34 વર્ષની ઉંમરના છે. ગૂગલે 2021માં એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત સૌથી વધુ પોર્ન જોવાના મામલે વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે. એ જ સમયે પોર્ન હબ વેબસાઇટ અનુસાર આ વેબસાઇટના વપરાશકર્તાઓમાં ભારતીયો ત્રીજા સ્થાને છે. હવે ગ્રાફિકમાં જુઓ પોર્નોગ્રાફી જોવાના મામલે દુનિયાના કયા 10 દેશ ટોપ પર છે...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.