પ્રજાના પ્રશ્નો ઉકેલવા પાંચ મંત્રીઓની કમીટી નિયુક્ત કરાઈ
રાજયમાં ચૂંટણી પુર્વે સતત આવી રહેલા પ્રશ્નોમાં હવે ફાસ્ટટ્રેક ઉકેલ
♦ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તમામ વિસ્તારો-ક્ષેત્રોના પ્રશ્નોનો ઉકેલ લાવવા તાકીદ: શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અધ્યક્ષ: રાજયમંત્રી બ્રિજેશ મેરજાનો સમાવેશ: બે સિનિયર્સ મંત્રીઓની બાદબાકી
ગુજરાતમાં ચૂંટણી પુર્વે રાજય સરકાર સમક્ષ ઉભા થઈ રહેલા નવા નવા પ્રશ્ર્નો તથા વિવિધ સરકારી કર્મચારીઓના સંગઠનોની માંગણીઓ પે-ગ્રેડ સહિતના મુદાઓ વિ. ચૂંટણી સમયે સરકાર અને ભાજપ તરફ ન જાય તે જોવા માટે હવે રાજયની ભુપેન્દ્ર પટેલ સરકાર પુરી રીતે એકશનમાં આવી ગઈ છે.
એક તરફ ચૂંટણી પુર્વે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં સક્રીય બનીને દર સપ્તાહે પ્રવાસ કરીને નવી નવી ‘ગેરન્ટીઓ’ તથા વ્યાપારીથી વિદ્યાર્થીઓ સહિતના સમાજ સાથે સીધો સંવાદ દિલ્હી મોડેલને દેશનું શ્રેષ્ઠ શાસન મોડેલ ગણાવી તે ગુજરાતમાં આપવાની ઓફર કરે છે અને કોંગ્રેસ પક્ષે પણ તેના ચૂંટણી વચનો ‘આપ’નો પીછો કરવાનો પ્રારંભ કર્યો છે તેના રાજકીય મુકાબલો ભાજપે શરૂ કર્યો છે પણ પ્રજાના એક બાદ એક ઉભા થઈ રહેલા પ્રશ્નો માટે હવે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે તેમના મંત્રીમંડળના પાંચ સભ્યોની કમીટી નિયુક્ત કરી છે.જે રાજયભરમાં ‘પ્રજાના પ્રશ્નોનો તત્કાલીક ઉકેલ લાવશે. આ કમીટીમાં શિક્ષણમંત્રી તથા કેબીનેટ પ્રવકતા જીતુભાઈ વાઘાણી નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી શ્રી ઋષીકેશ પટેલ, ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા પંચાયત બાબતોના રાજયકક્ષાના મંત્રી શ્રી બ્રિજેશ મેરજાનો સમાવેશ કરાયો છે અને તેઓ હવે રાજયભરમાં પ્રજાના પ્રશ્ર્નોનો તત્કાળ ઉકેલ આવે તે જોશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રખડતા ઢોરનો પ્રશ્ન મહાનગરોમાં વિકટ બન્યો હતો અને રાજયભરમાં તૂટેલા માર્ગો વિ. પ્રશ્નોનો પડકાર સર્જાયો છે અને તેથી હવે આ કમીટી કર્મચારીઓ સહિતના પ્રજાના પ્રશ્નોનો નિકાલ લાવવા માટે હવે સતત કામ કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજય મંત્રીમંડળના બે સીનીયર સભ્યો શ્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા શ્રી પુર્ણશ મોદી પાસેથી મહત્વના ખાસા લઈ લેવાયા પછી પણ આ કમીટીમાં તેઓનું સ્થાન નથી.
કોનો સમાવેશ
► શ્રી જીતુભાઈ વાઘાણી
► શ્રી કનુભાઈ દેસાઈ
► શ્રી હર્ષ સંઘવી
► શ્રી ઋષીકેશ પટેલ
► શ્રી બ્રિજેશ મેરજા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.