જૂની અદાવતનો ખાર રાખી બે યુવાન પર ચાર શખ્સનો છરીથી હિંચકારો હુમલા - At This Time

જૂની અદાવતનો ખાર રાખી બે યુવાન પર ચાર શખ્સનો છરીથી હિંચકારો હુમલા


ગઈ તા.22 ના રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની રેલીમાં બાઈક અથડાવવા મામલે થયેલ માથાકૂટનો ખાર રાખી કોઠારીયામાં રહેતાં વિજયને ચૂનારાવાડના ચાર શખ્સોએ છરીથી હિંચકારો હુમલો કરતાં હુમલામાં ઘવાયેલા બંને યુવાનોને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે કોઠારીયામાં રણુંજા મંદિર પાસે મફતિયાપરામાં રહેતાં વિજયભાઇ ઉર્ફે ઘોઘો મઘુભાઇ બારૈયા (ઉ.વ.21) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ધનો, બાદલ, કમલ અને ધનાનો બનેવીનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ છૂટક મજૂરી કરે છે. ગઈકાલે તેઓ ચુનારાવાડ શેરીમાં આજી નદીના કાંઠે રહેતાં તેના સંબંધીને ત્યાં આવેલ હતો. રાત્રિના સમયે ગરબા રમીને તેઓ તેના સંબંધી કમલેશ સાથે આજી નદીના કાંઠે આવેલ દત્ત બાપુના મંદિર પાસે બેઠા હતો. ત્યારે ચુનારાવાડમાં રહેતો ધનો, કમલ, બાદલ અને ધનાનો બનેવી ત્યાંથી નીકળેલ અને તેઓ સાથે અગાઉ તા.22-01 ના રામ ભગવાનની રેલીમાં બાઈક અથડાવવા મામલે બોલાચાલી ઝગડો થયેલ હતો અને ત્યારે સમાધાન થઈ ગયેલ હતું.
છતાં પણ ચારેય શખ્સોએ તે બાબતનો ખાર રાખી ઝઘડો કરવા લાગેલ અને ગાળો બોલી કમલ અને ધનાના બનેવીએ તેને પકડી લીધો અને બાદલે છરી કાઢી હાથના કાંડામાં બે ઘા ઝીંક્યા હતાં. તેમજ ધનાએ નજીકમાંથી લાકડી લઈ યુવકના બાઇકમાં મારેલ અને તેના પગમાં ચાર પાંચ ઘા મારેલ હતાં. તેમજ તેમની સાથે રહેલા સંબંધી કમલેશભાઈ છોડાવવા વચ્ચે પડતા ધનાએ તેને પણ લાકડી વડે માર મારેલ અને બાદમાં ચારેય શખ્સો બંનેને ઢીકા-પાટાનો માર મારવા લાગેલ અને બાદલ પોતાની પાસે રહેલ છરી બતાવી કહેતો હતો કે, આજે તને જાનથી મારી નાખવો છે.
બનાવ સ્થળે દેકારો થતાં લોકો એકઠાં થઈ જતાં ચારેય શખ્સો નાસી છૂટ્યા હતાં. બાદમાં બંને ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
બનાવ અંગેની ફરિયાદ પરથી થોરાળા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.