વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ માદુરોની જીત બાદ હિંસા વધી:અત્યાર સુધીમાં 11નાં મોત; બાઇડને ચૂંટણીના મતદાનનો ડેટા જાહેર કરવા કહ્યું
દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની જીત બાદ શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો વધુ ઉગ્ર બન્યા છે. ન્યૂઝ એજન્સી AFPએ એક NGOને ટાંકીને કહ્યું કે વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત થયા છે. વિપક્ષી નેતાઓનો આરોપ છે કે પરિણામોમાં છેડછાડ કરવામાં આવી હતી, જેના પછી જનતા રસ્તા પર આવી ગઈ છે. આ મામલે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને વેનેઝુએલાની સરકારને વોટિંગ ડેટા જાહેર કરવા કહ્યું છે. સીએનએનના અહેવાલ મુજબ દેશના જુદા જુદા ભાગોમાં હજારો ભીડ વિરોધ પ્રદર્શન કરી રહી છે. અનેક જગ્યાએ આગચંપી પણ જોવા મળી છે. રાજધાની કરાકસમાં હજારો લોકો રાષ્ટ્રપતિ મહેલમાં પહોંચી ગયા છે. કેટલાક પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન તરફ જવાનો પ્રયાસ કર્યો, જેને રોકવા માટે પોલીસે રબરની ગોળીઓ ચલાવી અને પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસ છોડ્યો. રાજધાનીથી 400 કિમી દૂર કુમાનામાં માદુરોની યુનાઈટેડ સોશ્યલિસ્ટ પાર્ટીની ઓફિસ પર ઘણા લોકોએ કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોર્સે તેને નિષ્ફળ બનાવી દીધો હતો. વેનેઝુએલામાં 28 જુલાઈએ ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પહેલા કરવામાં આવેલા સર્વેમાં વિપક્ષી ઉમેદવાર એડમન્ડો ગોન્ઝાલેઝ માટે સરળ જીતની આગાહી કરવામાં આવી હતી. જો કે, ચૂંટણીના પરિણામો વિપરીત દિશામાં આવ્યા. નિકોલસ માદુરો ચૂંટણી જીત્યા. જો કે વિપક્ષે આ જીતને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. વિપક્ષનો દાવો છે કે ચૂંટણી પંચે પરિણામોમાં છેડછાડ કરી છે. વેનેઝુએલામાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની તસવીરો... માદુરોની જીતની ઘોષણા બાદ વિરોધ પ્રદર્શનો શરૂ થયા
ચૂંટણી પરિણામો અનુસાર, રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને 51.2% મત મળ્યા, જ્યારે વિપક્ષી નેતા ગોન્ઝાલેઝને 44.2% મત મળ્યા. માદુરોની જીત બાદ વિપક્ષ અને જનતા નારાજ થઈ ગઈ છે. રસ્તા પર ઉતરી આવેલા વિરોધીઓએ નિકોલસ માદુરોના બેનરો ફાડી નાખ્યા હતા. તેઓએ હ્યુગો ચાવેઝની ઘણી પ્રતિમાઓ ઉતારી છે, જેઓ માદુરો પહેલા રાષ્ટ્રપતિ હતા. આને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં લોકો હ્યુગો ચાવેઝના પૂતળાનું માથું બાઇક સાથે બાંધીને લઈ જઈ રહ્યા છે. હ્યુગો ચાવેઝે એક દાયકાથી વધુ સમય સુધી વેનેઝુએલાની આગેવાની કરી અને નિકોલસ માદુરોને તેમના અનુગામી તરીકે નિયુક્ત કર્યા. માદુરો છેલ્લા 11 વર્ષથી સત્તામાં છે. તાજેતરની ચૂંટણીમાં જીત બાદ માદુરો હવે 2025 થી 2030 સુધી સત્તામાં રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.