સુત્રાપાડાના પ્રાચી ખાતે યોજાયો તાલુકા કક્ષાનો મિલેટ મહોત્સવ - પૌષ્ટિક ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) તેમજ પ્રાકૃતિક ખેતીથી પકવેલા મિલેટ્સ અંગે અપાયું માર્ગદર્શન - At This Time

સુત્રાપાડાના પ્રાચી ખાતે યોજાયો તાલુકા કક્ષાનો મિલેટ મહોત્સવ ———– પૌષ્ટિક ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) તેમજ પ્રાકૃતિક ખેતીથી પકવેલા મિલેટ્સ અંગે અપાયું માર્ગદર્શન


સુત્રાપાડાના પ્રાચી ખાતે યોજાયો તાલુકા કક્ષાનો મિલેટ મહોત્સવ
-----------
પૌષ્ટિક ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) તેમજ પ્રાકૃતિક ખેતીથી પકવેલા મિલેટ્સ અંગે અપાયું માર્ગદર્શન
-----------
પ્રગતિશીલ ખેડૂતો અને મિલેટ્સ સ્પર્ધામાં વિજેતા આંગણવાડી બહેનોને ઇનામ તથા પ્રશસ્તિ પત્ર આપી કરાયું સન્માન
-----------
પ્રાકૃતિક ખેતી અપનાવી ‘આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર કૃષિ’ તરફ આગળ વધવા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડની અપીલ
-----------
ગીર સોમનાથ, તા.૦૬: મિલેટ્સ એટલે કે જાડા ધાન્યોમાં રહેલા પોષકતત્વો અને સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભહેતુથી સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત સુત્રાપાડા તાલુકાના પ્રાચી ગામે કારડિયા રાજપૂત સમાજની વાડીમાં તાલુકા કક્ષાના મિલેટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
આ કાર્યક્રમમાં સૌ પ્રથમ મહેમાન તરીકે પધારેલ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબહેન મૂછાર, ઉપપ્રમુખ શ્રી રાજવીરસિંહ ઝાલા, ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ અને અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પીઠિયાએ તમામ સ્ટોલ્સની મુલાકાત લઈ અને ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ આંગણવાડીના બહેનોએ બનાવેલ મિલેટ્સ વાનગીઓનો પણ આસ્વાદ માણ્યો હતો.
આ તકે, મિલેટ્સ મહોત્સવમાં ઉપસ્થિત તમામ ખેડૂતમિત્રોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનારના વૈજ્ઞાનિકો દ્વારા મિલેટ પાકોમાં નેનો યુરિયાના ઉપયોગ વિષે તેમજ દૈનિક ખોરાકમાં મિલેટ્સના ઉપયોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ કૃષિ પ્રદર્શની યોજાઈ હતી. જેમાં ખેડૂતોએ બિયારણથી લઈ છોડ ઉછેર અને બાગાયત પાકો, પ્રાકૃતિક ખેતી વિશે વિવિધ સ્ટોલ પરથી ઉપયોગી ખેતીલક્ષી માહિતી મેળવી હતી.
આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા લોઢવા ગામના ભગવાનભાઈ કછોટે પોતાનો ઉત્તમ અનુભવ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીની આગેવાનીમાં મિલેટ્સને મહત્વ મળ્યુ છે ત્યારે પ્રાકૃતિક ખેતીનો પણ વ્યાપ વધ્યો છે. પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઘટશે તો નફો વધશે. લાંબાગાળે આ ખેતી ખર્ચ વગરની ખેતી સાબિત થશે જેના માટે કુદરતી પદ્ધતિ સમજવાની જરૂર છે. આ માટે તેમણે ખેતીવાડી શાખા, કૃષિ વૈજ્ઞાનિક કેન્દ્રની મદદ લેવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા ઉપસ્થિત તમામને અપીલ કરી હતી.
આ તકે, મિલેટ્સમાંથી બનાવેલી વિવિધ વાનગીઓ જેવી કે, બાજરીના ઢોકળા, જુવારના ખમણ, બાજરીના લાડુ, જુવારના વડા, બાજરીના પુડલા, કાંગની ખિચડી, બાજરીના ગોટા વગેરેનું પ્રદર્શન યોજાયું હતું અને મિલેટ્સની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંકે આવનારને સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયા હતાં.
આ કાર્યક્રમમાં ખેતીવાડી શાખા, ખેડૂત ઉત્પાદન સંગઠન, બિયારણ કંપની તથા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, બાગાયત શાખા, ખેડૂત ભાઈ-બહેનો, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સભ્યો અને આંગણવાડી કાર્યકર બહેનોએ બહોળા પ્રમાણમાં પોતાની હાજરી આપેલ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image