પોપટપરા નાલા પાસેથી દંપતિનું અપહરણ કરનાર ચાર શખ્સોને દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ
પોપટપરાના નાલા પાસેથી ગઈકાલે મોડી સાંજે ઇક્કો કારમાં જઈ રહેલા અને પ્રેમલગ્ન કરનાર દંપતિને તેની જ કારમાં અજાણ્યા શખ્સો અપહરણ કરી લઈ જતાં પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. જાણ થતાં જ પ્ર.નગર પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ સહિતના સ્ટાફે નાકાબંધી કરાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. જેમાં મોડી રાત્રે પોલીસે અપહ્યત દંપતિને મુક્ત કરાવી ચાર અપહરણકારોને સકંજામાં લઈ પુછપરછ શરૂ કરી હતી. બનાવ અંગે સંતકબીર રોડ પર નંદુ બાગ સંસ્કાર સ્કૂલ પાસે રહેતાં કલ્પનાબેન જયેશભાઇ ગાંગાણી (ઉ.વ.37) એ નોંધાવેલ ફરિયાદમાં અજાણ્યાં શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે.
તેમજ તેણીએ જયેશભાઇ સાથે બીજા લગ્ન કરેલ હોવાથી જયેશભાઇની એક દિકરી અંકિતાબેન જેના લગ્ન રેલનગરમાં રહેતાં ગૌરવિસંહ અજયસિંહ જાડેજા સાથે પાંચ મહીના પહેલા થયેલ છે. ગઈકાલે સવારના દસ વાગ્યે તેઓ બાળકો સાથે રેલનગરમાં રહેતી પુત્રી અંકીતાને ત્યા સામાન ફેરવવા માટે ગયા હતા અને ત્યા અંકીતાના સાસુ રક્ષબા તથા જમાઇ ગૌરવસિંહ સામાન ફેરવતા હતા. વધુ સામાન ફેરવવાનો હોવાથી તેની પુત્રી તથા જમાઇ ગૌરવસિંહ એક્ટીવા લઇ રેલનગરથી સંતકબીર રોડ પર આવેલ તેણીના ઘરે ઇકો ગાડી લેવા ગયેલ હતા.
બાદમાં આશરે સાડા પાચેક વાગ્યે તેણીની પુત્રીનો ફોન આવેલ કે, અમો ઇકો ગાડી લઇ પોપટપરા નાલા સુધી પહોંચેલ ત્યારે કોઇ અજાણ્યા શખ્સોએ અમારૂ ઇકો ગાડીમા અપહરણ કરી લીધેલ છે અને ગૌરવના પૈસાની લેતી દેતીનો મામલો છે. અપહરણકર્તા અમને સંતકબીર રોડ બાજુ લઈ જાય છે. જેથી તે બાબતે તેણીએ તેના સસરાને જાણ કરતાં તેઓએ પોલીસ કંટ્રોલ રૂમમાં 100 નંબર ઉપર કરી તેઓનો પુત્રી અને જમાઈનું અપહરણ થયેલની જાણ કરેલ હતી. બનાવ અંગેની જાણ થતાં પ્ર. નગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે અપહરણ કર્તાની ચુંગાલમાંથી દંપતીને છોડાવવા ચક્રો ગતિમાન કર્યા હતાં. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ કે.ડી.પટેલ અને ટીમે અપહરણકર્તાનું પગેરૂ મેળવી ઢેબર રોડ, આહિર ચોક પાસે આવેલ
ન્યુ નહેરૂનગર શેરી નં. 3 માં આવેલ એસ.આર.ફીનકોન નામની ઓફીસ પાસેથી અપહરણ કર્તાને દબોચી લઈ ગૌરવ અજયસિંહ જાડેજા તથા તેમના પત્ની અંકિતાબેનને અપહરણ કર્તાની ચુંગાલમાંથી છોડાવી અપહરણકર્તાઓ સંજય રમેશ કાકરેચા (ઉ.વ.32),(રહે.જીવરાજ પાર્ક મેઇન રોડ, અંબિકા ટાઉનશીપ, નચિકેતા સ્કુલ પાસે), મૌલીક હર્ષદ વ્યાસ (ઉ.વ.35),(રહે. લોર્ડ ક્રિષ્ના સૌસાયટી શેરી નં.1, રેલનગર),સલીમ જુમા માલાણી (ઉ.વ.39), (રહે.જંગલેશ્વર, આર.એમ.સી. ક્વાર્ટર) અને સંજય જાદવ વાસણ (ઉ.વ.31), (રહે.પટેલનગર 4/5 કોર્નર, ખોડીયાર ડાયમંડની બાજુમાં, 50 ફૂટ રોડ) ને દબોચી આરોપીઓને પ્ર.નગર પોલીસ મથકને સોંપવામાં આવ્યા હતાં.
ગઈકાલે મોડી સાંજે પોપટપરા નાલા પાસેથી ઇક્કો કારમાં જઈ રહેલ દંપતિનું તેની જ કારમાં અજાણ્યાં શખ્સો અપહરણ કરી નાસી છૂટ્યાનો બનાવ સામે આવતાં પોલીસ દોડતી થઈ હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આહીર ચોક પાસેથી ચાર અપહરણકર્તાને દબોચી લીધાં હતાં. જેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આરોપી સંજય કાકરેચાએ ગૌરવસિંહને વ્હાઇટના રૂપિયા ફેરવવા માટે 35 લાખ એકાઉન્ટ ટ્રાન્સફર કર્યા હતાં. જે રૂપિયા પરત આપવાના હોય તે ગૌરવસિંહ આપતો ન હોય જેથી અપહરણ કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.