વૈષ્ણવે કહ્યું- UPSC લેટરલ-એન્ટ્રી કોન્સેપ્ટ UPA સરકારનો:અમે 2005ના સૂચનનો અમલ કર્યો; રાહુલે કહ્યું હતું- RSSના લોકોની ભરતી થઈ
UPSCમાં લેટરલ એન્ટ્રીને લઈને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે RSS સાથે જોડાયેલા લોકોની UPSCની મુખ્ય જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. સોમવારે સવારે આનો જવાબ આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું- લેટરલ એન્ટ્રી મુદ્દે કોંગ્રેસનો દંભ દેશની સામે છે. વૈષ્ણવે X પરની પોસ્ટમાં લખ્યું- તે UPA સરકાર જ હતી જેણે લેટરલ એન્ટ્રીનો કોન્સેપ્ટ લાવ્યો હતો. બીજું વહીવટી સુધારણા પંચ (ARC) 2005માં UPA સરકાર હેઠળ જ લાવવામાં આવ્યું હતું. આ કમિશનનું નેતૃત્વ વીરપ્પા મોઈલીએ કર્યું હતું. UPA સરકારના કાર્યકાળ દરમિયાન ARCએ સૂચન કર્યું હતું કે વિશેષ જ્ઞાનની આવશ્યકતા હોય તેવા પદો પર નિષ્ણાતોની નિમણૂક કરવી જોઈએ. NDA સરકારે ARCની આ ભલામણને લાગુ કરવા માટે પારદર્શક પદ્ધતિ અપનાવી છે. આ પછી રાહુલ ગાંધીએ સોમવારે ફરી ભરતીને લઈને કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે X પર લખ્યું– લેટરલ એન્ટ્રી દલિત, ઓબીસી અને આદિવાસીઓ પર હુમલો છે. ભાજપ દ્વારા રામ રાજ્યનું આ વિનાશક સંસ્કરણ બંધારણને નષ્ટ કરવા અને બહુજન પાસેથી અનામત છીનવી લેવા માંગે છે. UPSC એ 17 ઓગસ્ટના રોજ લેટરલ એન્ટ્રી દ્વારા 𝟒𝟓 જોઈન્ટ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી અને ડિરેક્ટર સ્તરની નોકરીઓ બહાર પાડી. આ અત્યાર સુધીની સૌથી મોટી લેટરલ ભરતી છે. લેટરલ ભરતીમાં, ઉમેદવારોને UPSC પરીક્ષા આપ્યા વિના ભરતી કરવામાં આવે છે. આમાં અનામતના નિયમોનો કોઈ ફાયદો નથી. રાહુલે કહ્યું- SC-ST અને OBCના અધિકારો છીનવી લીધા
UPSCમાં ભરતીની સૂચના બાદ 18 ઓગસ્ટે રાહુલ ગાંધીએ લખ્યું હતું લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરીને SC, ST અને OBC વર્ગોના અધિકારો ખુલ્લેઆમ છીનવાઈ રહ્યા છે. તેજસ્વી યાદવે લખ્યું- સરકાર SC-STને પદો આપવાથી બચવા માંગે છે
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવે આ ભરતીની સૂચના બાદ મોદી સરકારને આડે હાથ લીધી છે. તેમણે X પર લખ્યું, 'આમાં કોઈપણ પ્રકારની અનામતની જોગવાઈ નથી. જો 𝐔𝐏𝐒𝐂 એ જ ભરતી સિવિલ સર્વિસ પરીક્ષા દ્વારા કરી હોત, તો તેણે 𝐒𝐂,S𝐓,𝐎𝐁𝐂 એટલે કે 𝟒𝟓માંથી 22-23 ઉમેદવાર દલિત, પછાત અને આદિવાસી વર્ગોમાંથી સિલેક્ટ કરવા પડ્યા હોત. 45 પોસ્ટ માટે નીકાળી ભરતી
હકીકતમાં જોઈન્ટ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરીની 10 પોસ્ટ ગૃહ, નાણા અને સ્ટીલ મંત્રાલયમાં નીકાળી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ, નાગરિક ઉડ્ડયન અને માહિતી અને પ્રસારણ મંત્રાલયોમાં નિયામક/નાયબ સચિવ સ્તરની 35 જગ્યાઓ ભરવામાં આવશે. અગાઉ 2019માં પણ આ પદો પર ભરતી કરવામાં આવી હતી. લેટરલ એન્ટ્રી શું છે
લેટરલ એન્ટ્રી એટલે પરીક્ષા વિના સીધી ભરતી. લેટરલ એન્ટ્રી દ્વારા કેન્દ્ર સરકાર UPSCની મોટી જગ્યાઓ પર ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની સીધી ભરતી કરે છે. આમાં મહેસૂલ, નાણા, આર્થિક, કૃષિ, શિક્ષણ જેવા ક્ષેત્રોમાં લાંબા સમયથી કામ કરતા લોકોનો સમાવેશ થાય છે. સરકારી મંત્રાલયોમાં જોઈન્ટ સેક્રેટરી, ડિરેક્ટર્સ અને ડેપ્યુટી સેક્રેટરીની જગ્યાઓ પર ભરતી લેટરલ એન્ટ્રી દ્વારા કરવામાં આવે છે. UPSCમાં લેટરલ એન્ટ્રી વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી. જેમાં સંયુક્ત સચિવ કક્ષાના પદ માટે 6077 અરજીઓ મળી હતી. UPSCની પસંદગી પ્રક્રિયા પછી, 2019માં વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં 9 નિમણૂંકો કરવામાં આવી હતી. લેટરલ એન્ટ્રી માટે પાત્રતાના માપદંડ શું છે?
આ સરકારી નોકરી ત્રણ વર્ષ માટે કરાર આધારિત રહેશે. જોઈન્ટ સેક્રેટરીના પદ માટે 15 વર્ષ, ડાયરેક્ટર માટે 10 વર્ષ અને ડેપ્યુટી સેક્રેટરી માટે 7 વર્ષનો કાર્ય અનુભવ માંગવામાં આવ્યો છે. સાથે જ શૈક્ષણિક લાયકાત પણ પોસ્ટ પ્રમાણે નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો સત્તાવાર સૂચનામાં તેની વિગતો ચકાસી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.