વડોદરા: પ્રેમ સંબંધ મામલે સમાધાનના બહાને પિતરાઈ ભાઈ ઉપર તિક્ષણ હથિયાર વડે હુમલો
વડોદરા,તા.08 ઓગષ્ટ 2022,સોમવારવડોદરા શહેરના આજવા રોડ ખાતે પિતરાઈ બહેન સાથે પ્રેમ સંબંધ અંગે સમાધાન માટે પહોંચેલા પિતરાઈ ભાઈ ઉપર પ્રેમીના ભાઈ સહિત બે શખ્સોએ ગડદાપાટુનો માર મારી તિક્ષણ હથિયાર વડે હુમલો કરી બીજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે બાપોદ પોલીસે બે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના આજવા રોડ ઉપર રહેતાં અને ખાનગી યુનિવર્સિટીમાં નોકરી કરતા નિતીન સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી કે, મારી માસીના દિકરાએ જાણ કરી હતી કે, મારી બહેન દીપિકા ( નામ બદલ્યું છે) સાથે મિત્રતા રાખનાર ચિરાગ પરમાર સમાધાન માટે આજવા રોડના બાપા સીતારામ નગર ખાતે બોલાવે છે. જેથી હું મારા મિત્ર તપન સોલંકી સાથે બાપા સીતારામ નગર પહોંચ્યો હતો. જ્યાં ચિરાગ પરમાર તથા મહેશ પરમાર અગાઉથી હાજર હોય તું અહીં કેમ આવ્યો છે તેમ કહી મને ગડદાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન અન્ય એક અજાણ્યા શખ્સે મારી ઉપર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન મને હાથના તથા કપાળના ભાગે ઈજા પહોંચતા હું મારો જીવ બચાવવા નાસી છૂટ્યો હતો. ઉપરોક્ત ફરિયાદના આધારે બાપોદ પોલીસે મહેશ પરમાર અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .હાલ ઈજાગ્રત યુવક સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.