વડોદરા કોર્પોરેશનની બેવડી નીતિ: બિલ્ડરોને નોટિસ: સરકારી અને કોર્પોરેશનના પ્લોટોમાં પાણી ભરાયા છતાં કોઈ કાર્યવાહી નહીં
વડોદરા,તા.15 જુલાઈ 2022,શુક્રવારવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન રોગચાળો ડામવા માટે જ્યાં પાણી ભરાઈ રહેતા હોય તેવી સાઇટના બિલ્ડરો તેમજ લોકોને નોટિસ આપે છે ત્યારે વડોદરા શહેરના આજવા રોડ સ્થિત જ્યાં તાજેતરમાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમ યોજાયો હતો તે લેપ્રસી ગ્રાઉન્ડ માત્ર બે ઇંચ વરસાદમાં જ તળાવ બની ગયું છે જે મચ્છરોના ઉપદ્રવનું કેન્દ્ર ગણતરીના દિવસોમાં બની જશે. વડોદરા આજવા રોડ, લેપ્રસી ગ્રાઉન્ડમાં જ્યાં એક મહિના પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા થઈ હતી અને વડોદરા કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી જંગલમાં મંગલ બનાવ્યુ હતું તે જ સ્થળ પાસે હજી પૂરો એક મહિનો પણ થયો નથી. અને VMC તંત્ર દ્વારા સાફ સફાઈ કરી તૈયાર કરેલ લેપ્રસી ગ્રાઉન્ડ આજે માત્ર બે ઈંચ જેટલા વરસાદમાં તળાવમાં ફેરવાઈ ગયું છે. જ્યાં પાણી નિકાલની આજે કોઈ સુવિધા જ નથી. જેના કારણે આજવા રોડ, વાઘોડિયા રોડની જનતા માટે મચ્છર ઉત્પત્તિ સ્થાન તૈયાર થઈ ગયું છે.જો આ બાબતે વડોદરા કોર્પોરેશન દ્વારા દુર્લક્ષ સેવામાં આવશે તો આગામી દિવસોમાં આજવા/વાઘોડિયા રોડની ઉપર ગંભીર મચ્છર જન્ય રોગચાળો ફાટી નીકળશે એમાં કોઈ જ શંકા નથી. પ્રધાનમંત્રીના કાર્યક્રમને ધ્યાનમાં રાખી જે પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા હતા તે ખુલ્લા પ્લોટોમાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે તે પૈકી કેટલાક પ્લોટોમાંથી પાણીનો પણ નિકાલ થયો નથી.વડોદરા કોર્પોરેશન એક બાજુ મચ્છરોના ઉત્પત્તિ સ્થાન એવા સ્થળોની મુલાકાત લઈ ખાનગી બિલ્ડરોને નોટિસો આપી રહી છે ત્યારે કોર્પોરેશનના જ ખુલ્લા પ્લોટોમાં અને લેપ્રસી ગ્રાઉન્ડ જેવી સરકારી જમીનોમાં જ્યાં વરસાદી પાણી સતત ભરાયેલા રહે છે અને તે મચ્છર ઉત્પત્તિ કેન્દ્રો બની જતા હોય છે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલું જ નહીં કોર્પોરેશન દ્વારા પોતાની માલિકીના પ્લોટો હોય કે લેપ્રસી ગ્રાઉન્ડ જેવા સરકારી પ્લોટો હોય તેમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે કોર્પોરેશન કે સરકારી તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી અને મચ્છર ઉપદ્રવ કેન્દ્ર બની ગયા બાદ આજુબાજુના સ્થાનિક રહીશોને તેનો ભોગ બનવું પડે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.