છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત રણજીતસિંહને બિયારણ તેમજ ખેતીના સાધનોની ખરીદી પર મળી સહાય
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કીનારા ગામે છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત રણજીતસિંહ સરકારશ્રી તરફથી ખેડૂતોને મળતી વિવિધ સહાય અંગે જણાવતા કહે છે કે, હું શાકભાજીનું વાવેતર કરૂ છું. ત્યારે વિવિધ યોજનાઓ વિશે મને જાણવા મળ્યું કે સરકારશ્રી તરફથી બિયારણ તેમજ ખેતીના સાધનોની ખરીદી પર સહાય મળે છે. જે જાણીને ગત વર્ષે મેં બિયારણ માટે ફોર્મ ભર્યુ ત્યારે મને રૂ. 20 હજારની સહાય મળી હતી. ત્યારબાદ વજન કાંટા માટે ફોર્મ ભર્યુ હતું જેમાં મને રૂ. 2500ની સબસિડી મળી હતી. આ ઉપરાંત બાગાયત વિભાગની કચેરી દ્વારા મને માર્ગદર્શન મળ્યુ કે, પ્રોસેસીંગ યુનિટની ખરીદી માટે પણ સરકારશ્રી સહાય આપે છે જેથી મેં મરચું દળવાની ઘંટી માટે ફોર્મ ભર્યુ હતું. જેમાં સરકારશ્રી દ્વારા મને 50%ની સબસિડી મળી છે. એટલે કે રૂ. 1.50 લાખના મશીનમાં મને રૂ. 75 હજારની સબસિડી મળી છે. આમ, સરકારશ્રી ખેડૂતોને ખૂબ જ મદદરૂપ થઈ રહી છે.
રણજીતસિંહે વધુમાં જણાવ્યું હતું કે, “બોટાદ જિલ્લાના અધિકારીશ્રી દ્વારા મને માહિતી અને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવ્યું હતું. જેથી મેં દળવાના મશીનની આ યોજનાનો લાભ લીધો છે. જેનાથી મરચાની સુકવણી કરીને જાતે જ દળીને વેંચાણ કરવાથી મને બમણી આવક થાય છે. આથી ખેડૂતોએ આવા લાભ અચૂક લેવા જોઈએ” તેમ તેમણે જણાવ્યું હતું. બોટાદ જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રી જે.ડી.વાળા આ વિશે વધારે માહિતી આપતા જણાવ્યું હતું કે, “જિલ્લાના ખેડૂતો બાગાયતી પાકોનો વાવેતરનો વિસ્તાર દિનપ્રતિદિન વધી રહ્યો છે, ખેડૂતો મસાલાના પાકો, શાકભાજીના પાકોના વાવેતરને પ્રાધાન્ય આપી રહ્યા છે. ત્યારે બાગાયત ખાતા દ્વારા ખેડૂતોને પ્રોસેસીંગને લગતી માહિતી આપીને તેમને મૂલ્યવર્ધિત ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. બાગાયતી પાકોને લગતા પ્રોસેસીંગ મશીનમાં રૂ. 5 લાખ સુધીની ખરીદીમાં ખેડૂતોને 50 ટકા સુધીની સહાય આપવામાં આવે છે.”
શ્રી વાળાએ વધુમાં જણાવ્યું હતું કે, “પલ્પર, ગ્રાઈન્ડર સહિતની મશીનરી જે બાગાયતી પાકોમાં ઉપયોગમાં આવે છે, તેમાં રૂ. 5 લાખના 50 ટકા લેખે મહત્તમ રૂ. 2.50 લાખ સુધી અથવા ખેડૂતોને જે ખર્ચ થાય છે તેના 50 ટકા લેખે સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. દર વર્ષે ખેડૂતો આ યોજનાનો લાભ લેતા હોય છે, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં બે ખેડૂતોને સહાય આપવામાં આવી છે. જેના થકી ખેડૂતો ખેતીમાં મૂલ્યવર્ધન કરી રહ્યા છે. મશીનરીનો ઉપયોગ કરી ખેડૂતો સારામાં સારો બજાર ભાવ મેળવે છે અને તેમને જોઈને જિલ્લાના અન્ય ખેડૂતોને પણ પ્રોત્સાહન મળે છે.” બોટાદ જિલ્લામાં બાગાયતી ખેડૂતોને પ્રોત્સાહિત કરવા સરકારશ્રી દ્વારા હાથ ધરાયેલી અનેક પહેલ ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે. વિવિધ યોજનાઓ અને સબસિડીઓ દ્વારા રણજીતસિંહ જેવા ખેડૂતો તેમની આવકમાં વધારો કરી રહ્યા છે. પ્રોસેસીંગ એકમો માટે નાણાંકીય સહાય પૂરી પાડીને સરકારશ્રી ખેડૂતોને તેમની પેદાશોમાં મૂલ્ય ઉમેરવા, બજારના સારા ભાવ હાંસલ કરવા અને તેમની આવકના સ્ત્રોતમાં વૈવિધ્ય લાવવા સક્ષમ બનાવી રહી છે. અદ્યતન મશીનરી અને પદ્ધતિઓ અપનાવવાથી ઉત્પાદકતામાં વધારો થવાથી ખેડૂતો માટે સરકારશ્રી ઉજ્જવળ અને વધુ સમૃદ્ધ ભવિષ્યનો માર્ગ મોકળો કરી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.