શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૪ ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ : ગીર સોમનાથ - ત્રીજો દિવસ - At This Time

શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૪ ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ : ગીર સોમનાથ – ત્રીજો દિવસ


શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૪ ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ : ગીર સોમનાથ - ત્રીજો દિવસ

હરમડિયા અને મંડોરણા શાળામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ બાળકોને શાળાપ્રવેશ કરાવ્યો
---------------
ઉમંગ અને ઉત્સાહથી શિક્ષણની કેડીએ પ્રથમ ડગ માંડતા ભૂલકાઓ
---------------
ગીર સોમનાથ, તા. ૨૮: સમગ્ર રાજ્યમાં શિક્ષણનો મહાઉત્સવ પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. શાળા પ્રવેશોત્સવ એ ખરા અર્થમાં શિક્ષણનો તહેવાર બન્યો છે. ત્યારે આજે તાલાલા તાલુકાના હરમડિયા અને મંડોરણા શાળામાં ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછારે શિક્ષણની કેડીએ પ્રથમ પગથિયું ચઢતા વિદ્યાર્થીઓને હૂંફાળો આવકાર આપી શાળાપ્રવેશ કરાવ્યો હતો.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ હડમતિયા પેસેન્ટર શાળામાં બાલવાટિકામાં ૨૬ ભૂલકાઓ અને ધોરણ-૧ તથા ધોરણ-૯માં કુલ ૨૨ બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. જ્યારે મંડોરણા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ૨૦ અને ધોરણ-૧ તથા ધો. ૯માં કુલ ૯ વિદ્યાર્થીઓને ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવ્યો હતો.

આ તકે, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, “શાળા પ્રવેશોત્સવ”એ સ્કૂલમાં અભ્યાસ માટે પ્રથમ પગલું મૂકવાનો મહાઉત્સવ છે. જેમાં આપણે સૌ ઉજવણીના ભાગીદાર બન્યા એ ક્ષણ ગર્વની ક્ષણ છે. વિદ્યાર્થીના જીવનવિકાસમાં અભ્યાસનું ખૂબ જ મહત્વ રહેલું છે. સરકારી શાળાઓમાં શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે માળખાગત સુવિધા સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ ક્લાસ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેથી દરેક વાલીઓએ પોતાના બાળકનું નામાંકન અચૂક કરાવવું જોઈએ.

પ્રવેશોત્સવને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ શાળાનાં આચાર્યશ્રીઓ, શિક્ષકો, એસ.એમ.સી.ના સભ્યો સહિત વિવિધ અધિકારીશ્રીઓએ જહેમત ઉઠાવી હતી.
00 000 00 000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.