સોની વેપારી પાસેથી દાગીના ખરીદી મુંબઇના શખ્સની 13 લાખની ઠગાઇ - At This Time

સોની વેપારી પાસેથી દાગીના ખરીદી મુંબઇના શખ્સની 13 લાખની ઠગાઇ


શહેરની સોની બજારમાં દુકાન ધરાવતાં સોની વેપારી પાસેથી કટકે કટકે રૂ.33,62,575ના દાગીના ખરીદી મુંબઇના શખ્સે માત્ર રૂ.20,52,600 જ ચૂકવ્યા હતા. બાકીના રૂ.13 લાખ નહીં ચૂકવી છેતરપિંડી આચરી હતી.

કેનાલ રોડ પર રહેતા અને સોની બજારમાં ત્રિશૂલ ઓર્નામેન્ટ નામે દુકાન ચલાવતાં રમેશભાઇ ચંદુલાલ રાધનપુરા (ઉ.વ.59)એ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુંબઇમાં બોરીવલી ઇસ્ટ નેશનલ પાર્ક રોડ પર સોના સિનેમા પાછળ ન્યૂ મોનિકા જ્વેલર્સ નામે દુકાન ચલાવતાં વિનોદ શાહનું નામ આપ્યું હતું. રમેશભાઇ રાધનપુરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2023માં મુંબઇના વિનોદ શાહે ફોન કરીને કહ્યું હતું કે, વોટ્સએપ ગ્રૂપમાં તમારા ઘરેણાંની ડિઝાઇન જોઇ, આવી ડિઝાઇન મુંબઇમાં ખૂબ ચાલે છે, બાદમાં વિનોદ શાહે 19 મેના રૂ.2,19,977નો મિક્સ ગોલ્ડ ઓર્નામેન્ટનો માલ મગાવ્યો હતો. રમેશભાઇએ નાણાંની ઉઘરાણી કરતાં વિનોદ શાહે હજુ પણ વધુ દાગીના મગાવવાના છે સાથે હિસાબ કરશું તેમ જણાવ્યું હતું.

ત્યારબાદ વિનોદ શાહે વધુ રૂ.9,26,149ના દાગીના, બાદમાં 7.51 લાખ તેણે આંગડિયા મારફતે મોકલતા રમેશભાઇ રાધનપુરાને વિશ્વાસ બેસી ગયો હતો. આ તકનો વિનોદ શાહે લાભ ઉઠાવ્યો હતો અને સોનાના દાગીના મગાવતો રહેતો અને થોડી રકમ ચૂકવતો હતો, વિનોદ શાહે કુલ રૂ.33,62,575ના દાગીના ખરીદ કર્યા હતા જેની સામે રૂ.20,52,600 ચૂકવ્યા હતા. બાકીના રૂ.13,09,976ની રમેશભાઇએ ઉઘરાણી કરતા થોડો સમય વિદનો શાહે ગલ્લાં તલ્લાં કર્યા હતા અને અંતે ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. રમેશભાઇ મુંબઇ રૂબરૂ ગયા તો વિનોદ શાહે જે સરનામું બતાવ્યું હતું ત્યાં તે રહેતો જ નહીં હોવાનું ખુલ્યું હતું. પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાતની કલમ હેઠળ ગુનો નોંધી વિનોદ શાહની શોધખોળ શરૂ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.