રાજકોટમાં ધીરગુરૂદેવ પ્રેરિત મેડિકલ સેન્ટરમાં રાહત દરે તબીબી સેવાનો ચોથા વર્ષમાં પ્રારંભ સૌને લાભ લેવા જાહેર અપીલ
રાજકોટમાં ધીરગુરૂદેવ પ્રેરિત મેડિકલ સેન્ટરમાં રાહત દરે તબીબી સેવાનો ચોથા વર્ષમાં પ્રારંભ
સૌને લાભ લેવા જાહેર અપીલ
રાજકોટ પૂજ્ય શ્રી ધીરગુરૂદેવ પ્રેરિત શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત, માતુશ્રી શિવકુંવરબેન બચુભાઈ દોશી શ્રીમતી કુંદનબેન નવીનચંદ્ર દોશી મેડીકલ અને વૈયાવચ્ચ સેન્ટર, ૫, વૈશાલીનગર, રૈયા રોડ, સીટી સેન્ટર સામે, રાજકોટ ખાતે વિવિધ કન્સલટીંગ ડોકટર્સની ટીમ દ્વારા આધુનીક લેબોરેટરી, એકસ–રે, સોનોગ્રાફી, ફીઝીયોથેરાપી વિગેરે અનેક પ્રકારની દર્દીનારાયણની રાહતદરે અનેરી સેવા કરવામાં આવે છે.
કોવિડ-૧૯ના કપરા સમયમાં જ્યારે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી હતી, લાખો દર્દીઓ હોસ્પિટલમાં ન પહોંચી શકવાથી સારવારના અભાવે મૃત્યુ પામી રહ્યાં હતાં અને સમાજમાં એક ભયંકર પરિસ્થિતીનું નિર્માણ થયું હતું અને નાના-મોટાં વ્યક્તિઓ અકાળે ટપોટપ મૃત્યુ પામતાં હતાં એવે વખતે ગોંડલ સંપ્રદાયના પૂજ્ય શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબએ જોયું કે સાધુ-સાધ્વીજીઓને પણ યોગ્ય સારવાર મળતી નહોતી. આ જોઈ પૂજ્ય ગુરૂદેવ ધીરજમુનિનું કોમળ હૃદય દ્રવી ઉઠ્યું અને તેમને થયું કે સાધુ- સાધ્વીઓને તેઓનો સંયમ સચવાય તે રીતે યોગ્ય સારવાર મળી રહે તે માટે એક યોગ્ય સંકુલનું નિર્માણ જરૂરી છે તેવું લાગ્યું. જૈન અને જૈનેત્તર સમાજના જરૂરીયાતવાળા વર્ગો માટે જો કંઈક મદદરૂપ થઈ શકાય તો વિશ્વકલ્યાણની ભાવના અને માનવ કલ્યાણની માનસિક્તાને અનુમોદન મળી શકે તેવાં શુભ હેતુથી પૂજ્ય ગુરૂદેવે ટ્રસ્ટીઓ શ્રીમતિ જયશ્રી શાહ તથા ડૉ. સંજય શાહ સાથે મળી અને ચર્ચા-વિચારણા બાદ સમાજના તમામ વર્ગો-જેમાં જ્ઞાતિભાવનાથી પર રહીને આર્થિક સ્થિતી નબળી હોય તેવાં વ્યક્તિઓને પણ મદદરૂપ થઈ શકાય તે માટે રૈયા રોડ ઉપર ૫-વૈશાલીનગરમાં શ્રી જશ-પ્રેમ-ધીર સંકુલમાં ત્રીજા માળે એક વ્યવસ્થિત મેડીકલ અને વૈયાવચ્ચ સેન્ટર શરૂ કરવાનું નક્કી કર્યું.
ગત વર્ષે વાધર ફેમિલી ફાઉન્ડેશન, અમેરિકા તરફથી મેગા મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં હજારો લોકો લાભાર્થી બન્યા હતા. વાધર ફાઉન્ડેશનના કેમ્પમાં ત્રણ દિવસ કન્સલ્ટીંગ ફ્રી, ૧ મહિનાની મેડીસીન ફ્રી, ૫૦૦થી વધારે બાળકોને ચશ્મા ફ્રી આપ્યા, ૨૫૦થી વધુ મોતિયાના ઓપરેશન, જનરલ સર્જરી, ફ્રી ઈન્વેસ્ટીગેશન, જનરલ ચેકઅપ, એક્સ-રે, સોનોગ્રાફી-બધું જ નિઃશુલ્ક કરવામાં આવ્યું. જેનો લાભ અંદાજિત ૧૫૦૦ દર્દીઓએ લીધો જેના માટે અમેરિકાથી સ્પેશીયલ ડોક્ટર્સની ટીમ આવેલી. ત્યારબાદ બીજા પાંચેક કેમ્પ ફક્ત સમાજ સેવા અને દર્દીનારાયણની તંદુરસ્તીના લક્ષ્ય કરવામાં આવ્યા, જેની બહુ જ ખુશી છે.
જે કોઈપણ દર્દી આવે સેન્ટર જોઈને એકવાર તો બોલે જ કે “અમને હતું કે ધર્માદાની હોસ્પિટલ છે ઠીક હશે પરંતુ અહીં આવીને જાણે ફોરેનના કોઈ સેન્ટરમાં આવ્યા હોઈએ એવું લાગે છે." દરેક ડોક્ટર્સનો પ્રથમ પ્રતિભાવ એ જ રહ્યો કે અમારી હોસ્પિટલમાં અમારી પોતાની ચેમ્બર અમે આટલી સરસ નથી બનાવી, અમને આ ચેમ્બરમાં Positivity-Divinityનો અહેસાસ થાય છે જે પૂ. શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબની નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવનાને આભારી છે. આ સેન્ટરને ૪-જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. આ વિશાળ સેન્ટરમાં તમામ પ્રકારની સગવડો ઉભી કરવામાં આવી. આ સેન્ટરમાં આજે અત્યાધુનિક એક્સ-રે વિભાગ, સોનોગ્રાફી વિભાગ, કાર્ડિયોગ્રામ તેમજ લેબોરેટરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી. આ સેન્ટરમાં કન્સલ્ટીંગ ફિઝિશ્યન તરીકે ડૉ. સી.વી અજમેરા, ડૉ. વંદન કાનાબાર, પેથોલોજીસ્ટ ડૉ. દિવેકા બુદ્ધદેવ, રેડીયોલોજીસ્ટ ડૉ. દિનકર વિરપરીયા, ડૉ. ભૂમિકા કાનાબાર, ઓર્થોપેડીક ડૉ. જીત ગાંધી, ડૉ.કલ્પેશ બજાણીયા, ડૉ. નીલ ગોહિલ, ન્યૂરો સ્પાઈન સર્જન ડૉ. ત્રિશાંત ચોટાઈ, ઓપ્થેલ્મોલોજીસ્ટ ડૉ. ધર્મેશ શાહ, જનરલ સર્જન ડૉ. રાકેશ ચોક્સી, કાર્ડિયોલોજીસ્ટ ડૉ. ધર્મેશ સોલંકી, ડૉ. જયદીપ દેસાઈ વિગેરે ખ્યાતનામ ડોક્ટર્સ સેવા આપી રહ્યા છે.
તદ્ઉપરાંત, સેન્ટરમાં બીજા માળ ઉપર તમામ આધુનિક સગવડો સાથેનું ફિઝિયોથેરાપી સેન્ટર ચાલે છે જેમાં મારવાડી કોલેજના ડોક્ટર્સ પોતાની સેવા આપી રહ્યાં છે. સેન્ટરમાં વિશ્વસ્તરિય ઉચ્ચત્તમ ગુણવત્તા ધરાવતાં સાધનો (રોશ, જી.ઈ. અને ફ્યુજી કંપની) દ્વારા રાહત દરે તમામ પ્રકારની શ્રેષ્ઠ તપાસ કરવામાં આવે છે જેમાં એક્સ-રે ફક્ત રૂા. ૨૫૦/-માં, સોનોગ્રાફી રૂા. ૩૦૦/-માં, ડોક્ટરનું કન્સલ્ટેશન ફક્ત રૂા. ૧૫૦/-માં કરવામાં આવે છે અને બ્લડ સુગર ફક્ત રૂા. ૨૦/- માં કરવામાં આવે છે. થાઈરોઈડ ટેસ્ટ ફક્ત રૂા. ૧૮૦/-માં કરવામાં આવે છે. આ જ રીતે વિટામીનના ટેસ્ટ, પીસીઓડીના ટેસ્ટ, ઈન્ફર્ટીલીટીના ટેસ્ટ, ડાયાબીટીસના ટેસ્ટ, હૃદયને લગતી બિમારીના ટેસ્ટ, લિપિડ પ્રોફાઈડ પણ રાહતદરે કરવામાં આવે છે. સેન્ટરમાં કોમ્પ્રીહેન્સીવ બોડી ચેકઅપ પણ કરવામાં આવે છે. જેના જુદાં-જુદાં આર્થિક રીતે પરવડે તેવાં પેકેજ ઉપલબ્ધ છે. સેન્ટર સવારે ૮ થી સાંજે ૭ સુધી ૫-વૈશાલીનગર, સીટી સેન્ટરની સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે કાર્યરત રહે છે. જ્યાં એપોઈન્ટમેન્ટ માટે મો.નં. ૯૬૬૪૫ ૦૮૦૫૯ તથા લેબોરેટરીમાં બ્લડ કલેક્શન માટે મો.નં. ૮૬૯૯૯ ૯૩૩૦૩ છે.
સમાજના તમામ વર્ગોને ઉપયોગી થઈ શકાય તેવાં ઉદેશથી પૂજ્ય ધીરજમુનિ મહારાજ સાહેબ દ્વારા શરૂ કરાયેલ આ સેન્ટર માનવ સેવા એ જ પ્રભુ સેવા (જૈન ધર્મનો સિદ્ધાંત આરુગ્ગ બોહિલાભ)ના અર્થને સાકાર કરી રહ્યું છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.