માર્વેલસ બેકરીની કુકીઝમાં મરેલી માખીના અવશેષ, જોખમી સાબિત
સાધુવાસવાણી રોડ પર ફૂડશાખા ત્રાટકી’તી
માનવઆહાર માટે અનસેફનો રિપોર્ટ, કોર્ટમાં કરાશે ફરિયાદ
લોકો સારી જગ્યાએ આવેલી બેકરીમાંથી વસ્તુ ખરીદતા હોય છે તેની પાછળનો તેમનો આશય સારી અને હાઈજેનિક રીતે બનાવેલા ખાદ્ય પદાર્થો લેવાનો હોય છે. જો કે ક્યારેક સારા સ્થળે પણ સૌથી ખરાબ અનુભવ થતા હોય છે તેવું મનપાની ફૂડ શાખાના રિપોર્ટ પરથી સામે આવ્યું છે.
શહેરના સાધુવાસવાણી રોડ પર રઘુવીર પાર્ક પાટીદાર ચોકમાં આવેલી માર્વેલસ બેકરી નામની પેઢીમાંથી મનપાની ફૂડ શાખાએ ડ્રાયફ્રૂટ કુકીઝના નમૂના સપ્ટેમ્બર માસમાં લીધા હતા. આ સેમ્પલ ખરાઈ અર્થે લેબમાં મોકલાયા હતા. લેબની તપાસમાં આ કુકીઝની અંદર મૃત જીવજંતુના અવશેષોની હાજરી જોવા મળી હતી. આ જવજંતુમાં માખી હોવાથી આ કુકીઝ માનવઆહાર માટે જોખમી હોવાથી અનસેફ જાહેર કરાઈ છે. કોઇપણ પદાર્થ અનસેફ જાહેર થાય એટલે તેની ફરિયાદ સીધી કોર્ટમાં જ કરવામાં આવે છે તેથી હવે મનપા તે અંગે કાર્યવાહી આગળ ધરશે. આ ઉપરાંત લાખના બંગલા રોડ મિલન કોમ્પ્લેક્સ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા વિશાલ ચાઈનીઝ પંજાબી નામની રેસ્ટોરન્ટમાંથી પનીરના નમૂના લેવાયા હતા. જો કે પનીર દૂધમાંથી નહિ પણ વેજિટેબલ ફેટમાંથી તૈયાર કરાયા હોવાનું લેબ રિપોર્ટમાં સામે આવ્યું છે અને નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા છે.જેને લઈને હવે અધિક કલેક્ટરની કોર્ટમાં આ કેસ ચાલશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.