બાંધકામનો કાટમાળ હવે આડેધડ ફેંકી નહીં શકાય : પ્લાન રદ્દ કરવા સુધીનો નિયમ બનાવતા કમિશ્નર - At This Time

બાંધકામનો કાટમાળ હવે આડેધડ ફેંકી નહીં શકાય : પ્લાન રદ્દ કરવા સુધીનો નિયમ બનાવતા કમિશ્નર


રાજકોટ મહાનગરમાંથી રોજેરોજ નિકાલ થતા ઓર્ગેનિક (ફૂડ) વેસ્ટમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાની કાર્યવાહી શરૂ થઇ રહી છે ત્યારે બાંધકામ વેસ્ટ (કાટમાળ)ના નિકાલ માટે પણ નીતિ ફાઇનલ થઇ રહી છે. આ માટેનો પ્લાન્ટ બની જાય એટલે કોર્પો.માં ઇન્વર્ડ થતા પ્લાનમાં જ આ માટેની શરતો દાખલ કરી દેવામાં આવશે.
કમિશનર આનંદ પટેલે આજે જણાવ્યું હતું કે હાલ શહેરમાં અનેક જગ્યાએ બાંધકામ વેસ્ટના જાણે ન્યુસન્સ પોઇન્ટ બની ગયા હોય તેવી હાલત છે. કોર્પો.ના અને ઘણા ખાનગી તથા ખરાબાના પ્લોટમાં પણ બાંધકામ વેસ્ટના ઢગલા કરવામાં આવે છે. બિલ્ડીંગના રી-ડેવલપમેન્ટ કરતા આસામીઓ જુના બાંધકામ તોડીને તેનો વેસ્ટ વાહન માલિકોને સોંપે છે અને તેઓ ગમે ત્યાં નિકાલ કરે છે. આજી નદીના અનેક કાંઠા પર રોજ ટનબંધ વેસ્ટ ઠલવવામાં આવે છે.
કોર્પો. દ્વારા અવારનવાર આવા માલનો નિકાલ કરતા ટ્રેકટર સહિતના વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ હવે મનપા કાયમી નીતિ લાવવા માંગે છે. તેમણે કહ્યું હતું કે નાકરાવાડી ખાતે આ પ્લાન્ટ બાંધવાનું કામ શરૂ થઇ ગયુ છે અને ફેબ્રુઆરીમાં પુરૂ થાય તેમ છે. તે બાદ પ્રોસેસીંગ શરૂ થશે.
રીનોવેશન જેવા કામમાં આવા કાટમાળનો વધુ નિકાલ થતો હોય છે. આથી બિલ્ડીંગ પ્લાન ટીપી શાખામાં ઇન્વર્ડ થાય ત્યારે મંજૂરીમાં જ કાટમાળના નિકાલની શરત જોડી દેવાશે. જો નિયત સિવાયની કોઇ જગ્યાએ કાટમાળ ઠલવવામાં આવશે તો પ્લાન રદ્દ કરી દેવાનો વિકલ્પ પણ ખુલ્લો રાખવામાં આવશે. ઘંટેશ્ર્વરમાં વિશાળ ખરાબાની જગ્યા પણ બાંધકામ વેસ્ટ નિકાલ માટે માંગવામાં આવી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.