તું મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાત કરે છે? કહી રીક્ષાચાલક પર હુમલો
રાજનગર ચોક પાસે આવેલ પેટ્રોલપંપ નજીક રીક્ષા ચાલક યુવાનને મોન્ટુ રાઠોડ નામના શખ્સે તું મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાત કરે છે કહી હુમલો કરતા યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે મવડી મેઈન રોડ પર શ્રીનાથજી સોસાયટી શેરી નં.5/6ના ખુણે રહેતા અજય ઉર્ફે ગઝની રાજુભાઈ ડોડીયા (ઉ.32)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મોન્ટુ ચંદુ રાઠોડનું નામ આપતા માલવીયાનગર પોલીસે આઈપીસી 324, 323 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યા અનુસાર તેઓ રીક્ષા ડ્રાઈવીંગ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગઈ તા.13ના રાત્રીના સમયે તેઓ રાજનગર ચોક પાસે આવેલ પેટ્રોલ પંપની બાજુમાં ધરતી હોન્ડાના શોરૂમ પાસે ઉભો હતો ત્યારે મોન્ટુ રાઠોડ ધસી આવેલ અને કહેલ કે તું મારી ગર્લફ્રેન્ડ જાગુ સામે કેમ વાત કરે છે તેમ કહી ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને ઉશ્કેરાઈ જઈ ગાળો આપી તેને હાથમાં પહેરેલ સ્ટીલનું કડું કપાળમાં અને માથાના ભાગે ઝીંકી દીધું હતું. ફરીયાદી લોહીલુહાણ થઈ ગયેલ હતો. બનાવ સ્થળે લોકોના ટોળા એકઠા થતા આરોપીએ તું હવે પછીથી મારી ગર્લફ્રેન્ડ સાથે વાત કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી નાસી છુટયો હતો.
બાદમાં લોહીલુહાણ થયેલ યુવકને સારવારમાં 108 મારફતે સીવીલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.