રશિયાના 74 ગામ પર યુક્રેનનો કબજો:2 લાખ લોકોએ તેમના ઘર છોડ્યા; બીજા વિશ્વ યુદ્ધ બાદ રશિયાએ પ્રથમ વખત જમીન ગુમાવી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ મંગળવારે સાંજે દેશને સંબોધન કરતા કહ્યું કે તેમની સેનાએ રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં 74 ગામ પર કબજો કરી લીધો છે. યુક્રેનની સેના આગળ વધી રહી છે અને રશિયન સૈનિકોને દબોચી રહી છે. બીબીસીના જણાવ્યા અનુસાર યુક્રેનના અચાનક હુમલા બાદ બે લાખ રશિયન નાગરિકો પોતાના ઘર છોડીને ભાગી જવા મજબુર બન્યા છે. તેમને સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. યુક્રેને 6 ઓગસ્ટે રશિયાના કુર્સ્ક વિસ્તાર પર હુમલો કર્યો હતો. તેણે 13 ઓગસ્ટ સુધી 1000 ચોરસ કિમી વિસ્તાર કબજે કર્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, બીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલીવાર છે જ્યારે કોઈ દેશની સેના રશિયાની સરહદમાં ઘૂસી હોય. યુદ્ધના 900 દિવસ પૂર્ણ, યુક્રેન પ્રથમ વખત પલટવાર કર્યો
મંગળવારે, 24 ફેબ્રુઆરી 2022ના રોજ શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધના 900 દિવસ પૂર્ણ થયા. અઢી વર્ષથી ચાલી રહેલા આ યુદ્ધમાં છેલ્લું અઠવાડિયું રશિયા માટે ઘણું ખરાબ સાબિત થયું છે. પ્રથમ વખત યુક્રેને રશિયા પર પલટવાર કર્યો છે. સીએનએન અનુસાર, માત્ર 7 દિવસમાં યુક્રેને એટલો જ યુક્રેનિયન વિસ્તાર કબજે કર્યો જેટલો આ વર્ષે રશિયાએ કર્યો છે. યુએસ ખાતેની ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઓફ વોર (ISW) અનુસાર, રશિયાએ 2024માં યુક્રેનમાં 1,175 ચોરસ કિલોમીટર વિસ્તાર કબજે કર્યો છે. યુક્રેનની સેના રશિયામાં 12 કિમી લાંબા અને 40 કિમી પહોળા વિસ્તારમાં ફેલાયેલી છે
યુદ્ધ શરૂ થયાના અઢી વર્ષમાં રશિયાએ યુક્રેનના 1 લાખ ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો જમાવ્યો છે. આ યુક્રેનની કુલ જમીનના 18% છે. જેના જવાબમાં યુક્રેને હવે વળતો હુમલો કર્યો છે અને રશિયાના એક ટકા વિસ્તાર પર કબજો કરી લીધો છે. આ પહેલા સોમવારે રશિયાએ કહ્યું હતું કે યુક્રેનની સેનાએ તેમના 28 ગામો કબજે કરી લીધા છે. આ દરમિયાન, તેમના 12 નાગરિકો માર્યા ગયા અને 121 ઘાયલ થયા. કુર્સ્કના ગવર્નર એલેક્સી સ્મિર્નોવે કહ્યું કે 6 દિવસમાં યુક્રેનની સેના કુર્સ્કમાં લગભગ 12 કિલોમીટર લાંબા અને 40 કિલોમીટર પહોળા વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. પુતિને યુક્રેનિયન સૈનિકોને ખદેડવાના આદેશ આપ્યા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે કુર્સ્કના સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. પુતિને આને યુક્રેનનું ઉશ્કેરણીજનક કૃત્ય ગણાવ્યું છે. તેમણે તેના સંરક્ષણ અધિકારીઓને રશિયન પ્રદેશમાંથી યુક્રેનિયન દળોને ખદેડવાનો આદેશ આપ્યો છે. પુતિને કહ્યું કે યુક્રેન રશિયાના વિસ્તાર પર કબજો કરીને યુદ્ધવિરામ કરાર માટે પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગે છે, પરંતુ અમે તેમની સાથે કોઈ કરાર કરવાના નથી. તેમણે યુક્રેન પર રશિયન નાગરિકોની હત્યા કરવાનો અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ નજીક હુમલા કરવાનો આરોપ મૂક્યો હતો. 3 દિવસ પહેલા હુમલાનો પ્લાન કરાયો હતો, સૈનિકોને 1 દિવસ પહેલા જ ખબર પડી હતી
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, યુક્રેને તેના ઓપરેશનની તૈયારીઓ ખૂબ જ ગુપ્ત રાખી હતી. તેમણે ઓક અને મેપલ જંગલોમાં ભારે શસ્ત્રો સંતાડતા હતા. સેના દ્વારા આ ગુપ્ત રીતે કરવામાં આવ્યું હતું. યુક્રેનિયન બ્રિગેડના ડેપ્યુટી કમાન્ડર લેફ્ટનન્ટ કર્નલ આર્ટેમે જણાવ્યું હતું કે હુમલાના ત્રણ દિવસ પહેલા જંગલમાં રસ્તાની સાઈડમાં બેઠકમાં અધિકારીઓએ જાહેરાત કરી હતી કે તેઓ રશિયા પર આક્રમણ કરશે. સૈનિકોને આ માહિતી એક દિવસ પહેલા જ ખબર પડી ગઈ હતી. અધિકારીઓએ સૈનિકોના ફોન લીધા ન હતા કારણ કે તેમને વિશ્વાસ હતો કે તેઓ તેને ગુપ્ત રાખશે. આ સમાચાર પણ વાંચો... રશિયાના 1000 ચોરસ કિમી વિસ્તાર પર યુક્રેનનો કબજો:28 ગામો છીનવી લીધા, પુતિને યુક્રેનિયન સૈનિકોને ખદેડવાના આદેશ આપ્યા યુક્રેને રશિયા પાસેથી 1,000 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તાર પર કબજો જમાવ્યો છે. સીએનએન અનુસાર, એક અઠવાડિયા પહેલા યુક્રેનના સૈનિકોએ રશિયાના કુર્સ્ક વિસ્તારમાં હુમલો કર્યો હતો. ત્યારથી તેઓએ અહીં લગભગ 28 ગામો કબજે કર્યા છે. યુક્રેનિયન સેના રશિયાની અંદર 30 કિમી અંદર ઘૂસી, અનેક ઈમારતો પર યુક્રેનનો ધ્વજ ફરકાવ્યો, 250 ચોરસ કિમી વિસ્તાર કબજે કર્યો યુક્રેનની સેના રશિયાની અંદર 30 કિમી સુધી ઘૂસી ગઈ છે. અમેરિકન મીડિયા હાઉસ સીએનએન મુજબ, ફેબ્રુઆરી 2022માં યુદ્ધ શરૂ થયા પછી આ પ્રથમ વખત છે જ્યારે યુક્રેન રશિયા પર હુમલો કરી રહ્યું છે. શુક્રવાર સુધીમાં, રશિયાએ યુક્રેનિયન સરહદ નજીક આવેલા કુર્સ્કમાં ઓછામાં ઓછો 250 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ગુમાવ્યો છે. યુક્રેનિયન સૈનિકોનું આગામી લક્ષ્ય રશિયન શહેર સુદજા છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થયા છે, જેમાં યુક્રેનના સૈનિકો ઈમારતો પરથી રશિયન ધ્વજ હટાવીને તેના સ્થાને પોતાના દેશનો ધ્વજ લગાવી રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.