કરોડોની કિંમતની વ્હેલશાર્કને મુક્ત કરી દરિયાદિલી દર્શાવતા સાગરખેડૂઓ* ————
*કરોડોની કિંમતની વ્હેલશાર્કને મુક્ત કરી દરિયાદિલી દર્શાવતા સાગરખેડૂઓ*
------------
*હિરાકોટ બંદરના સાગરખેડૂઓની જાળમાં અંદાજે ૨૫ ફુટ લાંબી ફસાયેલી વ્હેલ મુક્ત કરી*
---------
*વ્હેલને મુક્ત કરવાના પ્રયત્નમાં નુકસાન પામેલી જાળનું વળતર પણ ચૂકવાશે*
---------
ગીર સોમનાથ તા.૦૨: વેરાવળની ફિશરીઝ કોલેજ ખાતે વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ખરા અર્થમાં સાર્થક બને છે કારણ કે, હવે સાગરખેડૂઓ જાગૃત થયા છે અને પોતાની જાળમાં ફસાતી વ્હેલ માછલીને મુક્ત કરી પોતાની દરિયાદિલી દર્શાવે છે.
તાજેતરમાં જ હિરાકોટ બંદર (કદવાર)ની બોટ વેરાવળ થી ૯૦ નોટીકલ માઈલ દરિયામાં ફિશિંગમાં હતી. આવા સમયે તેમની જાળમાં વ્હેલ માછલી ફસાઈ હતી. જેની જાણ બોટના ટંડેલ અને ખલાસીઓને થતા તાત્કાલીક તેમણે દરિયાદિલી દર્શાવતા જાળમાંથી વ્હેલ માછલી મુક્ત કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના અંગે સાગરખેડૂઓ દ્વારા સ્થાનિક વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.
આ અંગે હિરાકોટ બંદર (કદવાર)ના ખારવા સમાજના પટેલ રતીલાલ બામણિયાએ જણાવ્યું હતું કે, હિરાકોટ બંદરના હરેશ લાલજી બામણિયાની IND GJ32 MM 7251 નંબર ધરાવતી બોટમાં તા.૨૬ નવેમ્બર-૨૦૨૪ના રોજ વેરાવળથી ૯૦ નોટીકલ માઇલ દૂર માછીમારી કરતા સમયે જાળમાં વ્હેલ માછલી ફસાઇ હતી. આ બાબતની જાણ થતાં જ સત્વરે બોટના ટંડેલ અને ખલાસીઓએ તાત્કાલીક ધોરણે જાળ કાપી વ્હેલ માછલીને મુક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વ્હેલ માછલી અંદાજીત ૨૫ ફુટ જેટલી લાંબી હતી અને વ્હેલ માછલીને મૂક્ત કરવામાં જાળને પારાવાર નુકસાન થયું હતું. જ્યારે બોટમાં કોઇ પણ પ્રકારની નુકસાની થઇ નથી. વ્હેલ માછલીને બચાવવાના પ્રયત્નો અને સરકારના નિયમોનુસાર નુકસાની અંગેની તસવીરો, વીડિયો સાથેના ડોક્યુમેન્ટ જમા કરાવ્યાં છે. વ્હેલને બચાવવાના પ્રયત્નોમાં જાળને જે નુકસાની થઇ છે તે અંગે વન વિભાગ સહાય આપશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વન વિભાગે માછીમાર સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસોને વધુ અસરકારક બનાવ્યાં છે. નાશ થવાના આરે પહોંચેલી સંવેદનશીલ પ્રજાતિઓની યાદીમાં સામેલ થયેલી વ્હેલ શાર્કને છ વર્ષના ટૂંકા સમયગાળામાં જ કાયદાકીય રીતે સંરક્ષિત પ્રજાતિમાં સામેલ કરાઇ છે. જે દરિયાઇ સંરક્ષણ તથા દરિયાઇ જીવસૃષ્ટિ પરત્વેની સંવેદના દર્શાવે છે.
*સરકાર દ્વારા પ્રોત્સાહન અને વળતર:-*
ગીર સોમનાથના વેરાવળ, સૂત્રાપાડા તથા જૂનાગઢના માંગરોળ અને પોરબંદર સહિત ગુજરાતના દરિયાઇ વિસ્તારોમાં સરકાર દ્વારા આ ખાસ પ્રકારના દરિયાઇ જીવના સંરક્ષણ અને રક્ષણ માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.
વ્હેલ શાર્કને સંરક્ષિત પ્રજાતિ જાહેર કર્યાં પછી સાગરખેડૂઓને લક્ષ્યમાં રાખી વ્હેલ શાર્ક અંગે જાગૃતિ લાવવા નાગરિકો, જનપ્રતિનિધિઓ અને વિવિધ સંસ્થાઓ સહિત માછીમાર સમાજ અને શહેરી અંતરીયાળ વિસ્તારોના નાગરિકોને પણ સહભાગી બનાવાયા છે.
ગુજરાત સરકારે વળતર યોજના બનાવી વ્હેલ શાર્ક માછલીના સંવર્ધન અને સંરક્ષણને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા બચાવ કાર્ય દરમિયાન જો માછીમારની જાળને નુકસાન થાય કે કાપવી પડે તો ભારતીય ચલણ રૂપિયા રૂ.૫૦,૦૦૦ સુધીનું વળતર ચૂકવવામાં આવે છે.
*વ્હેલશાર્ક વિશે માહિતી:-*
વ્હેલ શાર્ક, રીન્કોડોન્ટાપસએ રીન્કોડોન્ટીડેઇ પરિવાર, ઓરકોટોલોવીફોર્મસના ક્રમની પ્રજાતિની વિશ્વની સૌથી મોટી માછલી છે. વ્હેલ શાર્ક ખૂબ જ સરળતાથી ઓળખી શકાય તેવો દેખાવ ધરાવે છે.
આ પ્રજાતિ સપાટ મોટું માથું, વિશાળ મોઢું, ઘેરા રંગની ત્વચા ઉપર હળવા રંગના ચકામાં અને પેટનો સફેદ ભાગ ધરાવે છે. આ પ્રજાતિના જીવન તથા આદતો વિશે ઘણું ઓછું જાણી શકાયું છે. તે ખુલ્લા સમુદ્રી વિસ્તાર અને ઉષ્ણકટિબંધીય જળવિસ્તારમાં રહે છે અને દરિયાઇ જીવોનો શિકાર કરે છે.
તે જ્યારે પુખ્ત વયની થાય ત્યારે તેનું વજન ૩૫ ટન સુધી વધી શકે છે અને તેની લંબાઇ ૨૦ મીટર સુધીનો વિસ્તાર ધરાવતી હોય શકે છે. આ પ્રજાતિનું આયુષ્ય ૬૦ થી ૧૦૦ વર્ષનું હોય છે.
૦૦ ૦૦૦ ૦૦૦૦ ૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.