છાત્રોને અસામાજિક તત્વો દ્વારા થતી હેરાનગતિ ન થાય તે માટે સ્કૂલ-કોલેજોમાં ફરિયાદ પેટી મુકવામાં આવી
પોલીસ પ્રજાનો મિત્ર છે, તે સૂત્રને બી.ડિવિઝન પોલીસે સાર્થક કર્યું હતું. બી. ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ છાત્રોને અસામાજિક તત્વો દ્વારા થતી હેરાનગતિ ન થાય તે માટે સ્કૂલ-કોલેજોમાં ફરિયાદ પેટી મુકવામાં આવી છે. તેમજ સી.ઈ.આઈ.આર. પોર્ટલની મદદથી ગુમ અને ચોરાયેલા 28 મોબાઈલ ફોન શોધી માલિકોને પરત કરી સરાહનીય સાથે ઉમદા કામગીરી કરી હતી. વધુમાં પીઆઇ આર.જી.બારોટે જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ પોલીસ મથકમાં જઈ સેન્ટ્રલ ઈકિવપમેન્ટ આઈડેન્ટીટી રિપોર્ટ એટલે કે સીઈઆઈઆર પોર્ટલમાં પોતાના ચોરી, ગુમ થયેલા કે પડી ગયેલા મોબાઈલ ફોન બાબતે ફરિયાદ કરી શકે છે. આ પોર્ટલમાં ફરિયાદ કરવાથી ચોરી, ગુમ કે પડી ગયેલા મોબાઈલમાં જો બીજુ કોઈ સીમકાર્ડ એકટીવેટ થાય તો તત્કાળ પોલીસને તે સીમકાર્ડ ધારકનું નામ, સરનામું અને લોકેશન મળી જાય છે. જેના આધારે પોલીસ તેને બોલાવી મોબાઈલ કબ્જે લઈ તેના મૂળ માલીકને પરત કરે છે.
બી-ડિવીઝન પોલીસે સીઈઆઈઆર પોર્ટલના માધ્યમથી મળેલી ફરિયાદોના કિસ્સાઓમાં મોબાઈલ ફોન ટ્રેસ કરી રૂ.2.80 લાખની કિંમતના 28 ચોરાઉ, ગુમ કે પડી ગયેલા મોબાઈલ ફોન પરત મેળવી તેના મૂળ માલીકોને સોંપી દીધા છે. હાલમાં મોબાઈલ ફોન ચોરીની સમસ્યા ચિંતાજનક રીતે વધી ગઈ છે. તે જ રીતે ઘણા લોકો દરરોજ કોઈ સ્થળે મોબાઈલ ભૂલી જાય છે કે તેમના ખીસ્સામાંથી પડી જાય છે. આવા કિસ્સાઓમાં ભોગ બનેલા લોકો સંબંધીત પોલીસ મથકમાં સંપર્ક કરી સીઈઆઈઆર પોર્ટલના માધ્યમથી પોતાનો મોબાઈલ ફોન પરત મેળવવાનો પ્રયાસ કરી શકે છે. તેમજ શહેર પોલીસ કમિશનરે થોડા સમય પહેલાં જ શહેરની દરેક સ્કૂલ અને કોલેજોમાં ફરિયાદ પેટી મૂકવાનો થાણા ઈન્ચાર્જોને આદેશ આપ્યો હતો.
બી-ડિવીઝન પોલીસે પોતાના વિસ્તારમાં આવેલી તમામ 40 સ્કૂલોમાં ફરિયાદ પેટીઓ મુકી દીધી છે. પીઆઈ આર.જી. બારોટે જણાવ્યું કે, સ્કૂલ, કોલેજોમાં બનતી ઘટનાઓ અંગે ઘણી વખત છાત્રો ફરિયાદ કરી શકતા નથી. આ સ્થિતિમાં સ્કૂલ, કોલેજોમાં અંદર અને બહાર કોઈ દબાણ, ધમકીની ઘટના કે આવારા તત્વોના ત્રાસ અંગે છાત્રો બેફિકર થઈ ફરિયાદ કરી શકે તે માટે દરેક સ્કૂલોમાં ફરિયાદ પેટી મુકવામાં આવી છે. દરેક સ્કૂલોના આચાર્યો અને શિક્ષકોને પણ આ બાબતે માહિતગાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં ધો. 8 થી લઈ ધો.12 સુધીના છાત્રોને પણ ફરિયાદ પેટી અંગે સમજ આપવામાં આવી છે. છાત્ર અને છાત્રાઓને 18 વર્ષથી ઓછી વયમાં લગ્ન કરવા અપરાધ છે તે સહિતના મહિલાઓને લગતા કાયદાઓની સમજ પણ આપવામાં આવી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.