રાજકોટ:પ્રેમિકાના પૂર્વ પ્રેમીનું સ્કૂટર પર અપહરણ
શહેરના મંગળા રોડ પર એક યુવકે તેની પ્રેમિકાના પૂર્વ પ્રેમીનું સ્કૂટર પર અપહરણ કર્યું હતું. જે માહિતી મળતા જ પોલીસ દોડતી થઇ હતી જોકે અંતે સમાધાન થયું હોવાની વાત આવતા પોલીસ પણ ધંધે લાગી હોવાનો ઘાટ સર્જાયો હતો.
આ બનાવની વિગત એવી છે કે, એક યુવક મંગળા રોડ પર ચાલીને જતો હતો. તેની પાછળથી એક ઍક્સેસ સ્કુટરમાં બીજા યુવકો આવ્યા હતા. જેણે ચાલીને જતા યુવકની સાથે માથાકૂટ કરી હતી અને બોલાચાલી થતા સ્કૂટર પર આવેલા યુવકે બળજબરીથી હાલ સ્કુટરમાં બેસી જા તેમ કહી ચાલીને જતા યુવકને બેસાડ્યો હતો. જેથી આ ઘટના નજરે જોનાર કોઈ રાહદારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી દીધી હતી.
આથી એ. ડિવિઝન પોલીસ અને જુદી જુદી શાખાની પોલીસ દોડી ગઈ હતી. શહેરના વિરાણી ચોક, યાજ્ઞિક રોડ, લોધાવાડ ચોક વગેરે સ્થળોએ નાકાબંધી કરાવી દીધી હતી અને સીસીટીવીના આધારે વર્ણન વાળા સ્કૂટરની જાણ કરી દીધી હતી. જોકે પોલીસની ભારે ભાગદોડ પછી આ અપહરણ કરનાર યુવક અને અપહ્યત યુવક બન્ને મંગળા રોડની એક શેરીમાંથી જ મળી આવ્યા હતા.
જે પછી પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા સ્ટોરી એવી સામે આવેલી કે, અપહ્યત યુવક સ્કૂટર પર આવેલ યુવકની પ્રેમિકાનો પૂર્વ પ્રેમી છે. અગાઉ આ પ્રેમિકા સાથે બ્રેકપ થઈ ગયેલું. જે પછીથી પ્રેમિકા અપહરણ કરનાર યુવક અને અપહ્યત યુવક વચ્ચે માથાકૂટ ચાલતી હતી. પોલીસે અપહ્યત યુવકને ફરિયાદ અંગે પૂછતાં તેણે ફરિયાદ નથી કરવી તેવું રટણ કર્યું હતું અને અંતે સમાધાન થયાનું ખુલ્યું હતું. જોકે થોડી વાર આ બનાવે પોલીસને ધંધે લગાડી દીધી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.