સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ ભવનોને એક સપ્તાહમાં સ્વરછ કરવા આદેશ
તાજેતરમાં જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠમાં સફાઈ અભિયાન પૂર્ણ કર્યા બાદ રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓને સફાઈ અભિયાન શરૂ કરવા પત્ર દ્વારા જણાવાયું હતું. આ ઉપરાંત આગામી તારીખ 20મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આવવાના હોવાથી દરેક ભવનને એક સપ્તાહ સુધી ફરજિયાત સ્વચ્છતા અભિયાન યોજવા રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર કરીને જાણ કરવામાં આવી છે.
જેમાં જણાવાયું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલાધિપતિ અને રાજ્યપાલે યુનિવર્સિટી કેમ્પસના વિવિધ ભવનો, વિભાગો, એકમોમાં ‘સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત મિશન’ના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન શરૂ કરવા અનુરોધ કર્યો છે.આ માટે ભવનો, વિભાગો, એકમો દ્વારા એક સપ્તાહ માટે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવાનું રહેશે અને તેની તારીખ-સમય પ્રમાણેની રૂપરેખા મોકલી આપવા તથા સપ્તાહ પૂર્ણ થયા બાદ થયેલ કામગીરીનો ફોટોગ્રાફ્સ સાથેનો વિગતવાર અહેવાલ હાર્ડકોપીમાં તથા ઈ-મેલ પર મોકલવા જણાવાયું છે.
20મી જાન્યુઆરીએ યુનિવર્સિટી કેમ્પસમાં પદવીદાન સમારોહમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોના 43,062 વિદ્યાર્થીને ડિગ્રી એનાયત કરાશે. જુદી જુદી વિદ્યાશાખામાં સૌથી વધુ ગુણ મેળવનાર 126 વિદ્યાર્થીને રાજ્યપાલના હસ્તે 147 ગોલ્ડ મેડલ અપાશે. યુનિવર્સિટીમાં રાજ્યપાલ આવવાના હોય અત્યારથી સફાઈ અભિયાન ઉપર વધુ ભાર મુકાયો છે અને આગોતરી ત્યારી શરૂ કરાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.