મકાઇના પાકમાં રોગ અને જીવાતના વ્યવસ્થાપન માટે વાવણી સમયે લેવા આ ખાસ પગલાં... - At This Time

મકાઇના પાકમાં રોગ અને જીવાતના વ્યવસ્થાપન માટે વાવણી સમયે લેવા આ ખાસ પગલાં…


મકાઇના રોગમાં જોવા મળતા વિવિધ રોગો અને જીવાતોના નિયંત્રણ માટે આ ખાસ પગલા લેવા જોઇએ. આવો સમગ્ર માહિતી જાણીએ.

જિલ્લા ખેતીવાડી અધિકારી તરફથી કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. જેમાં રોગમુક્ત બિયારણ વાપરવું અને રોગપ્રતિકારક જાતો પસંદ કરવી. પાકની ફેરબદલી અપનાવવી. પાનના સુકારા તેમજ તડછારો રોગ સામે પ્રતિકારક જાતો જેવી કે ગુ.આ.પી. સં.મ.-૧, ગુ.આ.પી. સં.મ.-૨, ગુ.આ.પી. સં.મ.-૩, ગંગા સફેદ-૨, ગંગા સફેદ-૧૧, ગુજરાત મકાઈ-૨, ૪, ૬, નર્મદા મોતી, ગંગા-૫, ડેક્કન -૧૦, શ્વેતા, નવીન અને જવાહર જેવી જાતોની વાવણી કરવી. ટપકાંવાળી લશ્કરી ઇયળ સામે રક્ષણ માટે બીજને કીટનાશકના તૈયાર મિશ્રણ સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૯.૮% + થાયામેથોકઝામ ૧૯.૮% એફએસ, ૬ મિ.લિ. / કિ.ગ્રા. પ્રમાણે સપ્રમાણ પાણી ભેળવી બીજ માવજત આપી છાંયડે સૂકવી વાવેતર કરવું.

ઇયળના નિયંત્રણ માટે આ કામ કરવું મકાઈમાં ગાભમારાની ઇયળના નિયંત્રણ માટે મગ, અડદ, તુવેર અથવા ચોળા આંતરપાક તરીકે વાવવા. તેમજ ઉપદ્રવ ઓછો રહે એ માટે મકાઈની વાવણી ૧૫ જૂનથી 30 જૂન સુધીમાં કરવી. પાછોતરા સુકારા માટે એક હેક્ટરે ૧૦૦૦ કિલો લીંબોળીનો ખોળ વાવેતર વખતે ચાસમાં આપવો. મકાઈમાં બીજનો કોહવારો અને ઉગતા છોડનો સૂકારો અટકાવવા માટે બીજને થાયરમ ૪૦ એફ.એસ. અથવા થાયરમ ૭૫ ડબ્લ્યુ.એસ. ૨-૩ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજની માવજત આપીને વાવણી કરવી અથવા ટ્રાયકોડર્મા ૬ ગ્રામ પ્રતિ એક કિલોગ્રામ બીજ દીઠ માવજત આપીને વાવવા.

પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ અથવા ફોલ આર્મીવોર્મના નિયંત્રણ માટે મકાઈની વાવણી પહેલા ૧૦ થી ૧૫ દિવસે લીમડાનો ખોળ ૨૫૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે જમીનમાં નાખવાથી કોશેટામાંથી ફુદા નીકળવાનું પ્રમાણ ઘટશે.

મકાઈમાં પાછોતરો સૂકારો રોગના નિયંત્રણ માટે વાવતા પહેલા ચાસમાં કાર્બોફ્યુરાન ૩જી ૩૩ કિલોગ્રામ પ્રતિ હેક્ટર અથવા લીંબોળીનો ખોળ ૧ ટન પ્રતિ હેક્ટર નાખવું એક કિલો બીજ દીઠ ૩૦ ગ્રામ કાર્બોસલ્ફાન ૨૫ એસડીની માવજત આપવી.

પિયત અને રાસાયણિક ખાતરનો વપરાશ ભલામણ મુજબ જ કરવો. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.

આ અંગે વધુ જાણકારી માટે સંબંધિત વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી / ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.