રાજકોટ:સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે કાફલો ખડેપગે
રાજકોટ તા. ૨૨: રાજ્યમાં તમામ ખાનગી હોસ્પિટલો માટે ફાયર સેફટ્ટી અંગેના સરકારના નવા નિયમો અવ્યવહારૂ હોવાના રોષ સાથે આજે ખાનગી તબિબોએ હડતાલનું શષા ઉગામ્યું છે. આ કારણે આજે સોૈરાષ્ટ્રભરની ૩૬૦૦ હોસ્પિટલમાં ઇમર્જન્સી, ઓપીડી સહિતની સેવાઓ ઠપ્પ કરી દેવામાં આવી છે. આ કારણે સિવિલ હોસ્પિટલો પર ભારણ વધ્યું છે. રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં આવનારા કોઇપણ દર્દીઓને હેરાન ન થવું પડે અને તમામ સારવાર તુરત મળી રહે તે માટે તબિબો, નર્સિંગ સ્ટાફ સહિતનો કાફલો ખડેપગે રખાયો છે. ઇમર્જન્સીમાં વધારાના મેડિકલ ઓફિસરની સુવિધા રાખવામાં આવી છે. તેમજ ઓપીડી સહિતના વિભાગોમાં દર્દીઓને જરાપણ હેરાનગતિનો અહેસાસ ન થાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવ્યાનું તબિબી અધિક્ષકશ્રી ડો. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની વિવિધ બ્રાંચ દ્વારા આજે ખાનગી હોસ્પિટલો સજ્જડ બંધ રાખવાનું એલાન અપાયું હોઇ સવારથી જ ખાનગી હોસ્પિટલો ખુલી નહોતી. અગાઉથી જે દર્દીઓ દાખલ હતાં એ સિવાયના નવા કેસ લેવાનું બંધ કરાયું હતું. આ કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રોજ કરતાં વધુ દર્દીઓ ઉમટયા હતાં. ઓપીડીમાં પણ દર્દીઓની સંખ્યા વધી ગઇ હોઇ અગાઉથી જ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલના તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલોની હડતાલને પગલે સિવિલમાં ભારણ વધી જશે એ નક્કી જ હોઇ ગઇકાલે જ સરક્યુલરથી જે પણ સ્ટાફ રજા પર હતો તેમને હાજર થઇ જવા સુચના આપી દેવામાં આવી હતી. તમામ વિભાગોમાં ડોક્ટર, નર્સિંગ સ્ટાફ તેમજ ચોથા વર્ગના કર્મચારીઓ વિશેષ ધ્યાન આપે અને તેમની મદદમાં બીજો સ્ટાફ હાજર રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોઇ દર્દીઓને કોઇ હેરાનગતિ નહિ થાય. આર.એમ.ઓ. ડો. એમ.સી. ચાવડાએ જણાવ્યું હતું કે ઇમર્જન્સીમાં વધારાના મેડિકલ ઓફિસર સહિતનો સ્ટાફ ખડેપગે રાખવામાં આવ્યો છે.
અધિક્ષકશ્રી ત્રિવેદીના કહેવા મુજબ ઓપીડીમાં અને દવા બારીએ તેમજ જ્યાં જ્યાં દર્દીઓનો ધસારો રહેતો હોય છે એ તમામા વિભાગમાં તબિબો સહિતના તમામ સ્ટાફને દર્દીઓની સેવામાં જરાપણ દુવિધા ઉભી ન થાય તે માટે સુચના અપાઇ છે અને આ કામગીરીનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.