કોલકાતા રેપ-મર્ડરનો આરોપી ટ્રેન્ડ બોક્સર:ટ્રેઇની ડોક્ટરની આંખમાંથી કાચના ટુકડા મળ્યા; દેશભરના તબીબો બીજા દિવસે પણ હડતાળ પર
કોલકાતાની RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના અનુસ્નાતક ટ્રેઇની ડોક્ટરની બળાત્કાર-હત્યાના આરોપી સંજય રોય વિશે ઘણા ખુલાસા થયા છે. પોલીસે સોમવારે (12 ઓગસ્ટ) કહ્યું કે, સંજય એક પ્રશિક્ષિત બોક્સર છે. 8-9 ઓગસ્ટની રાત્રે તેણે હોસ્પિટલના સેમિનાર હોલમાં ડોક્ટર પર નિર્દયતાથી હુમલો કર્યો હતો. સંજયે ડોક્ટરને એટલી જોરથી મારી કે ચશ્મા તૂટીને તેની આંખોમાં ઘૂસી ગયા. જેના કારણે આંખોમાંથી લોહી વહી રહ્યું હતું. આ ઘટનાના વિરોધમાં દેશભરના રેસિડેન્ટ ડોક્ટરો આજે બીજા દિવસે પણ હડતાળ પર છે. એઈમ્સ દિલ્હી સહિત સરકારી હોસ્પિટલોમાં ઓપીડી સેવાઓ પ્રભાવિત થઈ છે. માત્ર ઈમરજન્સી સેવાઓ જ કાર્યરત છે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA) એ RG કર હોસ્પિટલના તમામ અધિકારીઓના રાજીનામાની માગ કરી છે. બંગાળના જુનિયર ડોક્ટરોએ કોલકાતા પોલીસને તેમની તપાસ પૂર્ણ કરવા માટે 14 ઓગસ્ટ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે જો પોલીસ 18 ઓગસ્ટ સુધીમાં તપાસ નહીં કરી શકે તો તેઓ આ કેસ CBIને સોંપશે. આરોપીએ બળાત્કાર બાદ ડોક્ટરનું ગળું દબાવી હત્યા કરી શુક્રવારે (9 ઓગસ્ટ) સવારે RG કર હોસ્પિટલના ઇમરજન્સી બિલ્ડિંગના સેમિનાર હોલમાં 31 વર્ષીય ટ્રેઇની ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. તે નાઈટ ડ્યુટી પર હતી. ડોક્ટરના પ્રાઈવેટ પાર્ટ, આંખ અને મોંમાંથી લોહી નીકળતું હતું. તેના ગળાનું હાડકું પણ તૂટેલું જોવા મળ્યું હતું. પોલીસે સોમવારે (12 ઓગસ્ટ) ના રોજ ટ્રેઇની ડોક્ટરના પરિવારને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં ખુલાસો થયો હતો કે બળાત્કાર અને હુમલો કર્યા પછી આરોપીએ ડોક્ટરનું મોં દબાવીને તેની હત્યા કરી હતી. શુક્રવારે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે આ ઘટના બનવાની સંભાવના છે. ડોક્ટરના મૃતદેહ પાસે હેડફોન મળી આવ્યો હતો. શુક્રવારે સવારે લગભગ 4 વાગ્યે સંજય CCTV કેમેરામાં ઈમરજન્સી બિલ્ડિંગમાં પ્રવેશતો જોવા મળ્યો હતો. પછી તેના ગળામાં તે જ હેડફોન હતા. જોકે, સવારે લગભગ 6 વાગ્યે જ્યારે તે બિલ્ડિંગમાંથી બહાર આવ્યો ત્યારે તેના ગળામાં હેડફોન નહોતા. તેના આધારે 9 ઓગસ્ટના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, બળાત્કાર-હત્યા કર્યા બાદ તે પોલીસ બેરેકમાં સૂઈ ગયો હતો, જ્યાં તે રહેતો હતો. જાગ્યા પછી તેણે કપડાં પણ સાફ કર્યા. પૂછપરછ શરૂ થતાં જ સંજયે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેને કોઈ અફસોસ નહોતો. તેણે કોઈ ચિંતા કર્યા વગર કહ્યું કે, જો તમે ઈચ્છો તો મને ફાંસી આપી શકો છો. કોલકાતા બળાત્કાર-હત્યા કેસમાં આજના મોટા અપડેટ્સ... હાઈકોર્ટે પૂછ્યું- પ્રિન્સિપાલની પૂછપરછ કેમ ન થઈ?
મંગળવારે (13 ઓગસ્ટ), કોલકાતા હાઈકોર્ટે બળાત્કાર-હત્યાના કેસ અંગે દાખલ કરવામાં આવેલી PILની સુનાવણી કરી. મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગ્નમની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે, નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપનાર આચાર્ય ડૉ. સંદીપ ઘોષને બીજી મેડિકલ કોલેજમાં કેવી રીતે નિયુક્ત કરી શકાય? કોર્ટે તેમને આજે બપોરે 3 વાગ્યા સુધીમાં તેમની રજા અરજી સબમિટ કરવા કહ્યું છે અથવા કોર્ટ તેમને પદ છોડવાનો આદેશ આપશે. કોર્ટે કહ્યું છે કે, ડો. સંદીપ ઘોષ વહીવટી પદ પર હોઈ શકે છે, પરંતુ પહેલા તેમની પૂછપરછ થવી જોઈતી હતી. કોર્ટે રાજ્ય સરકારના વકીલને પણ પૂછ્યું કે તેઓ તેમને કેમ બચાવી રહ્યા છે. તેમનું નિવેદન નોંધો. કોર્ટે બપોરે 1 વાગ્યા સુધીમાં પોલીસ પાસેથી કેસ ડાયરી મંગાવી છે. દેશભરમાં હડતાલની તસવીરો... ઓલ ઈન્ડિયા રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA) એ સોમવારે (12 ઓગસ્ટ) રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી. ફોર્ડાએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને લખેલા પત્રમાં કોલકાતાની ઘટનાને રેસિડેન્ટ ડોક્ટર સમુદાયના ઈતિહાસમાં કદાચ સૌથી મોટી દુર્ઘટના ગણાવી છે. ફોર્ડાએ કેન્દ્ર પાસેથી CBI તપાસ અને RG કર હોસ્પિટલના તમામ અધિકારીઓના રાજીનામાની માગ કરી છે. તેમણે આશ્વાસન પણ માગ્યું હતું કે, વિરોધ કરી રહેલા ડોક્ટરો સાથે ખરાબ વર્તન કરવામાં આવશે નહીં. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ પણ સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને પત્ર લખીને ડોક્ટરો વિરુદ્ધ હુમલા અને હિંસા રોકવા અને હોસ્પિટલોને સુરક્ષિત જાહેર કરવા માટે કાયદો બનાવવાની માગ કરી છે. આ ઉપરાંત તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પોલીસ કેમ્પ અને પૂરતા પ્રમાણમાં સુરક્ષા જવાનો તૈનાત કરવાની પણ માગણી કરવામાં આવી છે. IMAએ બંગાળ સરકારને આ મામલાની નિષ્પક્ષ તપાસ કરવા અને દોષિતોને સજા કરવાની માગ કરી છે. આ સિવાય તબીબોની ખાસ કરીને મહિલાઓની સુરક્ષામાં સુધારો કરવા માટે તાત્કાલિક પગલાં ભરવા માટે કહેવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.