કોરોના દર્દીનું સારવારમાં કોઈપણ કારણથી મોત થાય, તેને કોરોનાથી મોત થયાનું જ ગણવું : હાઈકોર્ટ - At This Time

કોરોના દર્દીનું સારવારમાં કોઈપણ કારણથી મોત થાય, તેને કોરોનાથી મોત થયાનું જ ગણવું : હાઈકોર્ટ


પ્રયાગરાજ, તા.૩૧કોરોનાથી સંક્રમિત દર્દીના હોસ્પિટલમાં દાખલ થવા અને તેના મોત અંગે અલ્લાહાબાદ હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. કોરોના સંક્રમિત દર્દીનું મોત હાર્ટ એટેક અથવા કોઈપણ કારણથી થયું હોય, પરંતુ તેને કોરોનાથી જ મોત થયું હોવાનું માનવું જોઈએ તેમ હાઈકોર્ટે એક આદેશમાં જણાવ્યું છે. સાથે જ હાઈકોર્ટે કહ્યું કે કોરોના પીડિતના મોત પછી તેના પરિવારને ૩૦ દિવસમાં વળતર મળવું જોઈએ.ન્યાયાધીશ એ.આર. મસૂદી અને ન્યાયાધીશ વિક્રમ ડી. ચૌહાણની બેન્ચે કુસુમલતા અને અન્યોની અરજીઓની સુનાવણી કરતાં આપેલા આદેશમાં જણાવ્યું હતું કે, કોરોના પીડિતના મોત પછી તેના પરિવારને ૩૦ દિવસમાં વળતરની ચૂકવણી કરવામાં ન આવે તો ત્યાર પછી ૯ ટકા વ્યાજ સાથે વળતરની રકમ આપવામાં આવે. હાઈકોર્ટે જણાવ્યું કે, કોરોનાના કારણે હોસ્પિટલમાં થનારા મોત સંપૂર્ણપણે પુરાવાઓની કસોટી પર ખરા ઉતરે છે. હાર્ટ એટેક અથવા અન્ય કોઈ કારણોનો ઉલ્લેખ કરનારા મેડિકલ રિપોર્ટને કોરોના સંક્રમણથી અલગ કરીને જોઈ શકાય નહીં. કોરોનાનો ચેપ એક છે. આ ચેપ કોઈપણ અંગને અસરગ્રસ્ત કરી શકે છે. તેનાથી લોકોના મોત થઈ શકે છે. કોરોનાથી ફેફસાં અને હૃદયને નુકસાન થાય છે અને હાર્ટ એટેક મોતનું કારણ બની શકે છે.હાઈકોર્ટે કોરોનાના સંક્રમણ પછી મોત અંગે ૩૦ દિવસની સમય મર્યાદા નિશ્ચિત કરવાની બાબતને પણ ખોટી માની છે. હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે આ અરજી દાખલ કરનારા એક અરજદારને ૨૫-૨૫ હજાર રૃપિયાની ચૂકવણી કરવામાં આવે.અરજદારે ૧લી જૂન ૨૦૨૧ના સરકારી આદેશને ખંડ ૧૨ને મુખ્યરૃપે પડકાર્યો હતો. અરજદારે કોરોનાના સંક્રમણ પછી મહત્તમ સમય મર્યાદા નિશ્ચિત કરનારા મુદ્દાનો વિરોધ કર્યો છે. આ આદેશ હેઠળ કોરોનાથી સંક્રમિત થયાના ૩૦ દિવસની અંદર મોતના કિસ્સામાં જ વળતરની ચૂકવણીની અરજીની વાત કરાઈ હતી. કોર્ટમાં આ મુદ્દાને પડકારાયો હતો અને હવે તેના પર ચૂકાદો આવી ગયો છે.અરજદારે દલીલ કરી હતી કે, શાસનના આ આદેશનો આશય એવા પરિવારોને વળતર આપવાનો છે, જેમણે કોરોનાના કારણે પંચાયત ચૂંટણી દરમિયાન તેમની રોજગારી કમાનારાને ગુમાવી દીધા હોય. કોર્ટમાં અરજદારે કહ્યું કે સરકારી અધિકારીઓએ એ તો સ્વીકાર્યું કે તેમના પાલકનું મોત કોરોનાથી થયું છે, પરંતુ શાસનના આદેશના ખંડ ૧૨માં નિશ્ચિત સમય મર્યાદાની અંદર મોત નહીં થયું હોવાના કારણે અરજદારને વળતરથી વંચિત રાખવામાં આવ્યા છે. હવે આ આદેશ પછી કોરોનાના સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હોય, પરંતુ તેમના મોતનું કારણ કોરોના માનવામાં આવ્યું ન હોય તેવા પરિવારોને રાહત મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.