IAS ઓફિસર પૂજા ખેડકરનાં માતા-પિતા ફરાર:ફોન સ્વિચ ઓફ, પોલીસે કહ્યું- ઘરે ન મળ્યાં; માતાએ પિસ્તોલથી ખેડૂતોને ધમકાવ્યા હતા
મહારાષ્ટ્રના પુણેની તાલીમાર્થી IAS ઓફિસર પૂજા ખેડકરનાં માતા-પિતા ફરાર છે. પોલીસે સોમવારે (15 જુલાઈ) કહ્યું હતું કે તેઓ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેણે પોતાનો ફોન બંધ કરી દીધો છે. પોલીસે કહ્યું હતું કે અમે ગઈકાલે અને આજે એમ બેવાર બાનેર રોડ પર સ્થિત તેમના બંગલામાં ગયા હતા, પરંતુ અમે બંને વખત તેઓ મળ્યા નહિ. એકવાર અમે તેમને શોધી કાઢ્યા પછી તપાસ ગોઠવવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવશે. હકીકતમાં પૂજાની માતા મનોરમાનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તે ખેડૂતોને પિસ્તોલથી ધમકાવતી જોવા મળી હતી. આ ઘટના પુણેના મુલશી તાલુકાના ધડાવલી ગામમાં બની હતી, જ્યાં પૂજાના પિતા દિલીપ ખેડકરે જમીન ખરીદી હતી. આ મામલે પૂજાની માતા-પિતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. દાવો- પૂજાની માતાએ જમીનનો કબજો લેવાનો પ્રયાસ કર્યો હતો સ્થાનિક લોકોનો આરોપ છે કે ખેડકર પરિવારે બાઉન્સરની મદદથી પાડોશી ખેડૂતોની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો અને તેમને ધમકી આપી. ખેડૂત કુલદીપ પાસલકરે દાવો કર્યો હતો કે મનોરમા બળજબરીથી તેમની જમીન હડપ કરવાનો પ્રયાસ કરી રહી છે. વીડિયો વાઇરલ થયા બાદ 13 જુલાઈના રોજ પૌડ પોલીસ સ્ટેશનમાં પૂજાની માતા મનોરમા અને પિતા દિલીપ સહિત 7 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે FIRમાં આર્મ્સ એક્ટના આરોપો પણ સામેલ કરવામાં આવ્યા છે. જોકે પુણેના પોલીસ અધીક્ષક પંકજ દેશમુખે 12 જુલાઈના રોજ જણાવ્યું હતું કે આ ઘટના ગત વર્ષે 5 જૂને ધડાવલી ગામમાં બની હતી. ત્યાર બાદ ખેડૂતો વતી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, પરંતુ ફરિયાદમાં પિસ્તોલનો કોઈ ઉલ્લેખ નહોતો. પુણે પોલીસે કહ્યું હતું કે અમે તપાસ કરી રહ્યા છીએ કે મનોરમા પાસે પિસ્તોલનું લાઇસન્સ છે કે નહીં. ખેડકર પરિવારનો દાવો- ખેડૂતોએ તેમની જમીન કબજે કરી લીધી
ખેડકર પરિવારે પુણેના મુલશી તાલુકામાં 25 એકર જમીન ખરીદી હતી. જોકે તેમણે દાવો કર્યો હતો કે તેનો એક ભાગ ખેડૂતો દ્વારા અતિક્રમણ કરવામાં આવ્યો હતો. આ કારણે મનોરમા તેના સુરક્ષાકર્મીઓ સાથે ત્યાં પહોંચી અને ખેડૂતોને પિસ્તોલ બતાવીને ધમકાવ્યા હતા. વીડિયોમાં સાંભળી શકાય છે કે તે કહી રહી છે કે જમીન તેના નામે છે. પૂજાએ MBBS માટે OBC પ્રમાણપત્ર માટે પણ અરજી કરી હતી
પૂજા ખેડકરને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે એવું બહાર આવ્યું છે કે ખેડકરે 2007માં MBBSમાં એડમિશન માટે OBC નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ જમા કરાવ્યું હતું. શ્રીમતી કાશીબાઈ નવલે મેડિકલ કોલેજના ડિરેક્ટરે જણાવ્યું હતું કે પૂજાએ એએમયુપીડીએમસી પરીક્ષા દ્વારા કોલેજમાં એમબીબીએસની સીટ મેળવી હતી, જેમાં તેણે 200માંથી 146 માર્ક્સ મેળવ્યા છે. પૂજા ખેડકર પર UPSC સિલેક્શનમાં ગેરરીતિનો આરોપ
11 જુલાઈના રોજ વિવાદોમાં ઘેરાયેલી તાલીમાર્થી IAS અધિકારી પૂજા ખેડકરની ઉમેદવારી ચકાસવા માટે કેન્દ્રએ એક સભ્યની સમિતિની રચના કરી છે. પૂજા ખેડકર પર IASમાં પદ મેળવવા માટે વિકલાંગતા અને OBC અનામત ક્વોટાનો દુરુપયોગ કરવાનો આરોપ છે. કેન્દ્રએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ તપાસ અધિક સચિવ રેન્કના અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે. આ તપાસનો હેતુ 2023 બેચના અધિકારી ખેડકરની ઉમેદવારીના દાવાઓ અને અન્ય વિગતોની ચકાસણી કરવાનો રહેશે. કમિટી બે સપ્તાહમાં પોતાનો રિપોર્ટ આપશે. જ્યારે પૂજાને તેની તપાસ માટે રચવામાં આવેલી સમિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો. પૂજાએ કહ્યું હતું કે મને આ મામલે કંઈપણ કહેવાનો અધિકાર નથી. હું કમિટી સમક્ષ મારો પક્ષ રજૂ કરીશ. પૂજાએ UPSCને કહ્યું- હું માનસિક રીતે અક્ષમ છું
પૂજાએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ને આપેલા એફિડેવિટમાં દાવો કર્યો છે કે તે માનસિક રીતે અક્ષમ છે અને તેને જોવામાં પણ તકલીફ છે. મેડિકલ ટેસ્ટ આપવો જરૂરી હોવા છતાં તેણે 6 વખત મેડિકલ ટેસ્ટ આપવાની ના પાડી હતી. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂજાનો પહેલો મેડિકલ ટેસ્ટ એપ્રિલ 2022માં દિલ્હી AIIMSમાં થવાનો હતો. તેણે કોવિડ પોઝિટિવ હોવાનું જણાવી એમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. જોકે એ સ્પષ્ટ નથી કે જ્યારે પૂજાએ પરીક્ષામાં બેસવાની ના પાડી દીધી હતી, તો પછી સિલેક્શન કેમ અને કેવી રીતે થયું? પૂજા કરોડોની સંપત્તિની માલિક
UPSC સિલેક્શનમાં ગેરરીતિઓ ઉપરાંત 34 વર્ષની પૂજા ખેડકર તેની કરોડોની સંપત્તિના કારણે પણ ચર્ચામાં છે. પૂજા ખેડકર લગભગ 17-22 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. વર્ષ 2023માં જોડાતાં પહેલાં સરકારને આપેલી તેની સ્થાવર મિલકતની વિગતોમાં પૂજાએ જણાવ્યું કે તેણે 2015માં પુણેના મ્હાલુંગેમાં 2 પ્લોટ ખરીદ્યા હતા, જેમાં તેણે એક પ્લોટ 42 લાખ 25 હજાર રૂપિયામાં અને બીજો પ્લોટ 43 લાખ 50 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો. હાલમાં બંને પ્લોટની બજાર કિંમત રૂ. 6થી 8 કરોડની વચ્ચે છે. પૂજાએ 2018માં પુણેના ધાનેરી વિસ્તારમાં 4.74 હેક્ટર જમીન 20 લાખ 79 હજાર રૂપિયામાં ખરીદી હતી. એની વર્તમાન કિંમત 3થી 4 કરોડ રૂપિયા છે. પૂજાએ 2020માં કેંધવામાં 724 ચોરસ ફૂટનો ફ્લેટ 44 લાખ 90 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો, જેની કિંમત હાલમાં 75 લાખ રૂપિયા છે. મિલકતમાંથી દર વર્ષે રૂ. 45 લાખની આવક
NDTV અહેવાલ મુજબ, પૂજાના નામ પર અહમદનગરમાં ત્રણ પ્રોપર્ટી પણ છે, જેમાંથી તેની માતાએ તેને 2014માં બે જમીન ભેટમાં આપી હતી. એની કિંમત લગભગ 1.25 કરોડ રૂપિયા છે. પૂજાએ પોતે 2019માં સાવેદીમાં 20 લાખ 25 હજાર રૂપિયામાં જમીન ખરીદી હતી. હાલમાં એની કિંમત 45 લાખ રૂપિયા છે. આ તમામ 7 પ્રોપર્ટીમાંથી પૂજા દર વર્ષે 42 લાખ રૂપિયાની કમાણી કરી રહી છે. પૂજાના પિતા દિલીપ ખેડકરના નામે લગભગ 40 કરોડ રૂપિયાની સંપત્તિ છે. દિલીપ ખેડકર મહારાષ્ટ્ર સરકારના નિવૃત્ત વહીવટી અધિકારી છે. નિવૃત્તિ પછી તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને 2024માં અહમદનગર બેઠક પરથી બહુજન અઘાડીની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી, પરંતુ હારી ગયા. તે જે ઓડીમાં મુસાફરી કરે છે એના પર 26 હજાર રૂપિયાનું ચલણ બાકી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓડી કાર પર 26 હજાર રૂપિયાનો દંડ બાકી છે, જેના પર પૂજા ખેડકર તેની પોસ્ટિંગ દરમિયાન લાલ-વાદળી લાઇટ અને મહારાષ્ટ્ર સરકારના સ્ટિકર સાથે ફરતી હતી. 2022થી અત્યારસુધીમાં, ઓડી પાસે ટ્રાફિક નિયમોનો ભંગ કરવા માટે 21 ચલણ પેન્ડિંગ છે, જેમ કે હાઇ સ્પીડમાં ડ્રાઇવિંગ, સિગ્નલ તોડવું અને પોલીસ દ્વારા પૂછવામાં આવે ત્યારે રોકવાનો ઇનકાર કરવો. ઓડી કાર ખાનગી એન્જિનિયરિંગ કંપનીના નામે રજિસ્ટર્ડ છે. આરટીઓએ ગુરુવારે (11 જુલાઈ) એન્જિનિયરિંગ કંપનીને નોટિસ પાઠવી છે. એક RTO અધિકારીએ શુક્રવારે (12 જુલાઈ) જણાવ્યું હતું કે પુણે RTOએ પુણે સ્થિત એક પ્રાઈવેટ લિમિટેડ કંપનીને નોટિસ જારી કરી છે, જેના નામ પર MH-12/AR-7000 નંબરવાળી ઓડી રજીસ્ટર છે. નોટિસમાં કંપનીને ઓડી કારને તાત્કાલિક આરટીઓમાં તપાસ માટે રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.