ગીર સોમનાથ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક
ગીર સોમનાથ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક
------------------
આરોગ્ય વિભાગની ૨૭૩ ટીમ દ્વારા ૫૫૨૯ ઘરોમાં જંતુનાશક દવાનો છંટકાવ
--------------
ચાંદીપુરા વાયરસથી આવતા તાવ અંગેના લક્ષણો અને તેનાથી રક્ષણ માટેના ઉપાયો
----------------
ગીર સોમનાથ, તા.૨૨: રાજ્યના કેટલાક જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયેલા છે. જે સેન્ડ ફ્લાય દ્વારા ફેલાય છે. ૦ થી ૧૪ વર્ષના બાળકોમાં રોગપ્રતિકારક શકિત ઓછી હોવાના કારણે આ બીમારીની સંભાવના વધારે છે. આથી, બાળકો માટે જોખમી સેન્ડફ્લાયને ઓળખીને તેના વિષે જાગૃતિ કેળવવી જરૂરી છે.
ગીર સોમનાથ જિલ્લામાં વાઈરલ એનકેફાલાઈટીસ(ચાંદીપુરા) જિલ્લામાં કોઈ શંકાસ્પદ કેસ જોવા મળ્યો નથી તેમજ વાઈરલ એનકેફાલાઈટીસ (ચાંદીપુરા) ન ફેલાય તે માટે અગમચેતી અન્વયે જિલ્લાના તમામ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, મેડિકલ ઓફિસરશ્રી, કોમ્યુનીટી હેલ્થ ઓફિસરશ્રી, આરબીએસકે ડોક્ટરને રોગ વિષે માહિતગાર કરી પૂર્વતૈયારી/રોગ અટકાયત અને નિયંત્રણ અંગે અત્યાર સુધીમાં ૨૭૩ જેટલી ટીમ દ્વારા ૫૪૫ જાહેર સ્થળો તેમજ ૫૫૨૯ ઘરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.
સેન્ડફ્લાયની ઓળખ, રોગના લક્ષણ અને બચાવના ઉપાય
સેન્ડફલાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે. સેન્ડફલાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મુકે છે તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. આ સેન્ડફલાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે. સેન્ડફલાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તીરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઈંડા મુકે છે. ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં રહે છે.
સેન્ડફલાય ચાંદીપુરા અને કાલાઆઝાર જેવા રોગોના ફેલાવા માટે જવાબદાર છે. એક પ્રકારના વાઈરસને કારણે ચાંદીપુરમ વાઈરલ તાવ તેમજ કાલા આઝાર રોગ થાય છે. જેના ફેલાવા માટે સેન્ડફલાય જવાબદાર છે.
સેન્ડફલાયથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ રહે, સૂર્ય પ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી. ૧૪ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખો.
પ્રવર્તમાન પરિસ્થિતિમાં બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહીં. સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલ્ટી થવી, ખેંચ આવવી, અર્ધભાન કે બેભાન થવું વગેરે સેન્ડફ્લાયથી ફેલાતા ચાંદીપુરા તાવ રોગના લક્ષણો છે. કોઈ પણ બાળકમાં ઉપર જણાવેલા લક્ષણો દેખાતા દર્દીને દવાખાને સારવાર માટે તાત્કાલિક દાખલ કરવા અને લોકોને સાવચેત રહેવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
૦૦ ૦૦૦ ૦૦૦ ૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.