UPમાં 5 ડગલાં પછી કંઈ નહીં દેખાય:વન્ડરલેન્ડમાં ફેરવાયું હિમાચલ, -14º ડિગ્રી નોંધાયું તાપમાન; ગાઢ ધુમ્મસથી 200 ફ્લાઇટ મોડી, ટ્રેનના સમય ખોરવાયા
દેશના ઉત્તરીય રાજ્યોમાં તીવ્ર ઠંડીની અસર યથાવત્ છે. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા બાદ રાજ્યના 5 વિસ્તારોમાં તાપમાન માઈનસ પર પહોંચી ગયું છે. હિમાચલમાં તાબોનું લઘુતમ તાપમાન -14.7 ડિગ્રી, સામડોમાં -9.3 ડિગ્રી, કુકુમસાઈરીમાં -6.9 ડિગ્રી, કલ્પામાં -2 અને મનાલીમાં 2.8 ડિગ્રી નોંધાયું હતું. ઠંડી ઉપરાંત દેશનાં 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની અસર પણ જોવા મળી રહી છે. અમૃતસરનું એરપોર્ટ શૂન્ય વિઝિબિલિટીના કારણે બંધ કરી દેવામાં આવ્યું હતું. અહીં ફ્લાઈટ ઓપરેશન બંધ થઈ ગયું છે. શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટ પર 50 મીટર સુધી વિઝિબિલિટી પણ નોંધાઈ હતી. જેના કારણે સ્પાઈસ જેટ, ઈન્ડિગો અને એર ઈન્ડિયાની લગભગ 202 ફ્લાઈટને અસર થઈ હતી. ઉત્તર પ્રદેશમાં પણ 30 શહેરોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. આગ્રા રેલવે સ્ટેશન પર ટ્રેનો 7 કલાક મોડી પડી હતી. બુલંદશહેરમાં વિઝિબિલિટી ઘટીને 5 મીટર થઈ ગઈ હતી. તે જ સમયે, મધ્યપ્રદેશમાં ધુમ્મસને કારણે, ઘણી જગ્યાઓ પર 100 મીટર સુધી પણ જોવું મુશ્કેલ બન્યું હતું. ઉત્તર પ્રદેશના નોઈડામાં કડકડતી ઠંડી અને ધુમ્મસના કારણે શાળાઓ બંધ કરવામાં આવી હતી. પટનામાં શાળાઓનો સમય બદલાયો છે. રાજ્યોના હવામાનની તસવીરો... વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાશ્મીરમાં હિમવર્ષા ચાલુ રહેશે
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા, કુપવાડા, બારામુલ્લા અને અનંતનાગના ભાગોમાં ગુરુવારે ભારે હિમવર્ષા થઈ હતી. જ્યારે શ્રીનગર અને ગાંદરબલના મેદાની વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ હતી. ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામ અને ઝોજિલામાં પણ તાજી હિમવર્ષા થઈ છે. હવામાન વિભાગનું અનુમાન છે કે શુક્રવારે પણ કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે. 4થી 6 જાન્યુઆરી દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થઈ શકે છે. આ કારણે હિમવર્ષા ચાલુ રહી શકે છે. દિલ્હીમાં પાંચમા દિવસે તાપમાન સામાન્યથી નીચે રહેવાની ધારણા છે
દિલ્હીમાં શુક્રવારે સતત પાંચમા દિવસે તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની ધારણા છે. ગુરુવારે શહેરમાં મહત્તમ તાપમાન 16.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3.1 ડિગ્રી ઓછું હતું. તે જ સમયે, લઘુતમ તાપમાન 7.6 ડિગ્રી સેલ્સિયસ હતું. તેવી જ રીતે શુક્રવારે પણ તાપમાન 17°C અને 8°C રહેવાની ધારણા છે. આગામી 2 દિવસમાં કેવું રહેશે હવામાન... 4 જાન્યુઆરી: પૂર્વોત્તરમાં ધુમ્મસનું એલર્ટ, 4 રાજ્યમાં વરસાદની શક્યતા
નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસની સંભાવના છે.
પંજાબ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરીમાં વરસાદ પડી શકે છે.
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હિમવર્ષા થવાની સંભાવના છે. 5 જાન્યુઆરી: 3 રાજ્યમાં હિમવર્ષાનું એલર્ટ, પૂર્વોત્તરમાં ધુમ્મસનું એલર્ટ
આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ જોવા મળશે.
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાનું એલર્ટ. હિમાચલમાં પણ વીજળી પડી શકે છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઠંડા દિવસની સ્થિતિ રહેશે. અરુણાચલ પ્રદેશમાં ગ્રાઉન્ડ ફ્રોસ્ટની સ્થિતિ જોવા મળશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.