આજે કલમ 370 હટાવવાના 5 વર્ષ પૂર્ણ:મહેબૂબાનો દાવો- મને નજરકેદ કરવામાં આવી હતી; જમ્મુથી અમરનાથ યાત્રા એક દિવસ માટે રોકી દેવામાં આવી
આજે (5 ઓગસ્ટ) જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને 5 વર્ષ થઈ ગયા છે. 2019 માં આ દિવસે, જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી. તેમજ રાજ્યને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. કલમ 370 નાબૂદ કરવાની 5મી વર્ષગાંઠ પર સુરક્ષા દળોને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાનો ભય છે. જેના કારણે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. દરમિયાન, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ દાવો કર્યો હતો કે તેમને નજરકેદ રાખવામાં આવ્યા છે. પાર્ટી કાર્યાલય પણ બંધ કરી દેવામાં આવ્યું છે. સુરક્ષાના કારણોસર અમરનાથ યાત્રાને પણ એક દિવસ માટે રોકી દેવામાં આવી છે. જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રીઓના કોઈ જથ્થાને કાશ્મીર જવાની મંજૂરી આપવામાં આવી નથી. આ વર્ષે અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થઈ હતી અને 19 ઓગસ્ટ સુધી ચાલશે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષામાં વધારો, આજે શાળાઓ બંધ
સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં આજે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આવતા-જતા દરેક વ્યક્તિ પર નજર રાખવામાં આવી રહી છે. વિવિધ સ્થળોએ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ પોલીસે તમામ સુરક્ષા એજન્સીઓને સુરક્ષા કાફલાની અવરજવર ટાળવા સૂચના આપી છે. આતંકવાદી ખતરાને કારણે અખનૂરના બટાલ વિસ્તારમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. પક્ષોના કાર્યાલયો બંધ, દાવો- નેતાઓને નજરકેદ
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ઉપરાંત અલ્તાફ બુખારીની 'અપની પાર્ટી' ઓફિસને પણ સાવચેતીના પગલારૂપે આજ માટે બંધ કરી દેવામાં આવી છે. તે જ સમયે નેશનલ કોન્ફરન્સના મુખ્ય પ્રવક્તા તનવીર સાદિકે દાવો કર્યો કે, તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, 5 ઓગસ્ટ, 2019ના રોજ ભાજપે જમ્મુ-કાશ્મીરની જનતા સાથે દગો કર્યો. બંધારણની અવગણના કરીને ભાજપે જમ્મુ-કાશ્મીર સાથેના બંધારણીય, નૈતિક અને કાયદાકીય સંબંધોને નબળા પાડ્યા છે. PM મોદી- અમારી સરકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે કામ કરવાનું ચાલુ રાખશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'X' પોસ્ટમાં લખ્યું કે, આજે આપણે કલમ 370 અને 35A નાબૂદીના 5 વર્ષ પૂરા થયાની ઉજવણી કરી રહ્યા છીએ. આપણા દેશ માટે આ એક ઐતિહાસિક ક્ષણ હતી. આ નિર્ણય જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની પ્રગતિ અને સમૃદ્ધિના નવા યુગની શરૂઆત હતી. તેમણે આગળ કહ્યું કે, હું જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને ખાતરી આપું છું કે અમારી સરકાર તેમના માટે કામ કરવાનું ચાલુ રાખશે અને આવનારા સમયમાં તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરશે. ખડગેએ કહ્યું- ભાજપની નીતિ કાશ્મીરિયતનું સન્માન કરતી નથી
જમ્મુ-કાશ્મીરમાંથી કલમો હટાવવા અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પર ભાજપની નીતિ ન તો કાશ્મીરિયતનું સન્માન કરે છે અને ન તો લોકશાહીનું જતન કરે છે. તેમણે કહ્યું કે, કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં બેરોજગારી અને આતંકવાદી ઘટનાઓ વધી છે. જમ્મુ-કાશ્મીર કોંગ્રેસે 5 ઓગસ્ટને જમ્મુ-કાશ્મીર માટે કાળો દિવસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ જ દિવસે ભાજપે અમારું રાજ્યનો દરજ્જો છીનવી લીધો. બીજી તરફ ભાજપની જમ્મુ-કાશ્મીર એકમ આજે એકાત્મ મહોત્સવ રેલીનું આયોજન કરી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાશે
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી 2014માં યોજાઈ હતી. જો કે, 2018 માં, ભાજપ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીની ગઠબંધન સરકાર પડી ગઈ કારણ કે ભાજપે પીડીપી સાથે ગઠબંધન તોડી નાખ્યું. ત્યારથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છે. ડિસેમ્બર 2023 માં, જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જા સાથે સંબંધિત કલમ 370 સંબંધિત એક અરજી પર સુનાવણી કરતી વખતે, કેન્દ્રશાસિત પ્રદેશમાં 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં ચૂંટણી યોજવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરને જલ્દી રાજ્યનો દરજ્જો પાછો આપવામાં આવે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ચૂંટણી પંચ આગામી સપ્તાહમાં જમ્મુ-કાશ્મીરની મુલાકાત લઈ શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.