બ્રાન્ડેડ કંપનીના ડૂપ્લિકેટ વોલેટ અને બેલ્ટ વેચતા ત્રણ વેપારી પકડાયા
વડોદરા, લિવાઇસ કંપનીના ડૂપ્લિકેટ વોલેટ અને બેલ્ટ વેચતા મંગળ બજારના ત્રણ વેપારીની દુકાનમાં પોલીસે રેડ પાડીને ૯૩ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.અલગ - અલગ બ્રાન્ડેડ કંપનીના હક્કોના રક્ષણ માટે ફરિયાદ કરવાનું કામ કરતી કંપનીના એક્ઝિક્યુટિવ મેહુલ ધોલેએ પોલીસને જણાવ્યું હતું કે,અમને જાણ થઇ હતી કે,મંગળ બજાર મુન્શીના ખાંચામાં આવેલ ભાભા લેધર સ્ટોર તથા આર.જી.ચેમ્બરમાં આવેલી નોવેલ્ટી બેલ્ટ સેન્ટર તથા સુરતી ટોપીવાલાના ખાંચા સાનિયા કોમ્પલેક્સની ઝેડડીએસ કલેક્શન નામની દુકાનમાં લિવાઇસ કંપનીના ટ્રેડમાર્કના કોપીરાઇટનો ભંગ થાય છે.જેથી,સિટિ પોલીસ સ્ટેશનમાં આવી અરજી કરતા પી.આઇ.દ્વારા તેમના સ્ટાફને અમારી સાથે મોકલી આપવામાં આવ્યો હતો.ભાભા લેધરની દુકાનમાં કેશ કાઉન્ટર પર દિલીપ પોકળદાસ ઉત્તમચંદાણી (રહે.આનંદવન સોસાયટી, સમા) બેસેલા હતા.તેમની પાસેથી લિવાઇસ કંપનીના ડૂપ્લિકેટ વોલેટ નંગ ૨૪૨ તથા બેલ્ટ નંગ ૭૪ મળી આવ્યા હતા.ત્યારબાદ નોવેલ્ટી બેલ્ટ સેન્ટર નામની દુકાનમાં તપાસ કરતા દુકાનમાં મયુદ્દીન રજાકભાઇ મેમણ (રહે.મેમણ કોલોની, આજવારોડ) હાજર હતા.તે દુકાનમાંથી લિવાઇસ કંપનીના ૩૬ વોલેટ અને ૧૩૨ બેલ્ટ મળી આવ્યા હતા.ત્રીજી દુકાન ઝેડ.ડી.એસ.માં સિરાજઅહેમદ તુફૈલઅહેમદ અનસારી (રહે.તાઇફ નગર, તાંદલજા) મળી આવ્યો હતો.તે દુકાનમાંથી ૧૩૫ વોલેટ અને ૧૮૩ બેલ્ટ મળી આવ્યા હતા.પોલીસે કુલ ૯૩,૬૭૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે લઇ ત્રણેય દુકાનદારો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.