રાજસ્થાનના ખાટૂશ્યામ મંદિરમાં નાસભાગ થતા ત્રણ શ્રદ્ધાળુનાં મોત
- સીકરના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા દુર્ઘટના- મંદિરના દ્વાર ખુલતા જ એક સાથે લોકોએ પ્રવેશવા ધક્કામુકી કરતા નાસભાગ થઇ હતીજયપુર : રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ ખાટૂ શ્યામ મંદિરના દ્વાર ખુલતા જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. જોકે આ દરમિયાન ભાગદોડ થતા ત્રણ મહિલા શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થઇ ગયા છે. સ્થિતિ કાબુ બહાર જતા પોલીસની મદદ લેવામાં આવી હતી. સવારે પાંચ વાગ્યે મંદિરના પ્રવેશ દ્વાર ખોલવામાં આવ્યા હતા, જે સાથે જ અગાઉથી જ જમા થયેલી ભીડ મંદિરમાં એક સાથે પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. ભીડ એટલી વધુ હતી કે ટુંક સમયમાં જ નાસભાગ મચી ગઇ હતી. જે શ્રદ્ધાળુઓ નીચે પડી ગયા હતા તેઓને ધક્કામુક્કીમાં અન્ય શ્રદ્ધાળુઓએ કચડી નાખ્યા હતા. જેને પગલે ત્રણ મહિલાઓના મોત નિપજ્યા હતા. પોલીસ અને મંદિરના ગાર્ડ દ્વારા જેમતેમ સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ થયો હતો. જ્યારે જે લોકો આ ભાગદોડમાં ઘવાયા છે તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા છે. જે લોકો માર્યા ગયા છે તેમની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે કોરોનાકાળ બાદ હવે ખાટૂશ્યામમાં મેળો યોજાય છે. જેને પગલે શ્રદ્ધાળુઓની સંખ્યા પણ લાખોમાં હોય છે. જોકે મંદિરનો ક્ષેત્રફળ ઓછો હોવાને કારણે દર્શન માટે પુરતી સુવિધા નથી. જેથી અવાર નવાર અહીંયા શ્રદ્ધાળુઓમાં નાસભાગની ઘટના બનતી હોય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.