ગેસ રીફિલિંગનું નેટવર્ક પકડાયું : ટેમ્પા ડ્રાઇવર સહિત ત્રણની ધરપકડ - At This Time

ગેસ રીફિલિંગનું નેટવર્ક પકડાયું : ટેમ્પા ડ્રાઇવર સહિત ત્રણની ધરપકડ


 વડોદરા,મહાલક્ષ્મી ગેસ એજન્સીમાંથી ગ્રાહકોને ગેસ બોટલની ડિલિવરી કરવા માટે નીકળેલા ટેમ્પા ડ્રાઇવર દ્વારા રસ્તામાં જ ટેમ્પામાંથી ગેસ બોટલમાંથી ગેસ કાઢી ખાલી બોટલમાં ભરવામાં આવતો હતો.ગોત્રી પોલીસે ત્રણ આરોપીને  ઝડપી પાડી ૨.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ આજે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન માહિતી મળી હતી કે,ગોત્રી રોડ ઓસિયા મોલની પાછળ સોમનાથ ડૂપ્લેક્સ  પાસે રોડ પર એક થ્રી વ્હીલ ટેમ્પોમાં ગેસ  ચોરી કરવામાં આવી રહી છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે  જઇને તપાસ કરતા ટેમ્પો મળી આવ્યો હતો.ટેમ્પામાં ભરેલા ઘરેલુ ગેસના બોટલમાં  પાઇપ લગાવીને ખાલી બોટલ ભરવામાં આવી રહ્યા હતા.પોલીસે સ્થળ પરથી (૧) સચિન  રાજેશભાઇ ઠાકોર (રહે.માધવચોક,મહાકાળી સોસાયટીની બાજુમાં, આજવારોડ) (૨) અર્જુન ફૂલાસીંગભાઇ ઝાલા (રહે.હુસેની ચોક, કિશનવાડી) તથા (૩) નિકીનકુમાર પ્રફુલ્લભાઇ બારિયા (રહે.કમલકુંજ સોસાયટી,નિઝામપુરા)ને ઝડપી પાડયા હતા.પોલીસે સ્થળ પરથી ગેસના ૨૫ બોટલ,થ્રી વ્હીલ ટેમ્પો,ત્રણ મોબાઇલ ફોન મળીને કુલ  રૃપિયા ૨.૧૯ લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સચિન મુખ્ય સૂત્રધાર છે.અને તે લક્ષ્મીપુરા પાસે કુણાલ ચાર રસ્તા પાસે આવેલી મહાલક્ષ્મી ગેસ એજન્સીમાંથી  ગેસના બોટલ લઇને ડિલિવરી કરવા માટે નીકળ્યો હતો.આરોપીઓ કેટલા સમયથી ધંધો કરતા હતા ? ગેસના બોટલ કોને કેટલા ભાવમાં વેચતા હતા ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.