પાણીના એક-એક ટીપા માટે તરસતું દિલ્હી પાણીમાં, VIDEO:લાંબો ટ્રાફિકજામ, ગાડીઓ ડૂબી, પાવર કટ; સાંસદના બંગલામાં પાણી ઘૂસતાં જ સ્ટાફે ઊંચકીને બહાર કાઢ્યા
પાણીના એક-એક ટીપા માટે તરસતા દિલ્હીમાં આજે પાણી જ પાણી છે. દિલ્હીવાસીઓને એક તરફ ગરમીમાંથી રાહત મળી રહી છે તો બીજી તરફ ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ કફોડી બની છે. લ્યુટિયન્સ દિલ્હીનો વિસ્તાર, જ્યાં સાંસદો, મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ રહે છે, એ પણ પાણીમાં ડૂબી ગયો છે. દિલ્હીમાં શુક્રવારે સવારે 3 વાગ્યાથી શરૂ થયેલો ભારે વરસાદ લગભગ સાડાત્રણ કલાક સુધી ચાલુ રહ્યો હતો, જેના કારણે સમગ્ર દિલ્હી-એનસીઆરની હાલત ખરાબ થઈ ગઈ હતી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે સાંસદના ઘરમાં પાણી ઘૂસતાં તેમને ઊંચકીને બહાર કાઢવામાં આવ્યા હતા. સ્ટોરીને અંતે જુઓ ડરામણી તસવીરો... જ્યાં જુઓ ત્યાં પાણી, રસ્તાઓના ખરાબ હાલ
ચોમાસાના પહેલા જ વરસાદે દિલ્હી NCRની ડ્રેનેજ સિસ્ટમનો પર્દાફાશ કર્યો. દરેક જગ્યાએ પાણી ભરાયાં છે. દિલ્હી-એનસીઆર હાલમાં વહેલી સવારના વરસાદ બાદ ટ્રાફિકજામનો સામનો કરી રહ્યું છે. લોકો પાણીમાં ફસાયા છે, જોકે આ વરસાદની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે, પરંતુ જે રીતે વરસાદ વરસ્યો છે એ જોતાં લોકો કહી રહ્યા છે કે વરસાદે તો હદ વટાવી. અનેક વિસ્તારોમાં પાવર કટની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સપા નેતાના ઘરમાં પાણી ઘૂસ્યું, ઊંચકીને કાર સુધી લઈ જવાયા
શુક્રવારે સવારે દિલ્હી-NCRમાં ભારે વરસાદ થયો હતો. આ વરસાદને કારણે દિલ્હીના પોશ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. લ્યુટિયન્સ દિલ્હીનો વિસ્તાર, જ્યાં સાંસદો, મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ રહે છે, એ પણ પાણીમાં ડૂબી ગયો છે. સ્થિતિ એવી હતી કે સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવને તેમના સ્ટાફે ઊઁચકીને ગાડીમાં બેસાડ્યા હતા. જ્યારે મીડિયાએ તેમને આ બાબતે પૂછ્યું તો તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા. રામ ગોપાલ યાદવે કહ્યું હતું કે આમાં NDMCની ભૂલ છે. જૂના કર્મચારીઓ જાણે છે કે ક્યાં પાણી ભરાય છે. સપા નેતાએ કહ્યું, 'વરસાદ પહેલાં સફાઈ કરવામાં આવે તો કોઈ સમસ્યા ન થાય. સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદે કહ્યું હતું કે આ વિસ્તારમાં સાંસદો, મંત્રીઓ અહીં રહે છે. ગૃહરાજ્ય મંત્રી પણ અહીં રહે છે, જેમના હેઠળ NDMC આવે છે. આ પછી પણ આ જગ્યાની સફાઈ કરવામાં આવી નથી. રામ ગોપાલ યાદવે કહ્યું હતું કે મારા ઘરમાં પાણી ઘૂસી ગયું. હવે પંપથી પાણી કાઢવું પડશે. 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
દિલ્હી અને NCRના વરસાદે હદ પાર કરી હોય એવું લાગી રહ્યું. વરસાદ એટલો પડ્યો કે તેણે 88 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે, લોકો ટ્રાફિકજામમાં અટવાઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ દેખાઈ રહ્યું છે. દિલ્હીમાં વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિની તસવીરો તમારી સામે છે. આ તસવીરો દર્શાવે છે કે કેવી રીતે વરસાદે દિલ્હીમાં જબરદસ્ત એન્ટ્રી કરી છે. હવામાન વિભાગના ડેટા અનુસાર, દિલ્હીમાં ગુરુવારે સવારે 8.30 વાગ્યાથી શુક્રવારે સવારે 8.30 વાગ્યા સુધી 228 મિમી વરસાદ નોંધાયો છે. 1936 પછી જૂન મહિનામાં 24 કલાકમાં આ સૌથી વધુ વરસાદ છે. એ વર્ષે 28 જૂને 235.5 મિમી વરસાદ થયો હતો. સમગ્ર જૂન મહિનામાં દિલ્હીમાં સરેરાશ 80.6 મિમી વરસાદ પડે છે. દિલ્હીમાં વરસાદથી ગરમી અને ભેજથી રાહત મળી હતી, પરંતુ ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાણી ભરાવાનો સામનો કરી રહેલા દિલ્હીના ઈન્ડિયા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1ની છત પડી ગઈ છે. આ અકસ્માતમાં એકનું મોત થયું હતું. અનેક લોકો ઘાયલ છે. ડરામણી તસવીરો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.