આ ચૂંટણીઓ દુનિયાનું ભવિષ્ય નક્કી કરશે:બાઇડન, સુનક, મેક્રોનનું શું થશે?, ઈરાનમાં કટ્ટરવાદી નહીં, ઉદારવાદી નેતા મજબૂત, અમેરિકાના પરિણામની ભારતમાં શું અસર... - At This Time

આ ચૂંટણીઓ દુનિયાનું ભવિષ્ય નક્કી કરશે:બાઇડન, સુનક, મેક્રોનનું શું થશે?, ઈરાનમાં કટ્ટરવાદી નહીં, ઉદારવાદી નેતા મજબૂત, અમેરિકાના પરિણામની ભારતમાં શું અસર…


આખી દુનિયામાં લગભગ 70 દેશોમાં વર્ષ 2024માં ચૂંટણી યોજાઈ રહી છે. આ વર્ષને ચૂંટણીનું વર્ષ પણ કહેવામાં આવી રહ્યું છે, ક્યાંક ચૂંટણી યોજાઈ ગઇ છે તો ક્યાંક ચાલી રહી છે. નિષ્ણાતો માને છે કે આ વર્ષ વિશ્વમાં ઘણા ફેરફારો લાવશે, કારણ કે વિશ્વમાં પોતાનો પ્રભાવ ધરાવતા મોટા દેશોમાં પણ આ વર્ષે ચૂંટણી છે અને ત્યાંનો રાજકીય પરિપ્રેક્ષ્ય બદલાઈ રહ્યો છે. મતદાનની દૃષ્ટિએ વિશ્વની સૌથી મોટી ચૂંટણી ગણાતી ભારત અને યુરોપિયન યુનિયનની ચૂંટણી પણ આ વર્ષે યોજાઈ હતી. જ્યાં યુરોપિયન યુનિયનમાં સેન્ટરિસ્ટ પાર્ટીઓના હાથમાંથી સત્તા રાઇટ વિંગ પાર્ટીઓ પાસે આવી, જ્યાં ભારતમાં વડાપ્રધાન મોદી સતત ત્રીજીવાર સત્તામાં આવ્યા. અમેરિકામાં જો બાઇડન, ફ્રાન્સમાં મેક્રોન તો બ્રિટનમાં સુનક જેવા મોટા નેતાઓના હાથમાંથી સત્તા જશે એવી અટકળો લગાવવામાં આવી રહી છે. જો આ પરિવર્તન થશે તો સમગ્ર વિશ્વના ભવિષ્ય પર તેની અસર જોવા મળશે. તો આ તરફ ઈરાનમાં પણ લોકો હવે કટ્ટરવાદી નેતાઓને છોડીને ઉદારવાદી નેતાઓની તરફ જઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં વીટો પાવર ધરાવતા દેશો અમેરિકા, બ્રિટન અને ફ્રાંસમાં પણ આ વર્ષે ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણી પહેલા સામે આવેલા ઓપિનિયન પોલ અને સર્વેથી સ્પષ્ટ છે કે અહીંના રાજકારણમાં બદલાવ આવવાનો છે. આ પરિવર્તન પર બધાની નજર એટલે પણ છે કે આ દેશોનું નેતૃત્વ સમગ્ર વિશ્વમાં વેપાર, યુદ્ધ, ઇમિગ્રેશન, માનવ સહાય વગેરે જેવા મુદ્દાઓને પ્રભાવિત કરે છે. આ દેશોને પડકારનાર ઈરાનમાં પણ ચૂંટણી યોજાઈ રહી છે, અને ત્યાંનું વાતાવરણ પણ બદલાયેલું જોવા મળી રહ્યું છે. ધાર્મિક કટ્ટરતા અને મહિલા વિરોધી કાયદાઓ સામે ઝઝૂમી રહેલી ઈરાનની જનતા પણ આ વર્ષે સરકાર બદલવાના મૂડમાં હોવાનું જણાય છે. અમેરિકા અને ફ્રાન્સમાં દક્ષિણપંથીઓનું વર્ચસ્વ
2020માં ટ્રમ્પને હરાવીને જો બાઇડને અમેરિકામાં સત્તા સંભાળી હતી. તે સમયે અફઘાનિસ્તાનમાંથી સેનાને પરત બોલાવવી અને કોરોનાકાળમાં ખરાબ વ્યવસ્થાપન મહત્વપૂર્ણ મુદ્દાઓ બની ગયા હતા. ચૂંટણી વર્ષમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2 લાખને પાર પહોંચી ગયો હતો અને લગભગ 90 લાખ લોકો કોરોનાનો શિકાર બન્યા હતા. આ સમયગાળા દરમિયાન નોકરીઓ ગુમાવવી અને મોંઘવારી પણ ટ્રમ્પની હારનું કારણ બની હતી. ટ્રમ્પે બાઇડન પર લીડ બનાવી
અમેરિકામાં આ વર્ષે જો બાઇડનની વધતી ઉંમર અને ગાઝા, યુક્રેન યુદ્ધમાં તેમની નિષ્ફળતા ટ્રમ્પ માટે અનુકૂળ સાબિત થઈ રહી છે. તાજેતરના વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) ના અહેવાલમાં જણાવાયું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ રાષ્ટ્રપતિની ચર્ચા પછી બાઇડન પર લીડ બનાવી લીધી છે. સર્વેમાં ભાગ લેનારા 80 ટકા લોકોનું માનવું છે કે બાઇડન તેમની ઉંમરને કારણે દેશનું નેતૃત્વ કરવા સક્ષમ નથી. ટ્રમ્પને એક દક્ષિણપંથી વિચારસરણીના નેતા કહેવામાં આવે છે જે ઇમિગ્રન્ટ્સ પ્રત્યે કડક વલણ અપનાવે છે. તેમને આ ચૂંટણીમાં અમેરિકાનું નેતૃત્વ કરવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. અમેરિકામાં 28 જૂન, 2024એ રાષ્ટ્રપતિ જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રથમ રાષ્ટ્રપતિની ડિબેટ થઈ હતી. ડેમોક્રેટિક પાર્ટી તરફથી પોતાને યોગ્ય રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સાબિત કરવા માટે 81 વર્ષનાં બાઇડન માટે આ શ્રેષ્ઠ તક હતી. જોકે, 75 મિનિટની ડિબેટ બાદ અમેરિકાના સૌથી મોટા મીડિયા હાઉસ પૈકીના એક ન્યૂયોર્ક ટાઈમ્સ, વોશિંગ્ટન પોસ્ટ અને ડિબેટનું આયોજન કરનાર CNNએ ટ્રમ્પને વિજેતા જાહેર કર્યા હતા. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, ડિબેટ દરમિયાન બાઇડન વારંવાર તેમના ભાષણ દરમિયાન અટકી રહ્યા હતા, સતત ઉધરસ ખાતા હતા અને ટ્રમ્પના આરોપોનો જવાબ આપવામાં અસમર્થ હતા. ડેમોક્રેટિક પાર્ટીના નેતાએ કહ્યું- બાઇડન અમને ચૂંટણી નહીં જીતાડી શકે
ડેમોક્રેટિક પાર્ટીના એક વ્યૂહરચનાકારે સોશિયલ મીડિયા પર લખ્યું, "બાઇડનને પદ પરથી હટાવવા માટે પાર્ટીમાં અવાજો વધુ ઊંચા થવા જઈ રહ્યા છે. અત્યાર સુધી તેઓ પાર્ટીના પસંદીદા નેતા હતા, પરંતુ હવે આ બદલાવા જઈ રહ્યું છે." અન્ય એક કાર્યકર્તાએ કહ્યું, "પાર્ટીનું લક્ષ્ય ચૂંટણી જીતવાનું છે, પરંતુ જે વ્યક્તિ આજે ટ્રમ્પ સાથે મંચ પર હાજર હતા તે અમને આ જીત અપાવી શકશે નહીં." માર્ક બ્યુલે, જેઓ બાઇડન અને ડેમોક્રેટિક પાર્ટીને જંગી દાન આપ્યું છે તેમણે કહ્યું કે, બાઇડને ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે શું તે આ પદ માટે શ્રેષ્ઠ પસંદગી છે? શું પક્ષ પાસે હજુ પણ કોઈ બીજાને નોમિનેટ કરવાનો સમય બચ્યો છે? ખોટા તથ્યો હોવા છતાં, ટ્રમ્પ બાઇડન કરતાં વધુ મજબૂત ઉમેદવાર
અલગ-અલગ મુદ્દાઓ પર વાત કરતી વખતે ટ્રમ્પ પણ ખોટું બોલ્યા. જો કે, બાઇડન આના પર તેમને કોર્નર કરી શક્યા નહીં. ગર્ભપાતના મુદ્દે રિપબ્લિકન પાર્ટીના વલણની દેશભરમાં ટીકા થઈ રહી છે. બાઇડન માટે ડિબેટમાં પોતાને મજબૂત સાબિત કરવાની આ એક મહત્વપૂર્ણ તક હતી. આમ છતાં તેમણે ટ્રમ્પને કાઉન્ટર કરવા માટે કંઈ ખાસ કહ્યું નહીં. અલજઝીરા અનુસાર, ટ્રમ્પ ઘણા મુદ્દાઓ પર પ્રશ્નોના જવાબ આપવાને બદલે માત્ર બાઇડનને ટોણો મારતા જોવા મળ્યા હતા. તેમણે સતત બાઇડનની નબળાઈ અને ડરને નિશાન બનાવ્યો. જ્યારે બાઇડન તેમને અસરકારક જવાબ આપવામાં નિષ્ફળ ગયા. ફ્રાન્સમાં રાઇટ વિંગને રોકવા ગઠબંધન ફ્રાન્સમાં પ્રથમ રાઉન્ડના મતદાન બાદ જમણેરી પાર્ટી નેશનલ રેલીએ લીડ બનાવી લીધી છે. બીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ જમણેરી પક્ષને ફ્રાન્સના લોકોએ આટલો પસંદ કર્યો હોય. નેશનલ રેલી પાર્ટી 33.1 વોટ સાથે પ્રથમ ક્રમે રહી હતી. જ્યારે ડાબેરી ગઠબંધનને 28 ટકા વોટ મળ્યા અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની પાર્ટી 20.7 ટકા વોટ સાથે ત્રીજા ક્રમે છે. પરંતુ પ્રથમ રાઉન્ડમાં કોઈપણ પક્ષને 50 ટકા મત ન મળતાં આ ચૂંટણી બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. રવિવાર 7 જુલાઇએ બીજા તબક્કાનું મતદાન યોજાનાર છે અને જમણેરી ઉમેદવારોને રોકવા માટે અત્યારથી જ સોગઠા ગોઠવાનું શરૂ થઇ ગયું છે. લે પેનની જમણેરી પાર્ટી નેશનલ રેલી ઇમિગ્રન્ટ વિરોધી અને ઇસ્લામોફોબિક નીતિઓને સમર્થન કરે છે. નેશનલ રેલીને રોકવા માટે મેક્રોનની સેન્ટરિસ્ટ પાર્ટી અને 10 લેફ્ટ પાર્ટીઓનું ગઠબંધન ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ (NFP) એકસાથે આવ્યા છે. રન-ઓફ રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ પહેલા મંગળવારે સેન્ટરિસ્ટ પાર્ટી અને લેફ્ટ પાર્ટીના ઘણા ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે. આવું દક્ષિણપંથી પક્ષની જીત પર પૂર્ણવિરામ મૂકવા માટે કરવામાં આવ્યું છે. ગઠબંધનથી રોકાશે રાઇટ વિંગ?
યુરોપીયન ચૂંટણીમાં તેમના પક્ષની હાર બાદ મેક્રોને જૂનમાં સંસદીય ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. પરંતુ તેમનું આ પગલું તેમના માટે મોંઘુ સાબિત થયું છે અને યુરોપિયન યુનિયનની ચૂંટણી બાદ ફ્રાન્સની સંસદીય ચૂંટણીમાં પણ જમણેરી પક્ષ નેશનલ રેલીએ તેમને પાછળ છોડી દીધા છે. નેશનલ રેલીના વડા લે પેને મંગળવારે કહ્યું કે જો પાર્ટીને પૂર્ણ બહુમતી ન મળે તો પણ તે સરકાર બનાવવાનો પ્રયાસ કરશે. તમને જણાવી દઈએ કે ફ્રાન્સની 577 સીટોવાળી નેશનલ એસેમ્બલીમાં પૂર્ણ બહુમતી માટે 289 સીટોની જરૂર છે. મેક્રોનની સેન્ટરિસ્ટ પાર્ટી અને ડાબેરી ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ આશા રાખી રહ્યા છે કે એકસાથે આવીને તેઓ જમણેરી પક્ષને રોકશે. રાષ્ટ્રપતિ મેક્રોને નેશનલ રેલીને સત્તામાં આવવાથી રોકવા માટે મંગળવારે એલિસી પેલેસમાં મંત્રીઓ સાથે બેઠક યોજી. આ બેઠકમાં ડાબેરી પક્ષોના નેતાઓએ પણ ભાગ લીધો હતો. એલએફઆઈના નેતા ફ્રાન્કોઈસ રફિને બેઠક બાદ કહ્યું કે અમારો એકમાત્ર ઉદ્દેશ્ય નેશનલ રેલીને પૂર્ણ બહુમતી સાથે રોકવાનો છે અને અમે આ અંગે એકતા ધરાવીએ છીએ. સેન્ટરિસ્ટ પાર્ટી અને ડાબેરી પક્ષોના ગઠબંધન પછી જે સીટો પર ચૂંટણી ત્રિકોણીય હતી હવે તે સીટોના રન-ઓફ રાઉન્ડમાં બે જ ઉમેદવાર એકબીજા સામે ટકરાશે. ફ્રાન્સમાં કેવી રીતે ચાલે છે સરકાર?
ફ્રાન્સમાં દ્વિસ્તરીય સરકારી વ્યવસ્થા છે. અહીં સરકારના વડા વડાપ્રધાન છે. દેશના વડા રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બંને સીધી જનતા દ્વારા ચૂંટાય છે. બંનેની સત્તા અને જવાબદારી વહેંચાયેલી છે. આ સંસદીય ચૂંટણીમાં જે પક્ષ અથવા ગઠબંધન 50 ટકાથી વધુ બેઠકો મેળવશે તે સરકાર બનાવશે અને તેના નેતાને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બનાવવામાં આવશે. દેશના મહત્વના નિર્ણયો રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બંને એકસાથે લેતા હોય છે. બ્રિટન લેફ્ટ તરફ, તો ઈરાનમાં ઉદારવાદી આગળ
યુરોપિયન યુનિયનમાં પોતાનું વર્ચસ્વ ધરાવતા બ્રિટનમાં પણ આ વખતે ઉલટફેર થતો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પહેલા Mygovના ઓપિનિયન પોલમાં સામે આવ્યું છે કે ભારતીય મૂળના પીએમ ઋષિ સુનકથી ન તો ભારતીય સમુદાય ખુશ છે અને ન તો સ્થાનિક લોકો ખુશ છે. તે જ સમયે, ડાબેરી વિચારો ધરાવતા કેર સ્ટાર્મર આ ચૂંટણીમાં જનતાને ખૂબ પસંદ આવી રહ્યા છે અને લેબર પાર્ટી લગભગ 14 વર્ષ પછી સત્તામાં પરત ફરતી જોવા મળી રહી છે. ઋષિ ગોરાઓને ખુશ કરવા માટે બ્રિટનમાં 'રવાન્ડા પ્લાન' લાવ્યા હતા, જેના કારણે બ્રિટનમાં ઇમિગ્રન્ટ્સનું રહેવું મુશ્કેલ બન્યું છે. તેમની આ યોજનાથી ગોરા લોકો એટલા ખુશ ન થયા, પરંતુ તેમના એશિયન મતદારો પણ તેમની વિરુદ્ધ થઈ ગયા છે. કેર સ્ટાર્મરને ગોરા અને એશિયનો બંને તરફથી ઘણુ સમર્થન મળી રહ્યું છે. ઋષિ સુનક પહેલીવાર વડાપ્રધાન તરીકે જનતાની સામે છે, તેમને કન્ઝર્વેટિવ પાર્ટીના પીએમ બોરિસ જોન્સનના રાજીનામા બાદ 2022માં વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં દરેકની નજર ભારતીય મૂળના મતદારો પર છે, કારણ કે ઋષિ સુનક પોતે ભારતીય મૂળના છે અને આ વખતે ભારતીય મૂળના 106 સાંસદ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. એક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય મૂળના 65 ટકા મતદારો સુનકની વિરુદ્ધ છે. આ ચૂંટણી પહેલા થયેલા લગભગ તમામ સર્વેમાં કન્ઝર્વેટિવ પાર્ટીને હારતા દેખાડવામાં આવી છે. એવું અનુમાન છે કે ડાબેરી વિચારસરણીવાળી લેબર પાર્ટી 14 વર્ષ પછી સત્તામાં વાપસી કરવા જઈ રહી છે. સેન્ટ્રલ રાઇટ કન્ઝર્વેટિવ પાર્ટીએ 2010માં બ્રિટનમાં સત્તા કબજે કરી હતી. તે સમયે બ્રિટન મંદીનો સામનો કરી રહ્યું હતું અને ઈરાક-અફઘાનિસ્તાન યુદ્ધમાં બ્રિટનની ભૂમિકાને લઈને તત્કાલીન વડાપ્રધાન ગોર્ડન બ્રાઉન સામે લોકોમાં ભારે રોષ હતો. ઋષિ સુનક પ્રત્યે લોકોના ગુસ્સાનું કારણ વધતી મોંઘવારી માનવામાં આવી રહી છે. બ્રિટનની અર્થવ્યવસ્થા પતનના સમયગાળામાંથી પસાર થઈ રહી છે અને ટેક્સમાં વધારો થયો છે. સાથે જ સુનકે વિઝા અને ઈમિગ્રેશનના નિયમોને પણ જટિલ બનાવ્યા છે જેના કારણે ભારતીય સમુદાય અને એશિયાના લોકો પણ તેમની વિરુદ્ધ ઉભા છે. બ્રિટનમાં લગભગ 25 લાખ ભારતીય મતદારો છે. નારાજગીનો અહેસાસ થતા ચૂંટણી પહેલા વડાપ્રધાન ઋષિ સુનક અને તેમના પત્ની લંડનના સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા. દર્શન બાદ તેમણે T-20 વર્લ્ડ કપમાં ભારતની જીતનો ઉલ્લેખ કર્યો અને એમ પણ કહ્યું, "હું તમારા બધાની જેમ હિન્દુ છું અને મારો ધર્મ મને પ્રેરણા આપે છે." ઈરાનમાં પ્રમુખપદની ચૂંટણીમાં સુધારાવાદી જૂથના એકમાત્ર સત્તાવાર ઉમેદવાર ઈરાનમાં હસન રુહાનીના દસ વર્ષના શાસનના ત્રણ વર્ષ બાદ ઈરાનના લોકો ફરી એક વખત ઉદારવાદી નેતાને તેમના રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવા જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીના મૃત્યુ પછી 28 જૂને યોજાયેલા મતદાનમાં ઉદારવાદી નેતા મસૂદ પેઝેશ્કિયનને 10.4 મિલિયન એટલે કે 42 ટકા મત મેળવ્યા હતા. જ્યારે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને માત્ર 9.4 મિલિયન એટલે કે 38.6 ટકા વોટ મળ્યા હતા. જો મસૂદ પેઝેશ્કિયન રન-ઓફ રાઉન્ડમાં પણ જીતી જાય છે તો તે મધ્ય પૂર્વમાં મોટો બદલાવ લાવી શકે છે. કારણ કે મસૂદ પેઝેશ્કિયન પશ્ચિમી દેશો સાથે વાતચીતની હિમાયત કરતા રહ્યા છે. તેમનું કહેવું છે કે વાતચીત વિના તમે ઈરાનને મજબૂત તો દેખાડી શકો છો પરંતુ ઈરાનના લોકોનું શું જેઓ પ્રતિબંધોને કારણે નોકરીની અછત, મોંઘવારી અને અન્ય ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. 58 વર્ષીય સઈદ જલીલી એક્સપેડિએન્સી ડિસ્ક્રિમિનેશન કાઉન્સિલના સભ્ય છે. આ પહેલા તેઓ સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી હતા અને ચાર વર્ષ સુધી ઈરાનની ન્યુક્લિયર નેગોશિયેશન ટીમનું નેતૃત્વ કર્યું હતું. 70 વર્ષીય પેઝેશ્કિયન હાર્ટ સર્જન છે. તેઓ પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે અને ચાર વર્ષ સુધી દેશના સ્વાસ્થ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ તેમની સીધી વાત કરવાની શૈલી માટે જાણીતા છે. તેમણે ઈરાનના રાજકીય વાતાવરણ અને ભ્રષ્ટાચારની ખુલ્લેઆમ ટીકા કરી છે. તેમણે મહસા અમીની કેસને લઇને ઈરાન સરકારની કામગીરીની જાહેરમાં ટીકા કરી હતી. આ પ્રમુખપદની ચૂંટણીમાં તેમને સુધારાવાદી જૂથના એકમાત્ર સત્તાવાર ઉમેદવાર ગણવામાં આવે છે, જેના કારણે કેટલાક લોકો પેઝેશ્કિયનની રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકેની મંજૂરીને નોંધપાત્ર ઘટના તરીકે જુએ છે. અમેરિકામાં પરિણામ જે પણ આવે, ભારત સાથેના સંબંધોમાં બહું બદલાવ નહીં આવે અમેરિકાની નજરમાં ભારતની ભૂમિકા મહત્વની છે. અમેરિકા ભારતને ભૌગોલિક રાજકીય રીતે ચીનના વિકલ્પ કે સમકક્ષ તરીકે જુએ છે. ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ પણ છે. ભારતે 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બનવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે. તાજેતરની ભારતીય સામાન્ય ચૂંટણીઓ બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા છે. વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો નવેમ્બરમાં યોજાનારી યુએસ ચૂંટણીની ભારત પર વધુ અસર નહીં થાય. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના બંને ઉમેદવારો ટ્રમ્પ અને બાઇડને પોતાની પ્રાથમિકતાઓ અંગે સ્પષ્ટતા કરી દીધી છે. જો બાઇડન અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે તો પણ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો અત્યારે છે તેવા જ ચાલુ રહેશે. આનો અર્થ એ છે કે બંને દેશો વચ્ચેના પરસ્પર વ્યાપારી સંબંધો ટ્રેક પર રહેશે. ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તેમની સત્તાવાર યુએસ મુલાકાત દરમિયાન રેડ કાર્પેટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીને યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધવાની તક મળી હતી. તે જ સમયે, જો ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે, તો પણ ભારત અને અમેરિકાના સંબંધોમાં બહુ બદલાવ આવશે નહીં. ટ્રમ્પે હાલમાં જ મોદીના વખાણ કર્યા હતા. વર્ષ 2020માં ટ્રમ્પે મોદી સાથે ગુજરાતની મુલાકાત લીધી હતી જ્યાં હજારો લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે અમેરિકન ચૂંટણીના પરિણામ જે પણ આવે, ભારત માટે સ્થિતિ લગભગ એવી જ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.