સંસદમાં આ 11 ગ્લેમરવર્લ્ડના ચહેરા જોવા મળશે:હેમા માલિનીની હેટ્રિક છતાં મંત્રી ના બન્યાં, ભાજપના એક સાંસદ 51 વર્ષની ઉંમરે ત્રીજીવાર પિતા બન્યા - At This Time

સંસદમાં આ 11 ગ્લેમરવર્લ્ડના ચહેરા જોવા મળશે:હેમા માલિનીની હેટ્રિક છતાં મંત્રી ના બન્યાં, ભાજપના એક સાંસદ 51 વર્ષની ઉંમરે ત્રીજીવાર પિતા બન્યા


મોદી 3.0ની સરકાર રચાઈ ગઈ છે. નરેન્દ્ર મોદી તથા તેમના મંત્રીઓએ 9 જૂનના રોજ શપથગ્રહણ કર્યા. અલગ-અલગ પાર્ટીએ બોલિવૂડ, સાઉથ ને બંગાળી સિનેમામાંથી 15 જેટલા સેલેબ્સને ચૂંટણીની ટિકિટ આપી હતી. આ 15માંથી 11 સેલેબ્સ લોકસભાના સાંસદ બન્યા છે. જીતેલા સેલેબ્સની વાત કરીએ તો કંગના રનૌત, હેમા માલિની, શત્રુઘ્ન સિંહા, રવિ કિશન, મનોજ તિવારી, અરુણ ગોવિલ, સુરેશ ગોપી, સાયોની ઘોષ, શતાબ્દી રૉય, રચના બેનર્જી, દીપક અધિકારી સામેલ છે. આ સાંસદમાંથી ઘણા સાસંદે પોતાની સીટ પર સતત ત્રણ કે ચારવાર જીત મેળવી છે. આંધ્રપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં સાઉથ સુપરસ્ટાર પવન કલ્યાણ પણ જીત્યા છે. 11 સેલેબ્સમાંથી છ ભાજપના
ભાજપના છ સેલેબ્સ ચૂંટણી જીત્યા છે, પરંતુ ભાજપે માત્ર સુરેશ ગોપીને જ મંત્રી બનાવ્યા છે. સુરેશ ગોપીએ જ કેરળમાં ભાજપનું ખાતું ખોલાવ્યું અને કેરળમાં એક સીટ હાંસલ કરાવી આપી. સુરેશ ગોપી મલાયલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિય છે. પહેલી જ વાર સાંસદ બન્યા ને મોદી સરકારે તેમને મંત્રી બનાવ્યા. જોકે ભાજપે મથુરાથી હેટ્રિક લગાવનાર હેમા માલિનીને હજી સુધી કોઈ મંત્રાલય આપ્યું નથી. બેફામ બોલનાર કંગના રનૌતને ભાજપ સરકાર ભવિષ્યમાં કોઈ ખાતું આપે છે કે નહીં એ જાણવું ઘણું જ રસપ્રદ રહેશે. ગ્લેમરવર્લ્ડના આ 11 ચહેરા સંસદમાં બેસશે 1. કંગના રનૌતના વડદાદા ચૂંટણી લડેલા
37 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પહેલી જ વાર હિમાચલ પ્રદેશના મંડીમાંથી ભાજપની ટિકિટ પરથી વિજેતા બન્યાં. એવું નથી કે કંગનાના પરિવારમાંથી તેઓ પહેલી જ વાર ચૂંટણી લડ્યાં હોય. એક્ટ્રેસના વડદાદા સરજી સિંહ રનૌત 1951માં હિમાચલ પ્રદેશની વિધાનસભા ભામ્બલા બેઠક કોંગ્રેસની ટિકિટ પર વિજેતા બન્યા હતા. કંગનાના દાદા બ્રહ્મચંદ રનૌત IAS ઑફિસર હતા. કંગનાના પિતા અમરદીપ રનૌત બિઝનેસમેન છે. તેમણે સ્કૂલ ટીચર આશા સાથે લગ્ન કર્યા. તેમને ત્રણ સંતાનો, જેમાં સૌથી મોટી રંગોલી, કંગના તથા સૌથી નાનો દીકરો અક્ષત. કંગનાની વાત કરીએ તો... માર્ચ, 1987માં જન્મેલી કંગનાએ ચંદીગઢની DAVમાંથી સ્કૂલિંગ કર્યું. એ વાત અલગ છે કે કંગના નાનપણથી જ તોફાની અને બળવાખોર હતાં. કંગનાનો પરિવાર રૂઢિચુસ્ત હતો અને એ જ કારણે કંગનાને નાનપણમાં ઘણીવાર પોતાની હરકતોને કારણે સાંભળવું પડતું અથવા તો માર પણ પડતો. કંગના ભણવામાં ઘણાં જ હોશિયાર હોવાને કારણે તેમણે સાયન્સ સ્ટ્રીમ રાખ્યું હતું. કંગનાના પિતા અમરદીપ ઈચ્છતા હતા કે દીકરી ડૉક્ટર બને. કંગના બારમા ધોરણની યુનિટ ટેસ્ટમાં કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં ફેઇલ થતાં તેઓ કરિયર અંગે ફરીવાર વિચારવા મજબૂર બન્યાં. કંગના ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટની પણ તૈયારી કરતાં. જોકે યુનિટ ટેસ્ટમાં ફેઇલ થતાં તેમણે એક્ઝામ આપી જ નહીં. ઘરેથી ભાગીને કંગના દિલ્હી આવ્યા ને પછી તેમણે મુંબઈ આવીને બોલિવૂડમાં નસીબ અજમાવ્યું. 17 વર્ષની ઉંમરે કંગનાએ પહેલી ફિલ્મ 'ગેંગસ્ટર' સાઇન કરી. 2006માં રિલીઝ થયેલી 'ગેંગસ્ટર' બોક્સઑફિસ પર હિટ રહી. ચાહકો ને ક્રિટિક્સને કંગનાની એક્ટિંગ પસંદ આવી. કંગનાએ એક પછી એક ફિલ્મ કરી. જોકે કંગનાને 2011માં આવેલી ફિલ્મ 'તનુ વેડ્સ મનુ'થી આગવી ઓળખ મળી. આ ફિલ્મે બોક્સઑફિસ પર પણ સારો દેખાવ કર્યો હતો. ત્યાર બાદ 2014માં રિલીઝ થયેલી 'ક્વીન'થી કંગનાએ પોતાની જાતને એક્ટિંગમાં સાબિત કરી હતી. કંગના રનૌત છેલ્લા ઘણા સમયથી પોતાની એક્ટિંગ કરિયર કરતાં વિવાદોને કારણે ચર્ચામાં રહે છે. તેમણે માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં, રાજકારણીઓ પર પણ વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં છે. કંગના પોતાના અફેર્સને કારણે પણ મુસીબતમાં મુકાય છે. તેમનું નામ અત્યારસુધી આદિત્ય પંચોલી, અધ્યયન સુમન, અજય દેવગન, નિકોલસ લાફર્ટી, હૃતિક રોશન તથા બ્રિટિશ ડૉક્ટર નિકોલસ સાથે જોડાયું છે. ખેડૂત આંદોલનમાં વિવાદાસ્પદ નિવેદનો આપવાને કારણે તેમને હાલમાં જ CRPFની મહિલા જવાને ચંદીગઢ એરપોર્ટ પર થપ્પડ પણ મારી હતી. બોલિવૂડ છોડી દેશે?
કંગનાએ ચૂંટણીપ્રચાર દરમિયાન દાવો કર્યો હતો કે જો તે લોકસભાની ચૂંટણી જીતી જશે તો હંમેશના માટે બોલિવૂડ છોડી દેશે. હવે જોવાનું એ છે કે કંગના પોતાની વાતનો અમલ કરે છે કે પછી માત્ર પોકળ વાતો જ કરે છે! 2. હેમા માલિનીના પતિ ધર્મેન્દ્ર ને સાવકો દીકરો ચૂંટણી લડેલા
હેમા માલિનીના પતિ ધર્મેન્દ્રે 2004માં રાજનીતિમાં પણ હાથ અજમાવ્યો હતો. લોકપ્રિયતાનો લાભ લેવા ધર્મેન્દ્ર વર્ષ 2004ની લોકસભાની ચૂંટણી ભાજપની ટિકિટ પરથી રાજસ્થાનની બિકાનેર બેઠક પરથી જીત્યા હતા. જોકે ધર્મેન્દ્ર પાર્લમેન્ટમાં ભાગ્યે જ હાજરી આપતા હતા અને એના કારણે વિપક્ષ અવારનવાર આ અંગે વિરોધ પણ કરતો હતો. ધર્મેન્દ્રનો દીકરો સની દેઓલ પણ 2019માં ભાજપની ટિકિટ પરથી પંજાબના ગુરદાસપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને 82 હજારથી વધુ મતોથી વિજયી બન્યા હતા. જોકે ભાજપે 2024માં સની દેઓલને ટિકિટ આપી નહીં. પતિની જેમ જ 75 વર્ષીય હેમા માલિની પણ ભાજપમાં જોડાયાં અને તેમણે 2014, 2019 ને 2024માં મથુરા બેઠક પરથી ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવ્યો. 16 ઑક્ટોબર, 1948માં આયંગર પરિવારમાં જન્મેલા હેમા માલિનીએ 1965માં સાઉથ ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી ને 1968માં ફિલ્મ 'સપનો કા સૌદાગર'થી બોલિવૂડ કરિયર શરૂ કરી. પરિણીત ને ચાર સંતાનના પિતા સાથે લગ્ન કર્યા
1954માં ધર્મેન્દ્રે પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા. તેમને ચાર સંતાન અજય સિંહ દેઓલ, વિજય સિંહ દેઓલ, વિજેતા દેઓલ તથા અજેતા દેઓલ છે. ધર્મેન્દ્ર પરિણીત અને ચાર સંતાનના પિતા હોવા છતાં તેમના સંબંધો ફિલ્મ એક્ટ્રેસ હેમા માલિની સાથે બંધાયા હતા. હેમા માલિની તથા ધર્મેન્દ્રે ઘણી ફિલ્મમાં સાથે કામ કર્યું હતું, સાથે કામ કરવાને કારણે બંને વચ્ચે કૂણી લાગણી જન્મી હતી. હેમા માલિનીને ખ્યાલ હતો કે ધર્મેન્દ્ર પરિણીત અને ચાર સંતાનના પિતા છે છતાં તેમણે સંજીવકુમાર તથા જિતેન્દ્રનો લગ્ન પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો. તો સામે ધર્મેન્દ્ર પણ હેમા માલિનીના પ્રેમમાં પાગલ હતાં અને કોઈપણ હિસાબે તેમની સાથે લગ્ન કરવા આતુર હતાં. ધર્મેન્દ્ર પત્ની પ્રકાશ કૌરને ડિવોર્સ આપવા માગતા નહોતા અને હેમાને છોડવા પણ તૈયાર નહોતા. આ દરમિયાન તેમણે વચલો રસ્તો કાઢ્યો. 1979માં ધર્મેન્દ્ર તથા હેમા માલિનીએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો. ધર્મેન્દ્રે દિલાવર ખાન કેવલ ક્રિશ્ન તથા હેમાએ આયેશા બી. આર ચક્રવર્તી નામ રાખ્યાં હતાં. અંતે, 1980માં દિલાવર તથા આયેશાએ લગ્ન કર્યાં. અલબત્ત, ધર્મેન્દ્રે મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને લગ્ન કર્યા હોવાની વાતનો ઇનકાર કર્યો હતો. જોકે 'આઉટલુક' મેગેઝિને બંનેના નિકાહનામાની કૉપી રિલીઝ કરી હતી. ધર્મેન્દ્ર તથા હેમાને દીકરી એશા તથા આહના છે. બોલિવૂડમાં પણ સક્રિય
સાંસદ બન્યા બાદ પણ હેમા માલિનીએ ફિલ્મમાં કામ કરવાનું બંધ કર્યું નથી. 2017માં હેમા માલિનીએ વિનોદ ખન્ના સાથે ફિલ્મ 'એક થી રાની ઐસી ભી'માં કામ કર્યું. ત્યાર બાદ તેમણે 'શિમલા મિર્ચી' (2020)માં કામ કર્યું હતું. હેમા માલિની ઇસ્કોન મંદિર સાથે જોડાયેલાં છે અને મથુરામાં યોજાતા બ્રજ રાજ ઉત્સવમાં દર વર્ષે ડાન્સ કરતાં હોય છે. 3. સુરેશ ગોપી બીજીવાર ચૂંટણી લડ્યા ને જીત્યા
65 વર્ષીય મલયાલમ એક્ટર સુરેશ ગોપીનો જન્મ કેરળના અલપ્પુઝામાં 26 જૂન, 1958માં થયો. સુરેશ ગોપીને ત્રણ નાના ભાઈ- સુભાષ ગોપી તથા જોડિયા ભાઈઓ સુનીલ તથા સાનિલ ગોપી છે. સુરેશ ગોપીએ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે ને માસ્ટર ડિગ્રી ઇંગ્લિશ લિટરેચરમાં લીધી છે. સુરેશ ગોપીના પિતા કે. ગોપીનાથ ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર હતા. આ જ કારણે સુરેશ ગોપીએ 1965માં બાળ કલાકાર તરીકે એક્ટિંગની શરૂઆત કરી. સુરેશ ગોપીએ અનેક લોકપ્રિય મલયાલમ ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં મણિચિત્રાથજૂ, એ નોર્થર્ન સ્ટોરી ઑફ વેલોર તથા CBI ડાયરી સામેલ છે. 80થી વધુ ફિલ્મમાં કામ કર્યું
સુરેશ ગોપીને 1992માં આવેલી ફિલ્મ થલસ્તાનમથી લોકપ્રિયતા મળી. સુરેશ ગોપીએ 1993માં રિલીઝ થયેલી ફિલ્મ 'એકલવ્યન'થી પોતાને મલયાલમ સ્ટાર સાબિત કર્યા. સુરેશ ગોપીએ ફિલ્મમાં પોલીસના ઘણા રોલ પ્લે કર્યા છે. છેલ્લે તેઓ ક્રાઇમ થ્રિલર ફિલ્મ 'ગરુડન'માં જોવા મળ્યા હતા. 'કૌન બનેગા કરોડપતિ'ના મલયાલમ વર્ઝનને સુરેશ ગોપીએ છથી વધુ વાર હોસ્ટ કર્યું હતું. 2016માં ભાજપમાં જોડાયા
સુરેશ ગોપી 2016માં ભાજપમાં જોડાયા અને 2019ની લોકસભા ચૂંટણી ભાજપની ટિકિટ પરથી કેરળની થ્રિશૂરમાંથી લડ્યા, પરંતુ તેમનો કારમો પરાજય થયો. ત્યાર બાદ 2021માં તેઓ કેરળ વિધાનસભાની ચૂંટણી લડ્યા, પરંતુ હારી ગયા. 2024માં સુરેશ ગોપી ભાજપની ટિકિટ પરથી થ્રિશૂર પરથી લડ્યા અને વિજેતા બન્યા. ચાર સંતાનોના પિતા
સુરેશ ગોપીએ ફેબ્રુઆરી, 1990માં રાધિકા નાયર સાથે લગ્ન કર્યા. તેમને પાંચ સંતાન- લક્ષ્મી સુરેશ, ગોકુલ સુરેશ, ભાગ્ય સુરેશ, ભાવની સુરેશ તથા માધવ સુરેશ છે. લક્ષ્મી સુરેશ જ્યારે દોઢ વર્ષની હતી ત્યારે કાર અકસ્માતમાં અવસાન થયું. ગોકુલ સુરેશ મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર છે. 4. રવિ કિશન સતત બીજીવાર ચૂંટણી જીત્યા
17 જુલાઈ, 1969માં જન્મેલા રવિ કિશને ભોજપુરી ફિલ્મ ઉપરાંત હિંદી, કન્નડ, તેલગુ-તમિળ ફિલ્મમાં કામ કર્યું છે. રવિ કિશન ભોજપુરીનો સુપરસ્ટાર છે. રવિ કિશને 10 ડિસેમ્બર, 1993માં પ્રીતિ શુક્લા સાથે લગ્ન કર્યા. તેમને ત્રણ દીકરા ને એક દીકરી રિવા કિશન છે. રિવાએ 2020માં ફિલ્મ 'સબ કુશલ મંગળ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે. સાંસદ બન્યા બાદ પણ ફિલ્મમાં એક્ટિવ
રવિ કિશનની ડેબ્યૂ ફિલ્મ પિતાંબર 1992માં રિલીઝ થઈ. ત્યાર બાદ રવિ કિશને 'આજ કા તૂફાન', 'રાની ઔર મહારાની', 'આતંક' જેવી ફિલ્મમાં કામ કર્યું. ફિલ્મ 'આર્મી'માં રવિ કિશને શ્રીદેવી સાથે કામ કર્યું હતું. સાંસદ બન્યા બાદ પણ રવિ કિશને ફિલ્મમાં કામ કરવાનું બંધ કર્યુ નથી. રવિ કિશન છેલ્લે આમિર ખાન પ્રોડક્શન હાઉસની ફિલ્મ 'લાપતા લેડીઝ'માં પોલીસ ઑફિસરના રોલમાં જોવા મળ્યા. હવે રવિ કિશન ફિલ્મ 'JNU જહાંગીર નેશનલ યુનિવર્સિટી'માં જોવા મળશે. 2014માં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી હાર્યા
રવિ કિશને કોંગ્રેસ પાર્ટી જોઇન કરી ને 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી ઉત્તરપ્રદેશની જૌનપુર બેઠક પરથી ઊભા રહ્યા, પરંતુ માત્ર 42,759 મત મળ્યા હતા. હારી જતાં રવિ કિશને ફેબ્રુઆરી, 2017માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. 2019-2024માં વિજેતા રહ્યા
ભાજપમાં જોડાતાં 2019ની લોકસભાની ચૂંટણી ઉત્તરપ્રદેશની બેઠક ગોરખપુરથી લડી ને વિજેતા બન્યા. 2024માં પણ રવિ કિશન આ જ બેઠક પરથી વિજેતા બન્યા. 5. મનોજ તિવારી ત્રણ ટર્મથી સાંસદ
પહેલી ફેબ્રુઆરી, 1971માં ઉત્તરપ્રદેશના વારાણસીમાં જન્મેલા મનોજ તિવારી છ ભાઈ-બહેનમાંથી એક છે. 53 વર્ષીય મનોજ તિવારી મૂળ બિહારના નાનકડા ગામ અતરવાલિયાના છે. મનોજ તિવારીએ બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. નાનપણથી જ સંગીતનો શોખ
મનોજ તિવારીને નાનપણથી સંગીતનો શોખ હતો. તેમણે કોલેજના દિવસોમાં ગીતો ગાવાની શરૂઆત કરી હતી. ગીત ગાવાનો શોખ તેમને એક્ટિંગ તરફ લઈ ગયો. તેમણે 2003માં ભોજપુરી ફિલ્મ 'સસુરા બડા પૈસાવાલા'થી એક્ટિંગ કરિયર શરૂ કરી. ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં એક સમયે મનોજ તિવારી ને રવિ કિશનનો સિક્કો વાગતો. મનોજ તિવારીએ અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેંગ્સ ઑફ વાસેપુર'નું ગીત 'જિયા હો બિહાર કે લાલા' ગાયું હતું. આ ગીત ઘણું જ હિટ રહ્યું હતું. પત્નીને ડિવોર્સ આપ્યા, દીકરીએ બીજીવાર લગ્ન કરાવ્યા
મનોજ તિવારીએ રાની સાથે 1999માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી મનોજ તથા રાની દીકરી ઋતિના પેરેન્ટ્સ બન્યાં હતાં. વર્ષ 2010માં મનોજ તિવારી 'બિગ બોસ 4'માં સ્પર્ધક તરીકે જોવા મળ્યા હતા. આ શોમાં ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પણ હતી. ઘરમાં મનોજ તિવારી તથા શ્વેતા તિવારીની નિકટતા ચર્ચાનું કારણ બની હતી. ઘરમાંથી બહાર આવ્યા બાદ પણ આ બંને ગાઢ મિત્રો રહ્યાં હતાં. સૂત્રોના મતે, મનોજ તિવારીની પત્નીને શંકા હતી કે તેના પતિનું શ્વેતા તિવારી સાથે અફેર છે. આ શંકાને કારણે રાનીએ મનોજ તિવારીને ડિવોર્સ આપ્યા હતા. એપ્રિલ, 2020 લૉકડાઉનમાં બીજા લગ્ન કર્યા હતા
એક ઇન્ટરવ્યૂમાં મનોજ તિવારીએ કહ્યું હતું, 'સુરભિ (બીજી પત્ની) અને મેં લૉકડાઉન દરમિયાન એપ્રિલમાં લગ્ન કર્યાં હતાં. તે એડમિનિસ્ટ્રેટિવ વર્ક જોતી હતી. તે સિંગર છે અને મારા એક મ્યુઝિક વીડિયોમાં ગીત ગાઈ ચૂકી છે. દીકરી ઋતિએ સલાહ આપી હતી કે મારે અને સુરભિએ લગ્ન કરી લેવા જોઈએ. ઋતિ તથા સુરભિ એકબીજાની સાથે ઘણાં જ કમ્ફર્ટેબલ છે.' પહેલા લગ્નથી એક, બીજા લગ્નથી બે દીકરી
મનોજ તિવારી ને સુરભિ ડિસેમ્બર, 2020માં દીકરીના પેરેન્ટ્સ બન્યા. મનોજ તિવારીની મોટી દીકરી ઋતિએ નાની બહેનનું નામ સાન્વિકા રાખ્યું હતુ. મનોજ તિવારી બીજી દીકરીના પિતા બન્યા ત્યારે તેમની ઉંમર 49 વર્ષની હતી. 51 વર્ષની ઉંમરે મનોજ તિવારી ત્રીજીવાર દીકરીના પિતા બન્યા. સુરભિએ 12 ડિસેમ્બર, 2022માં દીકરીને જન્મ આપ્યો. 22 વર્ષીય મોટી દીકરી ઋતિ હાલમાં જ ભાજપમાં જોડાઈ અને પિતા સાથે કામ કરી રહી છે. 2009થી રાજકારણમાં ત્રીજીવાર લોકસભાની ચૂંટણી જીત્યા
મનોજ તિવારી 2009માં લોકસભાની ચૂંટણી ગોરખપુરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર લડ્યા હતા. આ ચૂંટણીમાં તેઓ યોગી આદિત્યનાથ સામે હાર્યા હતા. 2011માં તેઓ ભાજપમાં જોડાયા. 2014માં મનોજ તિવારી ભાજપની ટિકિટ પરથી નોર્થ ઇસ્ટ દિલ્હીમાંથી લોકસભાની ચૂંટણી જીત્યા. તેમણે આપના ઉમેદવાર આનંદ કુમારને 1,44,084 મતોથી પરાજય આપ્યો હતો. 2019માં આ જ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસનાં ઉમેદવાર શિલા દીક્ષિત સામે 3.63 લાખ મતથી વિજયી બન્યા હતા. 2024માં મનોજ તિવારી આ જ સીટ પર ત્રીજીવાર વિજયી બન્યા. 6. અરુણ ગોવિલ પહેલી વાર જ ચૂંટણી લડ્યા
અરુણ ગોવિલનો જન્મ 12 જાન્યુઆરી, 1958માં મેરઠ, ઉત્તરપ્રદેશમાં થયો છે. જ્યારે તેઓ મેરઠ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં ત્યારે કેટલાંક નાટકોમાં કામ કર્યું હતું. ટીનેજ લાઈફ સહારનપુરમાં વીતી હતી. અરુણના પિતા ઈચ્છતા હતા કે તે સરકારી નોકરી કરે, પરંતુ તેઓ કંઈક અલગ જ કરવા માગતા હતા. મુંબઈમાં બિઝનેસ શરૂ કરવાના ઈરાદેથી આવેલા અરુણે​ અહીં આવીને એક્ટિંગમાં જવાનું નક્કી કર્યું હતું. અરુણને લોકપ્રિયતા ભલે 'રામાયણ'માં કામ કર્યા બાદ મળી હોય, પરંતુ 1977માં તારાચંદ બરજાત્યાની ફિલ્મ 'પહેલી'માં ફર્સ્ટ બ્રેક મળ્યો હતો. ત્યાર બાદ 'સાવન કો આને દો', 'સાંચ કો આંચ નહીં', 'ઈતની સી બાત', 'હિમ્મતવાલા', 'દિલવાલા', 'હથકડી' તથા 'લવકુશ' જેવી બોલિવૂડ ફિલ્મમાં મહત્ત્વનો રોલ પ્લે કર્યો છે. રામાનંદ સાગરે અરુણ ગોવિલને સૌ પહેલા સિરિયલ 'વિક્રમ ઔર બેતાલ'માં રાજા વિક્રમાદિત્યનો રોલ આપ્યો હતો. આ સિરિયલ સફળ રહી હતી. ત્યાર બાદ 1987માં 'રામાયણ'માં ભગવાન શ્રીરામનો રોલ ભજવ્યો હતો. આ રોલ એટલો લોકપ્રિય થયો કે આજે પણ ચાહકો શ્રીરામ કહીને જ બોલાવે છે. આમ તો અરુણે​ 'લવકુશ', 'કૈસે કહુ', 'બુદ્ધા', 'અપરાજિતા', 'વો હુએ ન હમારે' તથા 'પ્યાર કી કશ્તી' જેવી લોકપ્રિય સિરિયલમાં કામ કર્યું છે. અરુણના પિતાનાં આઠ સંતાનો (6 પુત્ર, બે દીકરી)માં ચોથા નંબરે છે. અરુણની પત્નીનું નામ શ્રીલેખા છે. તેમને બે સંતાન છે, એક દીકરો અમલ તથા દીકરી સોનિકા. પહેલી જ વાર ચૂંટણી લડી ને જીત્યા
અરુણ ગોવિલ માર્ચ, 2021માં ભાજપામાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી કોંગ્રેસની ટિકિટ પરથી અરુણ ગોવિલને ચૂંટણી લડાવવા માગતા હતા, પરંતુ એ સમયે તેમણે આ ઓફર ઠુકરાવી દીધી હતી. 66 વર્ષીય અરુણ ગોવિલ પહેલી જ વાર 2024માં ભાજપની ટિકિટ પરથી ઉત્તરપ્રદેશની મેરઠ બેઠક પરથી ચૂંટણી લડ્યા ને જીતી પણ ગયા. 7. શત્રુઘ્ન સિંહા, રામાયણ સાથે અનોખો સંયોગ
ભુવનેશ્વરી પ્રસાદ સિંહા ને શ્યામા દેવીને કોઈ સંતાન નહોતું. લગ્નના ખાસ્સા સમય બાદ પણ સંતાન ન થતાં ભુવનેશ્વરી પ્રસાદ ને શ્યામા દેવીએ વારાણસીમાં આવેલી રામ રમાપતિ બેંકમાં માનતા માની હતી. આ બેંકમાં માનતા માનનારી વ્યક્તિ એક વર્ષમાં સવા લાખ વાર 'રામ' નામ લખે છે. આટલું જ નહીં, આ એક વર્ષ દરમિયાન વ્યક્તિ ડુંગળી-લસણ, નોનવેજ ખાતી નથી. તે માત્ર સાત્ત્વિક આહાર જમે છે. આ બેંકમાં એકાઉન્ટ ઓપન કરાવનારી વ્યક્તિને ખાસ કાગળ ને પેન મફતમાં આપવામાં આવે છે. વ્યક્તિ ચાર વાર બાળકની માનતા રાખી શકે છે. ભુવનેશ્વરી ને શ્યામા દેવી એક વર્ષ બાદ બાળકનાં પેરેન્ટ્સ બન્યાં. તેમણે ચાર સંતાનને જન્મ આપ્યો. તેમણે રામની માનતા માની હતી અને સંતાનોનો જન્મ થતાં તેમણે ચારેય સંતાનનાં નામ રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન રાખ્યાં. શત્રુઘ્નનો જન્મ 9 ડિસેમ્બર, 1945માં થયો. એ વાત અલગ છે કે શત્રુઘ્નના પાસપોર્ટમાં 15 જુલાઈ, 1946 બર્થડેટ લખવામાં આવી છે અને ઇન્ટરનેટ પર પણ આ જ ડેટ છે, પરંતુ શત્રુઘ્ન ડિસેમ્બરમાં પોતાનો બર્થડે સેલિબ્રેટ કરે છે. 'કાલીચરણ' કરિયરનો ટર્નિંગ પોઇન્ટ બની
FTIIમાંથી અભ્યાસ પૂરો કર્યા બાદ શત્રુઘ્ન સિંહા પુણેથી મુંબઈ આવ્યા. મુંબઈ કોઈ જાતની ઓળખાણ નહોતી. આટલું જ નહીં, તેમના ગાલ પર વાગેલાનું નિશાન હતું તો કોઈ ફિલ્મમાં જલદીથી કામ આપવા તૈયાર નહોતું. અનેક રિજેક્શન બાદ કંટાળીને શત્રુઘ્ને પ્લાસ્ટિક સર્જરી કરાવવાનું નક્કી કર્યું. જોકે આ દરમિયાન તેમની મુલાકાત દેવ આનંદ સાથે થઈ અને દેવ આનંદ સલાહ આપે છે કે આ નિશાનને નબળાઈ નહીં, પરંતુ તાકાત બનાવો. પછી તો શત્રુઘ્ને સર્જરી ન કરાવવાનો નિર્ણય લીધો. 1976માં સુભાષ ઘાઈ પ્રોડ્યુસર એન. એન. સિપ્પી પાસે 'કાલીચરણ'ની સ્ટોરી લઈને ગયા. સુભાષ ઘાઈની ઈચ્છા શત્રુઘ્નને લેવાની હતી, પરંતુ એન. એન. સિપ્પી એક્ટર રાજેશ ખન્નાને લેવા માગતા હતા. આ જ કારણે એન. એન. સિપ્પી એક્ટર રાજેશ ખન્ના પાસે ફિલ્મની ઑફર લઈને ગયા, પરંતુ ડેટ્સને કારણે રાજેશ ખન્ના આ ફિલ્મ કરી શક્યા નહીં. અંતે, આ ફિલ્મમાં લીડ રોલ શત્રુઘ્નને મળ્યો ને ફિલ્મ સુપરડુપર હિટ રહી. આ ફિલ્મથી શત્રુઘ્નના નસીબ આડેનું પાંદડું ખસી ગયું ને તેઓ હીરો તરીકે હિટ રહ્યા. શત્રુઘ્ને ઘણી જ બ્લોકબસ્ટર ફિલ્મ આપી. છેલ્લે તેઓ 2018માં 'યમલા પગલા દીવાના ફિર સે'માં જોવા મળ્યા હતા. જોડિયા બાળકોનાં નામ લવ-કુશ
શત્રુઘ્ન ને પૂનમે 9 જુલાઈ, 1980માં લગ્ન કર્યાં. શત્રુઘ્ન ને પૂનમે ટ્વિન્સ દીકરાઓ લવ-કુશ તથા દીકરી સોનાક્ષી છે. 28 વર્ષ ભાજપમાં રહ્યા, હાલમાં તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ
શત્રુઘ્ન સિંહાને 1996માં ભાજપે બિહારથી રાજ્યસભામાં મોકલ્યા હતા. કાર્યકાળ પૂરો થતાં તેમને બીજીવાર રાજ્યસભાના મેમ્બર બનાવવામાં આવ્યા હતા. 2002માં અટલ સરકારમાં તેઓ સ્વાસ્થ્ય ને પરિવાર કલ્યાણમંત્રી હતા. 2003માં યુનિયન શિપિંગ મિનિસ્ટર રહ્યા. 2009માં શત્રુઘ્ને બિહારની પટના સાહિબ સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી અને જીતી. 2014માં શત્રુઘ્ન ફરી એકવાર આ જ સીટ પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા ને જીત્યા. એ સમયે શત્રુઘ્નને આશા હતી કે તેમને મંત્રી બનાવવામાં આવશે, પરંતુ એમ થયું નહીં. આ જ કારણે શત્રુઘ્ને મોદી સરકાર વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું. તેઓ મોદી-શાહની જોડી પર નારાજ થયા અને વિપક્ષ સાથે જોવા મળતા. તેઓ અરવિંદ કેજરીવાલ સાથે અનેકવાર જોવા મળ્યા. 2019માં ભાજપે શત્રુઘ્નને ટિકિટ ન આપી. એપ્રિલ, 2019માં શત્રુઘ્ન કોંગ્રેસમાં સામેલ થયા. માર્ચ, 2022માં શત્રુઘ્ન તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા અને એપ્રિલ, 2022માં આસનસોલ સીટ પર ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પોલને હરાવીને ચૂંટણી જીત્યા. 2024માં શત્રુઘ્ન સિંહા આસનોલ બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પરથી લોકસભાની ચૂંટણી જીત્યા. 8. સાયોની ઘોષ વિવાદાસ્પદ પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યાં
તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર પશ્ચિમ બંગાળની જાદવપુર બેઠક જીતનાર સાયોની ઘોષ બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. સાયોની ઘોષે 2015માં શિવલિંગની વિવાદાસ્પદ તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરને કારણે સાયોનીનો ઘણો જ વિરોધ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, સાયોની વિરુદ્ધ ભાજપ નેતા તથાગત રૉયે પોલીસ ફરિયાદ પણ કરી હતી. વિવાદ વધતાં સાયોનીએ એવી ચોખવટ કરી હતી કે તેની સો.મીડિયા એકાઉન્ટ હૅક થઈ ગયું હતું અને આ પોસ્ટ અન્ય કોઈએ કરી હતી. 2021માં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયાં
સાયોની 2021માં તૃષમૂલ કોંગ્રેસમાં જોડાયાં. સાયોની તૃષમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનર્જીની નિકટની સાથી હોવાની ચર્ચા છે. જૂન, 2021માં સાયોનીને તૃણમૂલ કોંગ્રેસની યુવા શાખાની અધ્યક્ષ બનાવવામાં આવ્યાં હતાં. સાયોનીએ બંગાળી ફિલ્મ ઉપરાંત વેબ સિરીઝ ને સિરિયલમાં પણ કામ કર્યું છે. સાયોનીનો જન્મ કોલકાતામાં જ થયો છે અને તેમણે અભ્યાસ પણ ત્યાં જ કર્યો છે. મિમી ચક્રવર્તીએ ના પાડતાં સાયોનીને ઉમેદવાર બનાવવામાં આવી
જાદવપુર બેઠક 2019માં બંગાળી એક્ટ્રેસ મિમી ચક્રવર્તી તૃણમૂલ કોંગ્રેસની બેઠક પરથી જીત્યાં હતાં. જોકે, મિમીએ રાજકારણમાં ઈચ્છા ના હોવાની વાત કરી હતી. ત્યાર બાદ મમતા બેનર્જીએ આ બેઠક પરથી સાયોનીને ઉતારી. સાયોની આ બેઠક પર વિજેતા રહ્યાં. 9. શતાબ્દી રૉય ચાર ટર્મથી સાંસદ
54 વર્ષીય શતાબ્દી રૉયનો જન્મ પશ્ચિમ બંગાળના અગરપારામાં 5 ઑક્ટોબર, 1968માં થયો. સ્કૂલિંગ ને કોલેજ પૂરી કર્યા બાદ શતાબ્દીએ 1986માં બંગાળી ફિલ્મ 'અતંકા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી. પહેલી જ ફિલ્મ હિટ જતાં શતાબ્દીએ એક પછી એક અનેક હિટ ફિલ્મ આપી. 150થી પણ વધુ ફિલ્મમાં કામ કરનાર શતાબ્દી ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય છે. પેરેન્ટ્સે ન્યૂઝપેપરમાં લગ્નની જાહેરાત આપી
શતાબ્દીના પેરેન્ટ્સે દીકરીના લગ્ન માટે ન્યૂઝપેપરમાં મેટ્રિમોની જાહેરાત આપી હતી. આ જાહેરાતની મદદથી શતાબ્દીના લગ્ન મૃગાંક બેનર્જી સાથે થયા. મૃગાંક ફિલ્મ સાથે જોડાયેલો નથી. તે વિદેશમાં રહ્યા બાદ ભારત પરત ફર્યો. લગ્ન બાદ પણ શતાબ્દી એક્ટિંગમાં એક્ટિવ રહ્યા ને ફિલ્મ ડિરેક્ટર પણ બન્યાં. શતાબ્દીને દીકરો સમ્યોરાજ બેનર્જી તથા દીકરી સમિયાના છે. 2008માં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયાં
2008માં ટાટા મોટર્સની ફેક્ટરી સિંગુરમાં શરૂ થવાની હતી. તૃણમૂલ કોંગ્રેસ ને ખેડૂતોએ વિરોધ કર્યો ને આંદોલન કર્યું. શતાબ્દીએ ખેડૂતોને સાથ આપ્યો. આ દરમિયાન મમતા બેનર્જીએ શતાબ્દીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાવવાનું કહ્યું. શતાબ્દી રાજકારણમાં જોડાયાં. નવાઈની વાત એ છે કે શતાબ્દીએ રાજકારણમાં જોડાવવાની વાત પરિવારને કહી નહોતી. પેપરમાં જ્યારે આ વાત આવી ત્યારે બાળકો ને પતિને જાણ થઈ હતી. 2009થી બીરપુર બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતે છે
2009માં શતાબ્દીએ પહેલી જ વાર તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર બીરપુર લોકસભા ચૂંટણી લડ્યાં ને જીત્યાં. ત્યાર બાદ 2014, 2019 ને 2024માં પણ તેઓ વિજયી રહ્યાં. રાજકારણમાં સક્રિય હોવા છતાં શતાબ્દી જાત્રા થિયેટરમાં કામ કરે છે. જાત્રા થિયેટર બંગાળ તથા ઓડિશામાં લોકપ્રિય ફૉક થિયેટર છે. ભાજપમાં જોડાવવાની ચર્ચા હતી, પછી ભાજપ વિરુદ્ધ વાત કરી
2021માં જ્યારે બંગાળમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે એવી વાતો વહેતી થઈ હતી કે શતાબ્દી રૉય ભાજપમાં જોડાવવાનાં છે. જોકે પછીથી મમતા બેનર્જીએ શતાબ્દીને મનાવી લીધાં. જાન્યુઆરી, 2024માં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે શતાબ્દી રૉયે ભાજપ વિરુદ્ધ પ્રહાર કર્યાં હતાં ને કહ્યું હતું કે એવું લાગે છે કે જે રીતે BPL કાર્ડધારકોને ઘર આપવામાં આવે છે એ જ રીતે ભાજપ રામને ઘર આપી રહી છે. રામનાં સંતાનો લવ-કુશને પણ ઘર મળી જાય તો તેમનું કામ પૂરું થઈ જશે. 10. રચના બેનર્જી પહેલી જ વાર ચૂંટણી લડી ને જીત્યાં
52 વર્ષીય રચના બેનર્જીનો જન્મ 2 ઓક્ટોબર, 1972માં કોલકાતામાં થયો. 1991માં રચના મિસ કોલકાતા બન્યાં હતાં. 1992માં રચનાએ મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો, પરંતુ તેઓ મધુ સપ્રે સામે હારી ગયાં. રચના બેનર્જીનું સાચું નામ ઝૂમઝૂમ બેનર્જી હતું. જોકે, 1993માં પહેલી બંગાળી ફિલ્મ 'દાન પ્રતિદાન' મળી ત્યારે ફિલ્મના ડિરેક્ટર સુખેન દાસે ઝૂમઝૂમને બદલે નામ રચના રાખ્યું. અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું
રચના બેનર્જીએ 1999માં આવેલી ફિલ્મ 'સૂર્યવંશમ'માં અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું. આ ફિલ્મમાં તેઓ અમિતાભના ફ્રેન્ડ હોય છે. ફિલ્મમાં રચના બેનર્જીએ પોતાની સાદગીસભર કેરેક્ટરથી ચાહકોનું દિલ જીત્યું હતું. રચનાએ તમિળ, તેલુગુ, બંગાળી ફિલ્મમાં કામ કર્યું છે. ટીવી શો 'દીદી નંબર 1'થી જાણીતી
રચના બેનર્જી છેલ્લા ઘણા સમયથી ફિલ્મથી દૂર છે, પરંતુ તે ટીવી શો 'દીદી નંબર 1'થી બંગાળમાં જાણીતા છે. મમતા બેનર્જી આ શોના સેટ પર પણ આવ્યાં હતાં અને પછી રચના તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયાં પહેલી જ વાર ચૂંટણી લડી ને જીત્યાં
રચના બેનર્જી હૂગલી બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડ્યાં અને જીત્યાં. તેમણે ભાજપના સિટિંગ સાંસદ લોકેટ ચેટર્જીને હરાવ્યા. બે વાર ડિવોર્સ થયાં
રચનાએ કો-સ્ટાર સિદ્ધાંત મોહપાત્રા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2004માં ડિવોર્સ આપ્યા. ત્યારબાદ રચનાએ 2007માં પ્રોબલ બાસુ સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને એક દીકરો છે. 2016માં બંને અલગ થઈ ગયા. 11. દીપક અધિકારી ત્રીજીવાર સાંસદ બન્યા
41 વર્ષીય દીપક અધિકારી બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 'દેવ'ના હુલામણા નામથી જાણીતા છે. 25 ડિસેમ્બર, 1982માં પશ્ચિમ બંગાળના નાનકડા ગામ કેશપુરમાં જન્મેલા દીપકના પિતા ગુરુદાસ અધિકારી કેટરિંગનો બિઝનેસ કરતા ને માતા મૌસમી હાઉસવાઇફ છે. દીપકે મુંબઈની કિશોર નમીત કપૂર એક્ટિંગ એકેડેમીમાંથી એક્ટિંગ કોર્સ કર્યો. ત્યારબાદ 2005માં બંગાળી ફિલ્મ 'અગ્નિશપથ'થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું. દીપક બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર ઉપરાંત પ્રોડ્યુસર, સિંગર, સ્ક્રીનરાઇટર તરીકે કામ કરે છે. આ ઉપરાંત 'દેવ એન્ટરટેઇનમેન્ટ વેન્ચર્સ' નામનું પ્રોડક્શન હાઉસ પણ છે. દીપકના સંબંધો એક્ટ્રેસ રુકમણી મૈત્રા સાથે છે. 2014થી ઘાટાલ લોકસભા બેઠકના સાંંસદ
દેવ એટલે કે દીપક અધિકારી 2014માં તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી ઘાટાલ બેઠક પર લડ્યા ને વિજેતા બન્યા. 2019 ને હવે 2024માં પણ તેઓ વિજેતા રહ્યા. આ તો વાત થઈ લોકસભાની, પરંતુ સાઉથ સુપરસ્ટાર પવન કલ્યાણે આંધ્ર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી છે. આટલું જ નહીં, પવન કલ્યાણની પાર્ટી જનસેના પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં પણ સારું પર્ફોર્મન્સ કર્યું છે. આ જ કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પવન કલ્યાણ અંગે કહ્યું હતું કે આ પવન નથી, પણ આંધી છે. પહેલીવાર બે બેઠક પરથી હાર્યા, બીજીવાર જંગી બહુમતીથી જીત્યા
2 સપ્ટેમ્બર, 1968માં આંધ્રપ્રદેશમાં જન્મેલા પવન કલ્યાણના પિતા કોનીડેલા વેંકટરાવ પોલીસ કોન્સ્ટેબલ ને માતા અંજના દેવી હાઉસવાઇફ હતા. પવન કલ્યાણને મોટો ભાઈ ચિરંજીવી તથા નાગેન્દ્ર બાબુ ને બે બહેનો વિજયા દુર્ગા ને માધવી રાવ છે. પવન કલ્યાણનું સાચું નામ કોનીડેલા કલ્યાણ બાબુ હતું, પરંતુ માર્શલ આર્ટ્સના પ્રેઝેન્ટેશન દરમિયાન તેણે પોતાનું નામ પવન કલ્યાણ કર્યું હતું. પવન કલ્યાણે 1996માં 'અક્કાડા અમ્માઇ ઇક્કાડા અબ્બાઇ'થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું. પવન કલ્યાણ ચાહકોમાં 'પાવર સ્ટાર' તરીકે જાણીતો છે. પવન કલ્યાણને માત્ર એક્ટિંગને કારણે જ નહીં, પરંતુ પોતાના 'ચેરિટી વર્ક'ને કારણે પણ આંધ્ર પ્રદેશની જનતાનો પ્રેમ મળ્યો છે. પવન કલ્યાણે 'કોમન મેન પ્રોટેક્શન ફોર્સ' (CMPF)ની સ્થાપના કરી છે અને તે આંધ્રપ્રદેશના જરૂરિયાતમંદ લોકોને શક્ય તેટલી મદદ કરે છે. પવન કલ્યાણ કરાટેમાં બ્લેક બેલ્ટ ધરાવે છે અને તેને વિવિધ માર્શલ આર્ટ્સ સારી ફાવટ છે. રાજકારણે બે ભાઈ વચ્ચે તિરાડ સર્જી
2008માં ચિરંજીવીએ 'પ્રજા રાજ્યમ પાર્ટી'ની શરૂઆત કરી ત્યારે પવન કલ્યાણ પાર્ટીનો 'યૂથ વિંગ'નો પ્રેસિડન્ટ હતો. પવન કલ્યાણે ચૂંટણી દરમિયાન ભાઈ માટે પ્રચાર પણ કર્યો હતો. જોકે ચિરંજીવીએ જ્યારે પોતાની પાર્ટી કોંગ્રેસમાં મર્જ કરી ત્યારે પવન કલ્યાણે પાર્ટી સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. આટલું જ નહીં, ચિરંજીવીના આ પગલાથી દુઃખી થઈને પવન કલ્યાણે ભાઈ સાથેના સંબંધો પણ નામ પૂરતા જ રાખ્યા હતા. પવન કલ્યાણે 2014માં પોતાની 'જન સેવા પાર્ટી' બનાવી. પવન કલ્યાણ 2024માં ચૂંટણી જીત્યા ત્યાર બાદ ચિરંજવીએ ભાઈએનું ઘરે ભવ્ય સ્વાગત કર્યું હતું. પહેલીવાર વિધાનસભાની ચૂંટણી હાર્યા
2019માં આંધ્રપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં પવન કલ્યાણ બે બેઠક ગજુવાકા તથા ભીમાવરમ પરથી ઊભો રહ્યા હતા, પરંતુ બંને બેઠક પરથી હાર્યા. 2019માં પવન કલ્યાણની પાર્ટી માત્ર એક સીટ રઝોલ પરથી વિજયી બની હતી. 2024માં પવન કલ્યાણની પાર્ટી વિધાનસભાની 21 બેઠક જીતી અને પવન કલ્યાણ પીઠાપુરમથી વિજેતા રહ્યો. લોકસભાની બે બેઠક પરથી પવન કલ્યાણની પાર્ટી જીતી. પવન કલ્યાણે કર્યાં છે ત્રણ-ત્રણ લગ્ન
પવન કલ્યાણે 1997માં નંદિની સાથે લગ્ન કર્યા હતા. પરિણીત હોવા છતાંય પવન કલ્યાણ એક્ટ્રેસ રેણુ દેસાઈ સાથે લિવ-ઇનમાં રહેતા. આટલું જ નહીં, લિવ-ઇન દરમિયાન રેણુએ 2004માં દીકરા અકીરાને જન્મ આપ્યો હતો. જૂન 2007માં નંદિનીએ પતિ વિરુદ્ધ કેસ કર્યો હતો અને એવો આક્ષેપ કર્યો હતો કે 'ડિવોર્સ આપ્યા વગર જ પવન કલ્યાણે બીજા લગ્ન કર્યા.' જોકે મેજિસ્ટ્રેટ કોર્ટે પુરાવાના અભાવે પવન કલ્યાણને નિર્દોષ છોડી મૂક્યો હતો. જુલાઈ, 2007માં નંદિની તથા પવન કલ્યાણના ડિવોર્સ થયા હતા. પવન કલ્યાણે નંદિનીને ભરણ પોષણ તરીકે પાંચ કરોડ રૂપિયા આપ્યા હતા. 2009માં પવન કલ્યાણે આઠ વર્ષના લિવ-ઇન રિલેશન બાદ રેણુ દેસાઈ સાથે લગ્ન કર્યા હતા. 2010માં દીકરી આદ્યાનો જન્મ થયો હતો. 2012માં પવન કલ્યાણ તથા રેણુ દેસાઈએ ડિવોર્સ આપી દીધા હતા. 2018માં રેણુએ દાવો કર્યો હતો કે તેની સંમતિ વિના જ પવન કલ્યાણે તેને ડિવોર્સ આપ્યા હતા. 2011માં ફિલ્મ 'તીન માર'ના શૂટિંગ દરમિયાન પવન કલ્યાણ રશિયન એક્ટ્રેસ અન્નાને મળ્યો હતો. બંનેએ સપ્ટેમ્બર, 2013માં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યાં હતાં. પવન કલ્યાણ તથા અન્નાને દીકરી પોલેના તથા દીકરો માર્ક છે. સૂત્રોના મતે, પવન કલ્યાણનાં આ બંને સંતાનો ક્રિશ્ચિયન છે અને તેમની 'બાપ્ટિઝમ'ની વિધિ રશિયામાં કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.