ડુમસ રોડ ખાતે ડાઈંગ મિલના માલિકના બંગલામાંથી રૂ.2.35 લાખની મત્તાની ચોરી - At This Time

ડુમસ રોડ ખાતે ડાઈંગ મિલના માલિકના બંગલામાંથી રૂ.2.35 લાખની મત્તાની ચોરી


- લોખંડનો ગેઇટ કૂદી આવેલો અજાણ્યો લિફ્ટમાં બીજા માળે આવી મિલ માલિકના પુત્રના ખુલ્લા રૂમમાંથી રૂ.1.50 લાખની ઘડિયાળ, રોકડા રૂ.60 હજાર, મોબાઈલ ચોરી ગયો - સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ સુરત,તા.27 ઓગષ્ટ 2022,શનિવાર સુરતના ડુમસ રોડ સ્થિત રાહુલરાજ મોલ નજીક આવેલી વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા ડાઈંગ મિલના માલિકના બંગલામાંથી ગુરૂવારે મળસ્કે લોખંડનો ગેઇટ કૂદી આવેલો અજાણ્યો લિફ્ટમાં બીજા માળે આવી મિલ માલિકના પુત્રના ખુલ્લા રૂમમાંથી રૂ.1.50 લાખની ઘડિયાળ, રોકડા રૂ.60 હજાર, મોબાઈલ મળી કુલ રૂ.2.35 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડુમસ રોડ સ્થિત રાહુલરાજ મોલ નજીક આવેલી વૃંદાવન પાર્ક સોસાયટી બંગલા નં.બી/20 માં રહેતા 57 વર્ષીય વિનયભાઇ રાધાકિશન અગ્રવાલ સચીન જીઆઈડીસીમાં સશ્વતીક પોલીપ્રિન્ટ પ્રા.લી ના નામે ડાઇંગ મિલ ધરાવે છે. ગત 24 મી ના રોજ તેમના પત્ની અને પુત્ર અમનની પત્ની બંને પિયર ગયા હોય સાંજે સાત વાગ્યે પિતા-પુત્ર મિલ પરથી ઘરે આવ્યા બાદ ત્રણ નોકર સાથે જમીને રાત્રે 11 વાગ્યે સુઈ ગયા હતા.જોકે, શુક્રવારે વહેલી સવારે છ વાગ્યે તેમને પુત્ર વિનયે ઉઠાડીને તેના રૂમમાંથી રૂ.1.50 લાખની ઘડિયાળ, રોકડા રૂ.60 હજાર, મોબાઈલ મળી કુલ રૂ.2.35 લાખની મત્તાની ચોરી થયાની જાણ કરી હતી.પિતા-પુત્રએ ઘરના સીસીટીવી કેમેરા ચેક કર્યા તો મળસ્કે 4.20 કલાકે 20 થી 25 વર્ષનો અજાણ્યો બંગલાનો લોખંડનો મેઈન ગેટ કૂદી પાર્કિંગમાં આવ્યો હતો અને લિફ્ટનો દરવાજો ખુલ્લો હોય તેના વાટે બીજા માળે આવી બધા રૂમમાં શોધખોળ કરી હતી. તે સમયે અમનના રૂમનો દરવાજો ખુલ્લો મળતા તેમાંથી ચોરી કરી તે દાદર ઉતરીને પાર્કિંગમાંથી ફરી લોખંડનો મેઈન ગેટ કૂદી 5.15 વાગ્યે ભાગી ગયો હતો. ચોરી અંગે વિનયભાઈએ ગતરોજ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.