વાછરડામાં લમ્પીના શંકાસ્પદ લક્ષણો દેખાયા બાદ તંત્ર જાગ્યું
મોટા ચિલોડામાં રખડતાં પશુમાં લક્ષણ દેખાયાં પશુપાલકોની ગાયો તેમજ ઓવરબ્રિજ અને ગરનાળા નીચે બેસી રહેતા ૫૦૦થી વધુ પશુઓનું રસીકરણ કરાયું ગાંધીનગર : મોટા ચિલોડામાં વાછરડામાં લમ્પી વાયરસના શંકાસ્પદ ચિહ્નો
જોવા મળ્યા બાદ પશુપાલન તંત્ર દોડતું થઈ ગયું છે. જેને પગલે ઘનિ પશુ સુધારણા ઉપકેન્દ્રની
ટીમ દ્વારા ગામમાં તેમજ જાહેર માર્ગો પર જઈને રખડતા પશુઓ તેમજ પશુપાલકોની ગાયોને
રસી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા રખડતી ગાયોના વાછરડામાં
લમ્પીના શંકાસ્પદ ચિહ્નો જોવા મળ્યા હતા.ગાયોમાં ફેલાતા લમ્પી વાયરસે હવે ગાંધીનગર જિલ્લામાં
પગપેસારો કર્યો હોય તેમ જણાય રહ્યું છે. તાજેતરમાં માણસા તાલુકાના અંબોડ અને
દેલવાડમાં કેટલાક પશુઓમાં શંકાસ્પદ ચિહ્નો જોવા મળ્યા હતા. ત્યારે રસીકરણની ઝુંબેશ
તેજ કરવામાં આવી હતી. જિલ્લામાં ૬૦ હજાર પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
ત્યારે હવે જિલ્લાના મોટા ચિલોડામાં પણ લમ્પી વાયરસે દસ્તક દીધી હોય તે પ્રકારે
રખડતા પશુમાં લક્ષણો દેખાયા હતા. બે દિવસ પહેલા રખડતી ગાયોના વાછરડામાં શંકાસ્પદ ચિહ્નો જોવા મળ્યા
હતા. જેને પગલે તંત્ર દોડતું થઈ ગયું હતું અને રસીકરણની કામગીરી પણ ઝડપથી હાથ ધરી
હતી. ચિલોડામાં રખડતા પશુના એક નાના વાછરડાને લમ્પી વાયરસના શંકાસ્પદ લક્ષણો
દેખાતા તંત્ર સાબદું થઈ ગયું હતું. જેના બાદ ઘનિ પશુ સુધારણા ઉપકેન્દ્ર ચિલોડાના
પશુ નિરીક્ષક અને તેમની ટીમ દ્વારા મોટા ચિલોડામાં રસીકરણ હાથ ધરાયું હતું. જે
અંતર્ગત રખડતા પશુ તથા પશુપાલકોની ગાયો ,
વાછરડા સહિત તમામ પશુઓને લમ્પી વાયરસ વિરોધી રસી આપવામાં આવી હતી. આ રસીકરણ
અભિયાનમાં ૫૦૦થી વધુ પશુઓને રસી આપી રક્ષાકવચ પૂરું પાડવામાં આવ્યું હતું. આ
અભિયાન અંતર્ગત ગામમાં રખડતા પશુઓને શોધીને ઓવરબ્રિજ અને ગરનાળા નીચે વરસાદમાં
આશરો લઈ રહેલા પશુધનને મહામહેનતે રસી મૂકી સફળતાપૂર્વક રસીકરણ અભિયાન હાથ ધરાયું
હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.