બે મહિનામાં મોનસુન કામગીરી પાછળ ૬.૬૧ કરોડનો ખર્ચ છતાં સ્થિતિ વણસી
અમદાવાદ,સોમવાર,11
જૂલાઈ,2022અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર બે મહિનામાં
મોનસુન કામગીરી પાછળ ૬.૬૧ કરોડ જેટલી જંગી રકમનો ખર્ચ કરવામાં આવ્યો હોવાછતાં
ચોવીસ કલાકમાં વરસેલા વરસાદને કારણે સમગ્ર શહેરમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા
હતા.શહેરીજનોને ભારે વરસાદને કારણે થયેલા નુકસાન બદલ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી
આર્થિક વળતર આપવા કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી છે.મ્યુનિસિપલ તંત્રની મોનસુન
કામગીરીની નિષ્ફળતાને લઈ ગુરુવારના રોજ વિપક્ષ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના
પદાધિકારીઓનો ઘેરાવ કરવામાં આવશે.દર વર્ષે અમદાવાદમાં મોનસુન એકિટવિટીના ઓઠા હેઠળ કરોડોની
રકમનો ખર્ચ કરવામાં આવે છે.આમ છતાં સામાન્ય એવા વરસાદની અંદર શહેરના અનેક રસ્તાઓ
ધોવાઈ જાય છે.નિચાણવાળા વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થઈ જાય છે.આમ છતાં કહેવાતી
કાગળ ઉપરની મોનસુનને લગતી કામગીરીના કારણે કલાકો સુધી ભરાયેલા વરસાદી પાણી ઉતરતા
હોતા નથી.લોકોના ઘર સુધી વરસાદી પાણી ઘુસી જાય છે.ઘરવખરી ઉપરાંત વાહનોને પણ વ્યાપક
પ્રમાણમાં નુકસાન થતું હોય છે.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે પ્રતિક્રીયા આપતા કહ્યુ,આ વર્ષમાં
મ્યુનિ.તંત્ર દ્વારા મોનસુન કામગીરીના નામે પૂર્વ ઝોનમાં કેચપીટ અને સ્ટ્રોમ વોટર
લાઈનની સફાઈ માટે ૨.૧૮ લાખ,
પશ્ચિમ ઉપરાંત ઉત્તર તથા દક્ષિણ ઝોનમાં અનુક્રમે પચાસ-પચાસ લાખની રકમનો ખર્ચ
કરવામાં આવ્યો છે.ઉપરાંત મધ્યઝોનમાં ત્રીસ લાખ, ઉત્તર-પશ્ચિમ ઝોનના વિસ્તારમાં ૧.૬૩ લાખ તેમજ દક્ષિણ-પશ્ચિમ
ઝોન હેઠળના વિસ્તારોમાં એક કરોડની રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે.બે મહિનામાં ૬.૬૧
કરોડ જેટલી જંગી રકમનો ખર્ચ કર્યા બાદ પણ શહેરનો એક પણ વિસ્તાર એવો જોવા મળ્યો નથી
કે જયાં વરસાદી પાણી ભરાયા ના હોય.
અમદાવાદ શહેરના લોકો ઉપર આવી પડેલી આ કુદરતી આફતના સમયમાં
નાગરિકોને મદદરુપ થવા કોંગ્રેસ તરફથી ૬૩૫૩૦૩૩૦૨૬ નંબરથી હેલ્પ લાઈન નંબર શરુ
કરવામાં આવ્યો છે.આ નંબરની મદદથી શહેરના કોઈપણ વિસ્તારમાં રહેતા નાગરિક મદદ મેળવવા
સંપર્ક કરી શકશે.ભારે વરસાદથી શહેરીજનોને
થયેલા નુકસાન બદલ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આર્થિક વળતર આપવાની કોંગ્રેસ પક્ષ
તરફથી માંગ કરવામાં આવી છે.ઉપરાંત ગુરુવારે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ
કમિશનર સહિતના પદાધિકારીઓનો ઘેરાવ કરાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.