લો બોલો ટામેટાંની સુરક્ષા માટે પોલીસ આખી રાત જાગી:ઝાંસીમાં હાઈવે પર 1800 કિલો ટામેટાં ભરેલી ટ્રક પલટી, લોકો લૂંટી ન લે તે માટે PSI અને 2 કોન્સ્ટેબલ ખડેપગે રહ્યા - At This Time

લો બોલો ટામેટાંની સુરક્ષા માટે પોલીસ આખી રાત જાગી:ઝાંસીમાં હાઈવે પર 1800 કિલો ટામેટાં ભરેલી ટ્રક પલટી, લોકો લૂંટી ન લે તે માટે PSI અને 2 કોન્સ્ટેબલ ખડેપગે રહ્યા


ઉત્તરપ્રદેશના ઝાંસીમાં હાઈવે પર એક ટ્રક પલટી ગઈ. ટ્રકમાં 1800 કિલો ટામેટાં ભરેલા હતા. ટ્રક પલટતાની સાથે જ હાઈવે પર 50 મીટરના વિસ્તારમાં ટામેટાં વિખરાઈ ગયા. દરમિયાન પાછળથી આવતી સ્કૂટી પર સવાર મહિલા ટ્રક સાથે અથડાઈ હતી અને ઈજાગ્રસ્ત થઈ હતી. બજારમાં 80થી 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા ટામેટાંની લૂંટ ન થાય તે માટે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ટ્રકને ઘેરી લેવામાં આવી હતી. પોલીસે સવાર સુધી ટામેટાંનો બંદોબસ્ત રાખ્યો હતો. આ ઘટના ગુરુવારે (17 ઓક્ટોબર) રાત્રે ઝાંસી-ગ્વાલિયર હાઈવે પર સિપરી બજારમાં બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગામના લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, પરંતુ પોલીસને જોઈને ટ્રકની નજીક ગયા નહોતા. ટામેટાંની રક્ષા કરતી પોલીસનો એક વીડિયો સામે આવ્યો છે. સૌથી પહેલાં અકસ્માતની 2 તસવીર પોલીસ ટામેટાંની સુરક્ષામાં લાગી
બેંગલુરુથી જતી ટ્રકમાં લગભગ 1800 કિલો ટામેટાં ભરેલા હતા. અર્જુન નામનો વ્યક્તિ આ ટ્રકને બેંગ્લોરથી દિલ્હી લઈ જઈ રહ્યો હતો. રાત્રે લગભગ 12 વાગ્યે ટ્રક ઝાંસી-ગ્વાલિયર હાઈવે પર સિપરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચતા જ ટ્રક કાબૂ બહાર થઈ ગઈ અને પલટી ગઈ. આ દરમિયાન ટ્રકની પાછળ આવતી સ્કૂટી સવાર મહિલાને ઈજા થઈ. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. ટામેટાં વેરવિખેર થયાના સમાચાર મળતા જ આસપાસના લોકો હાઈવે પર એકઠા થવા લાગ્યા હતા. કેટલાક લોકોએ વીડિયો બનાવવાનું શરૂ કર્યું. એટલામાં જ પોલીસ આવી પહોંચી. ગાય આવી જતા અકસ્માત સર્જાયોઃ ડ્રાઈવર
ટ્રક ડ્રાઈવર અર્જુને કહ્યું- હું અનંતપુર (બેંગલુરુ)થી દિલ્હી જઈ રહ્યો હતો. ટ્રકમાં ટામેટાં ભરેલા હતા. અચાનક એક ગાય ટ્રકની સામે આવી, જેના કારણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો અને ટ્રક પલટી ગઈ. હેલ્પર્નને સામાન્ય ઈજાઓ થઈ. મહિલા પાછળથી આવી રહી હતી. ટ્રક સાથે અથડાતા તે ઘાયલ થઈ ગઈ. ટામેટાના ભાવ કેમ આસમાને છે?
દિલ્હી અને આસપાસના રાજ્યોમાં આ દિવસોમાં ટામેટાં છૂટકમાં 120 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે ટામેટાના પાકને નુકસાન થયું છે. સપ્લાય ઘટવાને કારણે ટામેટાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જાણકારોના મતે ટામેટાંનો નવો પાક બજારમાં આવે ત્યાં સુધી ભાવ યથાવત્ રહેશે. અકસ્માત ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સિપરી બજાર પોલીસ સ્ટેશનના પ્રભારી અખિલેશ દ્વિવેદીએ કહ્યું- અકસ્માત બાદ પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવ્યો હતો. જેથી હાઇવે પર વિખેરાયેલા ટામેટાં અને ટ્રકના કારણે અકસ્માત ન થાય. જો કે સવારે ટ્રકને રોડ પરથી હટાવી લેવામાં આવી અને ટામેટાં પણ સલામત છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.