જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ હુમલાના આતંકીની તસવીર સામે આવી:હાથમાં રાઈફલ લઈને બિલ્ડિંગમાં ઘુસતો દેખાયો; હુમલામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં 20 ઓક્ટોબરે મોડી રાત્રે આતંકી હુમલો થયો હતો. જેમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલામાં સામેલ આતંકીની તસવીર સામે આવી છે. હાથમાં AK-47 જેવી રાઈફલ લઈને આ આતંકી એક બિલ્ડિંગમાં ઘૂસતો દેખાય છે. આતંકીની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાના સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ લીધી છે. સૂત્રોએ સોમવારે ભાસ્કરને જણાવ્યું કે TRF ચીફ શેખ સજ્જાદ ગુલ આ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. ખરેખરમાં, આતંકવાદીઓએ ગાંદરબલના ગગનગીર વિસ્તારમાં શ્રીનગર-લેહ નેશનલ હાઈવેની ટનલ કન્સ્ટ્રક્શન સાઈટ પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં બડગામના ડૉક્ટર શાહનવાઝ મીર અને પંજાબ-બિહારના 6 મજૂરોએ જીવ ગુમાવ્યો હતો. હુમલા બાદ ગાંદરબલ અને ગગનગીરના જંગલોમાં રાતથી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. હુમલાની તપાસ અને હાઈ એલર્ટના કારણે નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સી (NIA) પણ ગાંદરબલ પહોંચી ગઈ હતી. આતંકવાદી હુમલા પછીની 5 તસવીરો... ગગનગીર આતંકવાદી હુમલો, 4 પોઇન્ટ 1. હુમલામાં સામેલ 2-3 આતંકવાદીઓ, 1 મહિના સુધી રેકી કરી
સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું હતું કે ગગનગીર આતંકવાદી હુમલામાં 2-3 TRF આતંકવાદીઓ સામેલ હતા. તે છેલ્લા એક મહિનાથી બાંધકામ સ્થળની રેકી કરી રહ્યા હતા. જેથી આતંકીઓ હુમલા બાદ તરત જ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. 2. પંજાબ અને બિહારના મજુરોને નિશાન બનાવાયા હતા
જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે હુમલામાં બડગામના ડૉ. શાહનવાઝ અને કઠુઆના શશિ અબરોલ માર્યા ગયા હતા. આ સિવાય પંજાબના ગુરદાસપુરના ગુરમીત સિંહ, અનિલ કુમાર શુક્લા, ફહીમ નઝીર, મોહમ્મદ હનીફ અને બિહારના કલીમની હત્યા કરવામાં આવી હતી. આ તમામ કેન્દ્ર સરકારના ટનલ પ્રોજેક્ટમાં કામ કરતા હતા. 3. TRFએ સ્ટ્રેટેજી બદલી, હવે બહારના લોકો પણ નિશાના પર
રિપોર્ટ્સ અનુસાર TRFએ છેલ્લા દોઢ વર્ષમાં પોતાની સ્ટ્રેટેજી બદલી છે. અગાઉ TRF કાશ્મીર પંડિતોની ટાર્ગેટ કિલિંગ કરતી હતી. હવે આ સંગઠન બિન-કાશ્મીરીઓ અને શીખોને નિશાન બનાવી રહ્યું છે. 4 દિવસ પહેલા બિહારના મજૂર અશોક ચૌહાણની શોપિયાંમાં હત્યા કરવામાં આવી હતી. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. 4. બારામુલ્લામાં આતંકવાદીઓ માર્યા ગયા, ગાંદરબલ કનેક્શન નહીં
ગાંદરબલ હુમલા બાદ સુરક્ષા દળોએ 50 કિલોમીટર દૂર બારામુલ્લામાં એક આતંકીને ઠાર કર્યો છે. તેની પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે, પરંતુ હજુ સુધી ગાંદરબલ સાથે કોઈ કનેક્શન સામે આવ્યું નથી. અહીં પણ સોમવારે સવારથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હુમલા અંગે કોણે શું કહ્યું 370 હટાવ્યા પછી, TRF સક્રિય થઈ, ટાર્ગેટ કિલિંગ કર્યું
TRFને ભારતમાં આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય અધિકારીઓનું કહેવું છે કે TRFની રચના પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કરે કરી હતી. લશ્કર અને જૈશના કેડરને જોડીને તેની રચના કરવામાં આવી છે. આ સંગઠન કાશ્મીરીઓ, કાશ્મીરી પંડિતો અને હિન્દુઓની હત્યાની ઘણી ઘટનાઓમાં સામેલ છે. 2019માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ TRF વધુ સક્રિય બન્યું છે. TRF, લશ્કર નહીં, હુમલાની જવાબદારી લે છે. TRF નો ઉદ્દેશ્ય: 2020 પછી, TRF ટાર્ગેટ કિલિંગની મોટાભાગની ઘટનાઓમાં સામેલ હતી. કાશ્મીરી પંડિતો, પ્રવાસી કામદારો, સરકારી અધિકારીઓ, નેતાઓ અને સુરક્ષા દળોને નિશાન બનાવે છે. 370 હટાવ્યા પછી, કાશ્મીરી પંડિતોની સરકારી યોજનાઓ અને પુનર્વસન યોજનાઓમાં ખલેલ પહોંચાડવાનો અને શાંતિ ડહોંળવાનો તેમનો હેતુ છે. તેઓએ સરકાર કે પોલીસમાં કામ કરતા સ્થાનિક મુસ્લિમોને પણ નિશાન બનાવ્યા છે, જેમને તેઓ ભારતની નજીકના માને છે. 2024માં ટાર્ગેટ કિલિંગ
અગાઉ 2024માં પણ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ કરવામાં આવી હતી. કોઈપણ આતંકવાદી સંગઠને આ ટાર્ગેટ કિલિંગની જવાબદારી લીધી નથી, પરંતુ માનવામાં આવે છે કે તેની પાછળ પણ TRFનો હાથ છે. 1. રાજૌરી, 22 એપ્રિલ: આતંકવાદીઓએ રાજૌરીમાં એક ઘર પર ગોળીબાર કર્યો. જેમાં 40 વર્ષીય મોહમ્મદ રઝાકનું મોત થયું હતું. તે કુંડા ટોપે શાહદરા શરીફનો રહેવાસી હતો. એપ્રિલમાં ટાર્ગેટ કિલિંગની આ ત્રીજી ઘટના હતી. રઝાકના ભાઈઓ સેનામાં સૈનિક છે. 19 વર્ષ પહેલા આ જ ગામમાં આતંકીઓએ રઝાકના પિતા મોહમ્મદ અકબરની હત્યા કરી નાખી હતી. તે કલ્યાણ વિભાગમાં નોકરી કરતો હતો. રઝાકને તેના પિતાની જગ્યાએ નોકરી મળી હતી. 8 એપ્રિલ, શોપિયાં: બિન-કાશ્મીરી સ્થાનિક ડ્રાઇવર પરમજીત સિંહને દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના પદપાવનમાં આતંકવાદીઓએ ગોળી મારી હતી. તે દિલ્હીનો રહેવાસી હતો. પરમજીત જ્યારે પોતાની ડ્યુટી પર હતો ત્યારે આતંકીઓએ તેના પર હુમલો કર્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ફેબ્રુઆરી, હબ્બા કદલ: શ્રીનગરમાં 7 ફેબ્રુઆરી 2024ના રોજ, આતંકવાદીઓએ હબ્બા કદલ વિસ્તારમાં શીખ સમુદાયના બે લોકોને AK-47 રાઈફલથી ગોળી મારી દીધી હતી. મૃતકોની ઓળખ અમૃત પાલ (31) અને રોહિત મસીહ (25) તરીકે થઈ છે, જે અમૃતસરના રહેવાસી છે. અમૃત પાલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સારવાર દરમિયાન રોહિતનું મોત નીપજ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો... જમ્મુ-કાશ્મીરના પૂંછમાં 2 આતંકવાદીઓની ધરપકડ, 3 ગ્રેનેડ અને 1 પિસ્તોલ પણ મળી આવી જમ્મુ-કાશ્મીરના પુંછમાં શનિવારે સવારે સુરક્ષા દળોએ 2 આતંકીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 3 ગ્રેનેડ અને 1 પિસ્તોલ પણ મળી આવી હતી. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે આ બંને જમ્મુ-કાશ્મીર ગઝનવી ફોર્સ નામના સંગઠન સાથે સંકળાયેલા હાઇબ્રિડ આતંકવાદી છે. હાઇબ્રિડ આતંકવાદીઓ સામાન્ય નાગરિકોની જેમ આ વિસ્તારમાં રહે છે, પરંતુ ગુપ્ત રીતે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોય છે અથવા આતંકવાદીઓને મદદ કરે છે. તેમની ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.