સાંઠગાંઠ:પાકિસ્તાન સરકાર ખાણોની સુરક્ષા માટે આતંકવાદી સંગઠનોને ‘હપ્તા’ ચૂકવે છે
પાકિસ્તાન ભલે પોતાના દેશમાં પ્રોજેક્ટ ચલાવવા માટે ચીનને સુરક્ષા આપવાના મોટાં મોટાં વચનો આપી રહ્યું હોય પરંતુ જમીની વાસ્તવિકતા કંઈક અલગ છે. પાકિસ્તાનના બલુચિસ્તાન રાજ્યની સરકાર તેના ખાણઉદ્યોગને સુરક્ષા આપવા સક્ષમ નથી. તે ખાણઉદ્યોગને બચાવવા માટે આતંકવાદી સંગઠનોને હપ્તા ચૂકવે છે. સરકાર પ્રતિબંધિત આતંકવાદી જૂથ બલુચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ)ને પૈસા આપે છે જેથી તેઓ ખાણકામ કંપનીઓના કર્મચારીઓ પર હુમલો ન કરે. અગાઉ ચીનના અધિકારીઓ પર હુમલાની ઘટના બની હતી. નોંધનીય છે કે બલુચિસ્તાન પ્રાંતના હમાઈ, દેગારી, માચ, ઝિયારત, ચામલાંગ અને અબેગામમાં કોલસાનો વિશાળ ભંડાર છે. અહીં 21 કરોડ ટન કોલસાનો અંદાજ છે. સરકાર બીએલએને સુરક્ષાદળો કરતાં વધુ પૈસા ચૂકવે છે
ચામલાંગ ખાણોમાંથી દરરોજ લગભગ 200-250 ટ્રક કોલસો દેશના વિવિધ ભાગોમાં મોકલવામાં આવે છે. કોલસો 4000-4500 રૂપિયા પ્રતિ ટનના ભાવે વેચાઈ રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે બલુચિસ્તાન સરકારને કોલસાની ખાણોમાંથી ખનન કરવામાં આવતા પ્રત્યેક ટન માટે માત્ર રૂ. 360 મળે છે. અર્ધલશ્કરી દળ ફ્રન્ટિયર કોર્પ્સને ખાણોની સુરક્ષા માટે 240 રૂપિયા પ્રતિ ટન ચૂકવવામાં આવે છે. બીજી તરફ, પ્રતિબંધિત આતંકી સંગઠન બલુચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ)ને ખાણ અને ખનિજ વહન કરતી ટ્રકો પર હુમલો ન કરવા માટે પ્રતિ ટન 260 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ બીએલએને બેન્ક ખાતા દ્વારા આપવામાં આવે છે. અન્ય પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ને ખાણો પર હુમલો ન કરવા માટે વધુ 60 રૂપિયા આપે છે. જોકે, પાકિસ્તાન સરકાર બીએલએ અને ટીટીપી જેવાં પ્રતિબંધિત જૂથો સાથે આવી ગોઠવણ કરવાનો ઇનકાર કરે છે. જે હવે બલુચ આતંકવાદી જૂથો સાથે ગઠબંધન કરીને બલુચિસ્તાનમાં ફેલાઈ ગયા છે. બલુચિસ્તાનમાં 3 હજાર ખાણો, 40 હજાર લોકોને રોજગાર મળે છે
પાકિસ્તાન સરકાર માઈનિંગ કંપનીઓને સુરક્ષા આપવાના નામે આતંકવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ કરી રહી છે. બલુચિસ્તાનની અર્થવ્યવસ્થામાં ખાણકામ ક્ષેત્રનો મોટો ફાળો છે. અહીં 3 હજારથી વધુ કોલસાની ખાણો છે. જ્યાં 40 હજારથી વધુ મજૂરો કામ કરે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દર વર્ષે 45.06 લાખ ટન કોલસાનું ઉત્પાદન કરે છે અને તે વિશ્વમાં 34મા ક્રમે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.