MPમાં ઘરમાંથી 5 લોકોના લટકતા મૃતદેહ મળ્યા:એ જ તારીખ અને એવી જ ઘટના, 6 વર્ષ પહેલાં આજે દિલ્હીના બુરારીમાં પરિવારના 11 લોકોએ આપઘાત કરેલો
મધ્યપ્રદેશના અલીરાજપુરમાં એક ઘરમાં પતિ, પત્ની અને ત્રણ બાળકના મૃતદેહ લટકેલી હાલતમાં મળ્યા છે. આ હત્યા છે કે આત્મહત્યા એ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે પાંચેય મૃતકોના મૃતદેહને પોતાની કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ આ મામલે તપાસમાં વ્યસ્ત છે. ઘટનાની માહિતી મળતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તમને જણાવી દઈએ કે આ ઘટનાએ દિલ્હીના બુરારીમાં બરાબર 6 વર્ષ પહેલાં 1 જુલાઈ, 2018ના રોજ બનેલા બુરારી સામૂહિક આત્મહત્યા કેસની યાદો તાજી કરી દીધી છે. આ ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. મળતી માહિતી મુજબ, સોમવારે અલીરાજપુર જિલ્લાના સોંડવા પોલીસ સ્ટેશન વિસ્તારના રૌરી ગામમાં એક ઘરની અંદર પતિ, પત્ની અને ત્રણ બાળકના મૃતદેહ લટકેલા મળ્યા હતા. મૃતકના સંબંધીઓએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસ દરેક એંગલથી આ ઘટનાની તપાસ કરી રહી છે. સંબંધીઓએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી
ઘટનાની માહિતી મળતાં જ એસપી રાજેશ વ્યાસ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ પરિવારજનોનાં નિવેદન લઈ રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે પરિવારના કોઈ સભ્યએ ક્યારેય કોઈ સમસ્યાનો ઉલ્લેખ કર્યો નથી. સવારે રાકેશના કાકા ઘરે પહોંચ્યા ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. બીજેપી મંડળના પ્રમુખ જયપાલ સિંહે કહ્યું, 'આ પરિવાર આત્મહત્યા જેવું પગલું ભરી શકે નહીં, આ હત્યા છે. પોલીસે આ અંગે તપાસ કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે પરિવારના 5 સભ્યના મૃતદેહ મળી આવતાં સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. એસપીએ કહ્યું- પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ
એસપી રાજેશ વ્યાસે જણાવ્યું હતું કે સવારે 7 વાગ્યે આ બાબતની જાણ થઈ હતી. રાકેશનું ઘર તેના ખેતર પાસે જ બનેલું છે. મામલો ગંભીર છેસ તેથી એફએસએલ ટીમને બોલાવવામાં આવી છે. સાયબર ટીમ પણ તહેનાત કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે કે મૃત્યુ કયા સંજોગોમાં થયું છે. કલેક્ટર ડૉ. અરવિંદ અભય બેડેકરે જણાવ્યું હતું કે મૃત્યુ કયા સંજોગોમાં થયું એ કહેવું વહેલું છે. પોલીસની ટીમ ગંભીરતાથી તપાસ કરી રહી છે. શું છે બુરારીકાંડ?
દેશની રાજધાની દિલ્હીમાં બુરારી સામૂહિક આત્મહત્યાની ઘટનાને આજે 6 વર્ષ પૂર્ણ થયાં છે. બુરારીના સંતનગરમાં એક ઘરમાં 1 જુલાઈ, 2018ના રોજ એક જ પરિવારના 11 સભ્ય દ્વારા સામૂહિક આત્મહત્યાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટના લાંબા સમય સુધી દેશભરમાં હેડલાઇન્સમાં રહી હતી. ઘરની અંદરનું દૃશ્ય જોઈને લોકો ચોંકી ઊઠ્યા હતા. શરૂઆતમાં આ હત્યાનો મામલો જણાતો હતો, પરંતુ ઘરના દરવાજા પર લાગેલા સીસીટીવી કેમેરા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આખા પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હોવાનું સ્પષ્ટ થયું હતું. પરિવારના વડા લલિત ભાટિયા તંત્ર-મંત્રનો શિકાર બનીને સમગ્ર પરિવારને આત્મહત્યા કરવા મજબૂર બન્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.