ઇઝરાયલની સેનાએ ઘાયલ પેલેસ્ટિનિયનને જીપ આગળ બાંધી ફેરવ્યો:યુવક ફાયરિંગમાં ઘાયલ થયો હતો, પરિવારે કહ્યું- એમ્બ્યુલન્સ બોલાવવા કહ્યું હતું; સૈનિકોએ બોનેટ પર બાંધી દીધો
ઇઝરાયલના સૈનિકોએ શનિવારે વેસ્ટ બેંકના જેનિનમાં દરોડા દરમિયાન તેમની ગાડીની આગળ બાંધીને એક ઘાયલ પેલેસ્ટિનિયન યુવકને લઈ જતા દેખાયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ખરેખરમાં ઇઝરાયલની સેના વેસ્ટ બેંકના વાદી બુકરિન વિસ્તારમાં કેટલાક વોન્ટેડ પેલેસ્ટાઈનીયનોને પકડવા ગઈ હતી. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના જણાવ્યા અનુસાર ઓપરેશન દરમિયાન સેના અને પેલેસ્ટિનીયો વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. આ પછી સૈનિકો ઘાયલ પેલેસ્ટિનીયનને વિસ્તારની બહાર લાવ્યા હતા. તેઓએ ઘાયલને જીપની આગળ બાંધી દીધો હતો. જો કે, બાદમાં તેને UNની રેડ ક્રેસન્ટ ટીમને સોંપવામાં આવ્યો હતો. સેનાએ કહ્યું- આ અમારા આદેશની વિરુદ્ધ છે, અમે સજા કરીશું
બીબીસી અનુસાર પેલેસ્ટિનિયનનું નામ મુજાહિદ આઝમી હતું. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે આ બાબતની પુષ્ટિ કરી છે અને તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે વીડિયોમાં જે દેખાય છે તે અમારા આદેશની વિરુદ્ધ છે. અમે તેની તપાસ કરીશું અને દોષિતોને સજા આપીશું. ઘાયલ પેલેસ્ટિનિયનના પરિવારે જણાવ્યું હતું કે તેઓએ ઇઝરાયલની સેના પાસે એમ્બ્યુલન્સ મંગાવી હતી. પરંતુ તેના બદલે તેઓએ પેલેસ્ટિનિયનને જીપના બોનેટ સાથે બાંધી દીધો હતો. આ પહેલા શનિવારે કેટલાક બંદૂકધારીઓએ પશ્ચિમ કાંઠાના કાલકિલ્યા વિસ્તારમાં ઇઝરાયલના એક નાગરિકની હત્યા કરી હતી. આ પછી તેમની કારને આગ ચાંપી દેવામાં આવી હતી. મામલો સામે આવ્યા બાદ મોટી સંખ્યામાં ઇઝરાયલના સૈનિકો ત્યાં પહોંચી ગયા હતા. તેમણે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. ઇઝરાયલની સેનાએ કહ્યું હતું કે તેમના દેશના કોઈપણ નાગરિકને પેલેસ્ટાઈન ઓથોરિટી દ્વારા નિયંત્રિત વેસ્ટ બેંકમાં જવાની મંજૂરી નથી. જો કે, કેટલાક ઇઝરાયલીઓ હજુ પણ સસ્તા શાકભાજી અને અનાજની શોધમાં વેસ્ટ બેંકમાં જાય છે. યુદ્ધ શરૂ થયું ત્યારથી વેસ્ટ બેંકમાંથી 480 પેલેસ્ટિનિયનો મૃત્યુ પામ્યા
હમાસ સામેના યુદ્ધની શરૂઆતથી, ઇઝરાયલ વેસ્ટ બેંકમાં સતત ઓપરેશન ચલાવી રહ્યું છે. યુએન અનુસાર, આ દરમિયાન લગભગ 480 પેલેસ્ટિનિયનોના મોત થયા છે. તેમાં સશસ્ત્ર જૂથો, હુમલાખોરો અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. વેસ્ટ બેંકમાં ઓપરેશન દરમિયાન 6 સૈનિકો સહિત ઇઝરાયેલના 10 લોકોના પણ મોત થયા હતા. વેસ્ટ બેંક ઉપરાંત, ઇઝરાયલના સૈનિકો પર ગાઝામાં પણ ઘણી વખત પેલેસ્ટિનિયનોને ત્રાસ આપવાનો આરોપ છે. માર્ચમાં, પેલેસ્ટિનિયન મહિલાના અન્ડરવેર સાથે ઇઝરાયલી સૈનિકોના કેટલાક વીડિયો વાયરલ થયો હતો. જેમાં સૈનિકના એક હાથમાં બંદૂક અને બીજા હાથમાં મહિલાનું અન્ડરવેર હતો. વીડિયો વાઈરલ થયા બાદ ઇઝરાયલની સેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. ઇઝરાયલના સૈનિકો પર પેલેસ્ટિનિયનોને નિર્વસ્ત્ર કરીને ફેરવવાનો આરોપ
26 ડિસેમ્બર, 2023ના રોજ, CNNએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોને ટાંકીને દાવો કર્યો હતો કે ગાઝામાં ઇઝરાયલના સંરક્ષણ દળ IDFએ પેલેસ્ટિનિયન પુરુષો અને 2 બાળકોને નિર્વસ્ત્ર કરીને તેમની અટકાયત કરી હતી. વીડિયોમાં, એક ફૂટબોલ સ્ટેડિયમમાં પેલેસ્ટિનિયનો તેમના હાથ પીઠ પાછળ બાંધેલા, અર્ધનગ્ન હાલતમાં સાથે બેઠેલા જોવા મળ્યા હતા. જેમાં બે બાળકોનો પણ હતા. કેટલાક લોકોની આંખે પાટા પણ બાંધવામાં આવ્યા હતા. આ પહેલા 9 ડિસેમ્બરના રોજ ગાઝામાં પેલેસ્ટિનિયનોના આત્મસમર્પણનો વીડિયો સામે આવ્યો હતો. કોઈના શરીર પર કપડા નહોતા, લોકો માત્ર અન્ડરવેર પહેરીને જ ઉભા રહેલા દેખાતા હતા. આ પછી એક વ્યક્તિ આગળ આવે છે, તેના હાથમાં બંદૂક છે. ઇઝરાયલી સૈનિક તેને ધીમે ધીમે આગળ વધવા માટે કહી રહ્યો છે. આ પછી વ્યક્તિ બંદૂકને જમીન પર મૂકે છે અને પાછો ફરે છે. જો કે, ઇઝરાયલે આ મુદ્દે કોઈ નિવેદન આપ્યું નહોતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.