સંસ્કૃતિ પર સંકટ:એમેઝોનનાં ગાઢ જંગલોમાં વસતી જનજાતિ સુધી ઇન્ટરનેટ પહોંચ્યું; યુવાનો શિકાર-કામને ભૂલી રીલ્સમાં ડૂબ્યા - At This Time

સંસ્કૃતિ પર સંકટ:એમેઝોનનાં ગાઢ જંગલોમાં વસતી જનજાતિ સુધી ઇન્ટરનેટ પહોંચ્યું; યુવાનો શિકાર-કામને ભૂલી રીલ્સમાં ડૂબ્યા


ધરતી પરના સૌથી અલગ-ધલગ એમેઝોનનાં ગાઢ જંગલોના અંતરિયાળ વિસ્તારમાં મારુબો જનજાતિના લોકો સેંકડો વર્ષોથી રહે છે. તે બ્રાઝિલમાં ઇટુઈ નદીના કિનારે સેંકડો કિલોમીટર સુધી ફેલાયેલી ઝૂંપડપટ્ટીમાં રહે છે. અહીં સુધી પહોંચવામાં પગપાળા એક અઠવાડિયાનો સમય લાગી જાય છે. તેમની ભાષા દુનિયાથી અલગ છે. જંગલનાં દેવી-દેવતાઓથી જોડાવા વિશેષ નૃત્ય કરે છે. ઉજવણી કરવાની હોય તો જંગલી સ્પાઇડર મંકીનો સૂપ પીએ છે. અહીંના વૃદ્ધોને દુનિયાથી દૂર રહીને પોતાની જીવનશૈલી બચાવી રાખવા પર ગર્વ છે. પણ ગયા સપ્ટેમ્બરમાં એલન મસ્કના કારણે મારુબોના ગામમાં સેટેલાઇટથી હાઈ-સ્પીડ ઇન્ટરનેટ પહોંચ્યું. હવે માત્ર 9 મહિનામાં જ તેની સંપૂર્ણ સંસ્કૃતિ પર સંકટનાં વાદળો ઘેરાવાનું જોખમ ઊભું થયું છે. હકીકતે, બે હજારની વસ્તીવાળી આ જનજાતિના લોકોના વિકાસ માટે સ્ટારલિન્કનું નેટવર્ક પહોંચાડાયું. તેની મદદથી ઝેરી સાપ કરડવાથી તે તરત સહાય માટે કોલ કરી શકે છે. દૂરના સંબંધીઓની જાણ તરત થવા લાગી. ભણતર માટે ઓનલાઇન ક્લાસના ફાયદા જણાવવામાં આવ્યા. બધા બહુ ખુશ હતા. જોકે, બહુ જલદી અહીંની સ્થિતિ બદલાઈ ગઈ. મારુબો લોકોના લીડર અલ્ફ્રેડો મારુબોએ જણાવ્યું કે હવે યુવાનો આખો દિવસ હિંચકે હિંચતા રહે છે અને તેમના ફોન સાથે ચોંટેલા રહે છે. વોટ્સએપ-ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા લોકો સાથે ગપસપ કરતા રહે છે કે રીલ્સ જોતા રહે છે. ચેટમાં એક-બીજા સાથે અશ્લીલ વીડિયો પણ શેર કરી રહ્યા છે. તેનાથી તેમનો વ્યવહાર પણ આક્રમક થઈ રહ્યો છે. 40 વર્ષીય એનોકે મારુબો કહે છે કે આ જંગલોમાં અમે શિકાર ન કરીએ, માછલી ન પકડીએ તો ખોરાક મેળવવો પણ મુશ્કેલ બની જાય છે. પરંતુ, કબીલાના યુવાનો ઇન્ટરનેટથી આળસુ થઈ રહ્યા છે. અમને ડર છે કે ઇન્ટરનેટથી સજ્જ આ મોબાઇલ ક્યાંક સંપૂર્ણ સંસ્કૃતિ માટે ઘાતક સાબિત ન થાય. મર્યાદા નક્કી કરાઈ: સીમિત સમય માટે જ ઇન્ટરનેટ, શિક્ષણ પર ફોકસ
મારુબો જાતિના નેતા સમજી ગયા છે કે તેમણે કેટલાંક સખત પગલાં ભરવાની જરૂર છે. જે હેઠળ તેમણે અનુશાસન લાગુ કર્યું છે. ઇન્ટરનેટ હવે સવારે માત્ર 2 કલાક, સાંજે 5 કલાક અને માત્ર રવિવારે આખો દિવસ ચાલુ રહેશે. આ દરમિયાન, મારુબો નેતા ગામોમાં સ્વાસ્થ્ય સંબંધી મુદ્દાઓ અને પર્યાવરણ વિનાશ વિશે સચેત કરે છે. અહીંના શિક્ષક અલગ-અલગ ગામોના વિદ્યાર્થીઓને તેમની મદદથી ભણવા માટે એકત્ર કરે છે. સાથે જ, યુવાઓને તેના દુરુપયોગને લઈને સતર્ક કરાઈ રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.