કેન્સર સામે જંગ મોટી તૈયારી જરૂરી:દર 9મા ભારતીયને કેન્સરનો ખતરો, 80% કેસમાં વિલંબથી મોત - At This Time

કેન્સર સામે જંગ મોટી તૈયારી જરૂરી:દર 9મા ભારતીયને કેન્સરનો ખતરો, 80% કેસમાં વિલંબથી મોત


દિલ્હીની એક હૉસ્પિટલમાં બ્રેસ્ટ કેન્સરની મોંઘી સારવાર કરાવ્યા છતાં પણ પત્ની સુધાને બચાવી નહીં શક્યાનો અફસોસ વિકાસ કુમારને આજીવન રહેશે. તેમને છ મહિનાના ટેસ્ટ પછી લાસ્ટ સ્ટેજમાં કેન્સરની જાણ થઈ હતી. કેન્સરનો સૌથી વધુ ગ્રોથ આ 6 મહિના દરમિયાન જ થયો હતો. 6 મહિના નિદાનની પ્રક્રિયામાં જ વીતી ગયા હતા. આ પીડા માત્ર વિકાસની નથી. દેશમાં કેન્સરના 80 ટકા કેસમાં દર્દીને નિદાનમાં વિલંબના કારણે બચાવી શકાયા નહોતા. ફેફસાંના કેન્સરના 90 ટકા કેસમાં છેલ્લા તબક્કાઓમાં જ જાણ થાય છે. જ્યારે સ્તન કેન્સરના કેસમાં આ પ્રમાણ 50 ટકાની આસપાસ છે. સર્વાઇકલ અને મોંઢાના કેન્સરના 70 ટકા કેસમાં એડવાન્સ સ્ટેજમાં પહોંચ્યા પછી નિદાન થાય છે. 2013માં 4.78 લાખની તુલનામાં 2023માં કેન્સરથી બમણા મોત (9.16 લાખ) થયા છે. દેશમાં 22 વર્ષમાં દોઢ કરોડથી વધુ કેન્સર દર્દીના મોત થયાં હતાં. કેન્સરના કેસોમાં ચીન અને અમેરિકા બાદ ભારત ત્રીજા ક્રમે છે. હાલ ભારતમાં 2.6 કરોડથી વધારે કેન્સર પેશન્ટ છે. 2025 સુધી આ સંખ્યા 3 કરોડ થઈ શકે છે. ‘જીવલેણ’ આંકડા: કેન્સરથી મોતમાં યુપી ટૉપ પર, સૌથી વધુ કેસ બ્રેસ્ટ કેન્સરના
દર્દી: વર્ષ 2022માં યુપી, મહારાષ્ટ્ર, પ.બંગાળ, બિહાર અને તમિલનાડુમાં કેન્સરના સૌથી વધુ કેસ નોંધાયા.
મોત: 2022માં યુપીમાં 1.16 લાખ, મહારાષ્ટ્રમાં 67 હજાર, પ.બંગાળમાં 63 હજાર, બિહારમાં 61 હજાર અને તમિલનાડુમાં 51 હજાર મોત થયા. કેન્સરથી મોતમાં આ રાજ્યો આગળ. કેન્સરના પ્રકાર: ભારતમાં કેન્સરના દરેક પ્રકારના કેસ છે. જે વિવિધ અંગ અને ઘણા કેસમાં એકથી વધુ અંગોને અસર કરે છે. 2022ના આંકડા અનુસાર ભારતમાં પાંચ પ્રકારના કેન્સરના સૌથી વધુ કેસ છે. વિલંબ કેમ: 81% પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 64% જિલ્લા હૉસ્પિટલોમાં સુવિધા નહીં
ઇન્ફ્રાસ્ટ્રક્ચર: 31 હજારથી વધુ પીએચસી (પ્રાઇમરી હેલ્થ સેન્ટર)માંથી 19% ટકામાં જ 3 મુખ્ય પ્રકારના કેન્સર (સર્વાઇકલ, સ્તન અને ઓરલ)ના સ્ક્રીનિંગની સુવિધા છે. 6 હજારથી વધુ સીએચસી (કમ્યુનિટી હેલ્થ સેન્ટર)માં આ પ્રમાણ 20.4% છે. 734 જિલ્લા હૉસ્પિટલમાંથી 35.7%માં જ સ્ક્રીનિંગની સુવિધા છે. માત્ર 10% વસ્તી જ નિદાનનું કવર ધરાવે છે.
ખર્ચ: કૉલોનોસ્કૉપી રૂ.10 હજારથી 25 હજારમાં. એક્સ રે ઇમેજિંગ, મેમોગ્રાફીનો ખર્ચ 1 હજારથી 2500 રૂપિયા. એફએનએસી ટેસ્ટનો ખર્ચ 800થી 2600 રૂપિયા. રેડિયો ઇમેજિંગ ટેસ્ટ પીઇટીનો ખર્ચ 10 હજાર સુધી છે. જો એમાં કેન્સર ન પકડાય તો બાયોપ્સી ટેસ્ટનો ખર્ચ 25 હજારથી 2.5 લાખ રૂપિયા સુધી છે. દિલ્હી એઇમ્સમાં બે મહિનાનું વેઇટિંગ છે.
સરકારી વ્યવસ્થા: દેશમાં ચાલતા 1.63 લાખથી વધારે કેન્દ્રોની સાથે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર નેટવર્કે મોઢાના કેન્સરના 18.46 કરોડ, સ્તન કેન્સરના 8.88 કરોડ તથા સર્વાઇકલ કેન્સરના 4.9 કરોડ ટેસ્ટ કર્યા છે. લક્ષણ-કારણ: નિદાનનો પડકાર? અવાજ બેસી જવો, ગાંઠ દેખાય, વજન ઘટે તો બતાવો
​​​​​​​લક્ષણ: સતત ઘા રહેવો. ખાસ કરીને મોંઢા, હોઠ કે જીભ પર. પહેલા ન હોય એવી જગ્યાએ ગાંઠ દેખાવી. કોઈપણ છીદ્રમાંથી અસામાન્ય રક્તસ્ત્રાવ. ખાંસી કે લોહીની ઉલટી થવી. પેશાબ કે મળાશયમાંથી લોહી પડવું. માસિક વખતે કે એ પછી અસામાન્ય રક્તસ્ત્રાવ થવો. સતત અવાજ બેસી જવો કે લાંબો સમય ખાંસી રહેવી. અકારણ વજન ઘટી જવું. ચક્કર આવવા કે વીકનેસ અનુભવવી.
કારણ: ધુમ્રપાન, પાન-મસાલા, તમાકુ ચાવવી. દેશી-વિદેશી દારૂનું વધારે પડતું સેવન કરવું. વાયુ પ્રદૂષણ, કુપોષણ અને વધુ પડતી ફેટવાળુ ભોજન લેવું. નિયમિત શારીરિક સક્રિયાતા કે કસરતનો અભાવ.
પડકાર: ફેફસાંના કેન્સરના લાખો દર્દી યોગ્ય નિદાન પહેલા સારવાર માટે મહિનાઓ સુધી અન્ય ડૉક્ટરોને બતાવતા રહ્યા. જ્યાં બીમારીના લક્ષણની દવા અપાતી રહી. નિષ્ણાંત સુધી પહોંચવામાં વિલંબ થયો.
ગ્રાસનળીના કેન્સરથી પીડિત અનેક દર્દીઓનું વજન ઘટી જવું અને ગળવામાં મુશ્કેલી પડવી જેવા લક્ષણો. સ્થાનિક ડૉક્ટરોને કેન્સરની શંકા નહોતી. તેથી બહુ મોડા જાણ થઈ. ડૉક્ટરો લક્ષણ સમજી શકતા નથી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.