તંત્ર દ્વારા ફરી ઝુંબેશ શરુ કરાઈ, અમદાવાદમાં બે હોસ્પિટલ સાથે ૧૫૨ બી.યુ.વગરનાં યુનિટ સીલ
અમદાવાદ,શનિવાર,16 જૂલાઈ,2022ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદમાં બિલ્ડિંગયુઝ પરમીશન ના
ધરાવતા બિલ્ડિંગ સામે કાર્યવાહી કરવાના આપેલા આદેશને ધ્યાનમાં લઈ મ્યુનિ.તંત્રે
ફરી આ પ્રકારે બી.યુ.પરમીશન ના ધરાવતા બિલ્ડિંગ-એકમને સીલ કરવા કાર્યવાહી હાથ ધરી
છે.સરખેજમાં ઉજાલા તેમજ નવરંગપુરામાં હેલ્ધી માઈન્ડ હોસ્પિટલનો ઉપયોગ બંધ કરાવાયો
છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા
શનિવારે ૧૪૮ કોમર્શિયલ યુનિટ,બે
હોસ્પિટલ યુનિટ તથા બે રહેણાંક યુનિટને સીલ કર્યા હતા.નારોલ દક્ષિણમાં ૪૩ યુનિટ
સીલ કરાયા હતા.ચકુડીયા મહાદેવ,ગોમતીપુર
પાસે ગુલશન પાર્કમાં ૭૫ ઈન્ડસ્ટ્રીયલ યુનિટ સીલ કરવામાં આવ્યા હતા.ખાડિયામાં શેઠ
હીરજીની પોળ તથા જમાલપુરમાં લલ્લુ રાયજીના વંડા ખાતે એક-એક રહેણાંક યુનિટ સીલ
કરાયા હતા.
બોડકદેવ વોર્ડમાં ઝીંઝર હોટલ પાસે ટી.પી.સ્કીમ.નંબર-૫૦ના
ફાઈનલ પ્લોટ નંબર-૪૬ અને પ્લોટ નંબર-૧૬-૬ ખાતે ૨૩ કોમર્શિયલ યુનિટ સીલ કરવામાં
આવ્યા હતા.મકરબામાં મરઘા ફાર્મની બાજુમાં
નોન ટી.પી.એરિયામાં પાંચ કોમર્શિયલ યુનિટ સીલ કરાયા હતા.કોર્પોરેટ રોડ,સરખેજ ખાતે એક
કોમર્શિયલ યુનિટ સીલ કરાયુ હતું.સરખેજ પોલીસ સ્ટેશનથી ધોળકા રોડ ઉપર આવેલ ઉજાલા
હોસ્પિટલ તથા પશ્ચિમ ઝોનમાં રાજવીન હાઉસ,શ્રેયસ
બ્રીજ પાસે એક કોમર્શિયલ યુનિટ તથા કોમર્સ છ રસ્તા પાસે આવેલ હેલ્ધી માઈન્ડ
હોસ્પિટલના યુનિટને સીલ કરવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.