બોમ્બે હાઈકોર્ટે ‘હમારે બારાહ’ની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો:કેસની વધુ સુનાવણી 10 જૂને થશે, CBFC ફિલ્મમાં કરી શકે છે ફેરફાર
બોમ્બે હાઈકોર્ટે અન્નુ કપૂરની આગામી ફિલ્મ 'હમારે બારહ'ની રિલીઝ પર 14 જૂન સુધી રોક લગાવી દીધી છે. નોંધનીય છે કે, આ ફિલ્મ 7 જૂને એટલે કે આવતી કાલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. હાલમાં જ પુણેના રહેવાસી એક વ્યક્તિએ આ ફિલ્મ વિરૂદ્ધ અરજી કરી હતી, જે બાદ બોમ્બે હાઈકોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ આ નિર્ણય લીધો છે. હવે આ કેસની સુનાવણી 10 જૂને થશે. ફિલ્મને U/A પ્રમાણપત્ર કેવી રીતે મળ્યું: અરજદાર
અરજીકર્તા અઝહર તંબોલીએ કોર્ટમાં કહ્યું કે, આ ફિલ્મ મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડનારી છે અને કુરાનને પણ ખોટી રીતે બતાવવામાં આવ્યું છે. ફિલ્મના કેટલાક ડાયલોગ્સ પણ વાંધાજનક છે. અઝહરે ફિલ્મને U/A સર્ટિફિકેટ આપવા પર પણ કોર્ટમાં સવાલો ઉઠાવ્યા છે. સેન્સર બોર્ડે કાપ મૂકવા કહ્યું
મીડિયા સાથે વાત કરતા વકીલ અદ્વૈત સેઠનાએ કહ્યું કે, હવે સેન્સર બોર્ડને ફિલ્મ 'હમારેં બારહ'માં કેટલાક કટ કરવા માટે કહેવામાં આવ્યું છે. અમુક સીન કે ડાયલોગ હટાવ્યા પછી જ આ ફિલ્મ રિલીઝ થઈ શકે છે. અન્નુ કપૂરે સુરક્ષાની માગ કરી હતી
ફિલ્મ 'હમારે બારહ' તેનું ટ્રેલર અને ટીઝર રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મના કલાકારોને જાનથી મારી નાખવાની અને બળાત્કારની ધમકીઓ પણ મળી રહી છે. આ દરમિયાન અન્નુ કપૂરે એક વીડિયો જાહેર કરીને મહારાષ્ટ્ર પોલીસ અને ગૃહ મંત્રાલય પાસે સુરક્ષાની માગ કરી હતી. આ સંબંધમાં સોમવારે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને પણ મળ્યા હતા. આ ફિલ્મ મહિલા સશક્તિકરણની વાત કરે છેઃ અન્નુ
આ વીડિયોમાં અન્નુએ ફિલ્મ અંગે સ્પષ્ટતા પણ આપી છે. તેમણે કહ્યું હતું કે, પહેલાં લોકોએ આ ફિલ્મ જોવી જોઈએ અને પછી જજ કરવી જોઈએ. અન્નુ અનુસાર, આ ફિલ્મ મહિલા સશક્તિકરણ અને વધતી વસ્તી વિશે વાત કરે છે. તે કોઈપણ ધાર્મિક સમુદાયને નિશાન બનાવતી નથી. શું છે ફિલ્મની વાર્તા?
ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ધર્મના નામે એક ખાસ ધર્મની મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવે છે. બાળકો પેદા કરવા માટે તેમના પર દબાણ કરવામાં આવે છે. ફિલ્મમાં અન્નુ કપૂર મન્સૂર અલી ખાનની ભૂમિકા ભજવે છે, જે એક મુસ્લિમ વ્યક્તિ છે, જેની પ્રથમ પત્ની બાળકને જન્મ આપતી વખતે મૃત્યુ પામે છે અને તેની બીજી પત્ની છઠ્ઠી વખત ગર્ભવતી છે. ડોકટરો કહે છે કે તે ગર્ભાવસ્થા દરમિયાન મૃત્યુ પામી શકે છે પરંતુ ખાને ગર્ભપાત કરવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં, ખાનની મોટી પુત્રી તેની સાવકી માતાને બચાવવા માટે તેના પિતાને કોર્ટમાં ખેંચે છે અને માતાના ગર્ભપાતની માગ કરે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.